દિલ્હી બ્લાસ્ટ બાદ સોમનાથ અને દ્વારકામાં હાઈ એલર્ટ, લોખંડી સુરક્ષા ગોઠવાઈ Nov 12, 2025 રાજકોટ: રાજધાની દિલ્હીમાં ગઈકાલે સાંજે થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠે આવેલા યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં સુરક્ષા તંત્ર ચેતન થઈ ગયું છે. રાજ્ય સરકારે બન્ને તીર્થધામોને હાઈ એલર્ટ પર મૂકી લોખંડી સુરક્ષા જાપ્તો ગોઠવી દીધો છે.દિલ્હી ઘટનાના પગલે સોમનાથ અને દ્વારકામાં સઘન ચેકિંગ, દરિયાઈ પેટ્રોલિંગ, અને ઝેડ-પ્લસ સુરક્ષા સ્તરનું બંદોબસ્ત વધુ મજબૂત બનાવાયો છે. બન્ને સ્થળોને જોડતા માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને વાહનોની સઘન તપાસ શરૂ કરાઈ છે. તમામ હોટલ, ગેસ્ટહાઉસ અને રેસ્ટોરન્ટમાં પણ ચકાસણી હાથ ધરાઈ છે.સોમનાથ મંદિર તથા તેની આસપાસના વિસ્તારોમાં પોલીસના ડોગ સ્કવોડ, ઘોડેસવાર દળો અને ઈન્ટેલિજન્સ ટીમો સતત દેખરેખ રાખી રહી છે. દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશતા પહેલાં કડક ચેકિંગમાંથી પસાર થવું ફરજિયાત બનાવાયું છે, તેમજ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. હાઈવે પર વધારાના બેરીકેટ્સ અને ચેકિંગ ટીમો રાઉન્ડ ધ કલોક ફરજ પર રાખવામાં આવી છે.દ્વારકામાં જગત મંદિર અને બેટ દ્વારકા વિસ્તારમાં હથિયારધારી એસ.આર.પી. જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. મંદિરમાં પાણીની બોટલ અથવા અન્ય સામાન લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દરિયાકાંઠે કોસ્ટલ સિક્યુરિટી દ્વારા ફિશીંગ બોટ્સ અને દરિયાઈ પરિવહન પર પણ ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે.રાજ્યના સુરક્ષા તંત્રએ તમામ જાહેર સ્થળો — જેમ કે હોટલો, રેસ્ટોરન્ટ, ધાબા, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન — પર વિશેષ ચેકિંગ શરૂ કરી દીધું છે. આ સાથે જ દરિયાઈ સરહદ પરથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ રોકવા માટે પેટ્રોલિંગને વધુ તેજ બનાવવામાં આવ્યું છે.દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે જાહેર સુરક્ષા માટે આ સાવચેતીના પગલાં તાત્કાલિક અમલમાં મૂકી દીધા છે જેથી કોઈ અણધાર્યો બનાવ ન બને. Previous Post Next Post