સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા : મતદાર યાદી સુધારણા અને 'સર'ની કામગીરીને કારણે વિલંબ Nov 13, 2025 ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાવાની શક્યતા હવે ઓછી દેખાઈ રહી છે. સૂત્રો મુજબ આ ચૂંટણીઓ હવે એપ્રિલ કે મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. વિલંબનું મુખ્ય કારણ મતદાર યાદી સુધારણા અભિયાન અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ‘સર’ (SIR) કામગીરીને ગણવામાં આવી રહ્યું છે.હાલ રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાનું કામ ચાલી રહ્યું છે, જેની અંતિમ યાદી ફેબ્રુઆરીના અંત સુધી જાહેર થવાની છે. આ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓને ફરજ પર લગાવવામાં આવ્યા છે. મતદાર યાદીનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ચૂંટણી યોજવી શક્ય નથી, એવી માહિતી ચૂંટણી તંત્રના સૂત્રો આપી રહ્યા છે.રાજકીય રીતે પણ આ વિલંબને અલગ રીતે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ખેડૂતોને મળેલા ઓછા વળતર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં અસંતોષનું વાતાવરણ છે. જો હાલની પરિસ્થિતિમાં ચૂંટણી યોજાય, તો શાસક પક્ષને ખેડૂતોના રોષનો સામનો કરવો પડી શકે છે. તેથી સરકાર માટે ચૂંટણી થોડો સમય પછી યોજાવા વધુ અનુકૂળ ગણાઈ રહી છે.કોંગ્રેસે રાજ્યમાં આશરે 60 લાખ શંકાસ્પદ મતદારો હોવાનો આક્ષેપ કરતાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે. બીજી તરફ, ભાજપનું માનવું છે કે ચૂંટણીની તૈયારીઓ માટે પૂરતો સમય આપવો જરૂરી છે, જેથી સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય.જો ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછળ ઠેલાય, તો રાજ્યની અનેક નગરપાલિકા અને પંચાયતોમાં સમયાંતરે વહીવટદાર શાસન લાગુ કરવાની જરૂર પડી શકે છે. આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે અંતિમ નિર્ણય હવે આવનારા મહિનાઓમાં જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે મતદાર યાદી અને વહીવટી કામગીરીને કારણે ચૂંટણી મોડું પડવાની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. Previous Post Next Post