રાજકોટ જિલ્લામાં મગફળી ખરીદી જોરશોરથી શરૂ: ચાર દિવસમાં 4030 ખેડૂતો પાસેથી 94446 ક્વિન્ટલ ખરીદી Nov 13, 2025 રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. ગત રવિવારથી શરૂઆત બાદ માત્ર ચાર દિવસમાં 4030 ખેડૂતો પાસેથી કુલ 94,446 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ છે. જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે જણાવ્યું કે મગફળી ખરીદી માટે જિલ્લામાં કુલ 1.77 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 29 ખરીદી સેન્ટરો કાર્યરત કરાયા છે.કલેકટર મુજબ, રાજકોટ, ગોંડલ, લોધીકા, કોટડા સાંગાણી સહિત તમામ તાલુકા વિસ્તારોમાં ખેડૂતો માટે સુવિધાસભર સેન્ટરો ઉભા કરાયા છે, જ્યાં મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. ખેડૂતોને સેન્ટરો પર આવાસ, પાણી અને વજનની પારદર્શક વ્યવસ્થા મળી રહે તે માટે જિલ્લા તંત્ર સક્રિય છે.રાજ્યભરમાં પણ મગફળી ખરીદીનું અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. ગુજરાતના 160થી વધુ સેન્ટરો પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. અત્યાર સુધી રાજ્યના 3.29 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ, મગફળીનો દર પ્રતિ મણ રૂ. 1356.60 નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ખુલ્લા બજારમાં હાલ મગફળીના ભાવ સરેરાશ રૂ. 1100 થી 1200 પ્રતિ મણ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સરકારના ટેકાના ભાવે વધુ વેચાણ કરી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા રૂ. 8,474 કરોડના મૂલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન ખરીદીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાં મગફળી, સોયાબીન, અડદ અને મગનો સમાવેશ થાય છે. આ ખરીદી મુખ્યત્વે ગુજકોમાસોલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.ખેડૂતો માટે આ યોજનાએ રાહતનો શ્વાસ આપ્યો છે, કારણ કે ટેકાના ભાવથી તેમને યોગ્ય નફો મળી રહ્યો છે અને બજારની અસ્થિરતાથી રક્ષણ મળી રહ્યું છે. Previous Post Next Post