10 છગ્ગા, 45 બોલમાં સેન્ચુરી, ઈશાન કિશાનના તોફાનમાં ફંટાયુ હરિયાણા, ઝારખંડ SMAT 2025 ચેમ્પિયન

10 છગ્ગા, 45 બોલમાં સેન્ચુરી, ઈશાન કિશાનના તોફાનમાં ફંટાયુ હરિયાણા, ઝારખંડ SMAT 2025 ચેમ્પિયન

ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની ફાઈનલ એક યાદગાર મુકાબલા તરીકે ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે. ઝારખંડના કેપ્ટન અને ભારતીય ટીમના વિકેટકીપર-બેટર ઈશાન કિશાને પોતાના તોફાની બેટિંગથી હરિયાણા સામે એવી દમદાર જીત અપાવી કે ક્રિકેટ જગતમાં તેની ચર્ચા થવા લાગી છે. ગુરુવારે (18 ડિસેમ્બર) રમાયેલી ફાઈનલ મેચમાં ઝારખંડે હરિયાણાને 69 રનથી હરાવી પોતાનું પ્રથમ SMAT ટાઇટલ જીત્યું.

આ જીત માત્ર ખિતાબ પૂરતી સીમિત રહી નથી, પરંતુ ઝારખંડ ટીમે એક વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. હરિયાણા સામે ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ઝારખંડે 3 વિકેટે 262 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો. આ સ્કોર T20 ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ટુર્નામેન્ટની ફાઈનલમાં બનેલો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે, જે હવે વિશ્વ રેકોર્ડ તરીકે નોંધાયો છે.

ઝારખંડની આ ઐતિહાસિક ઇનિંગ્સના નાયક રહ્યા ઈશાન કિશાન. ડાબોડી બેટર કિશાને માત્ર 45 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને હરિયાણાના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે બેકાબૂ કરી દીધું. તેમણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 10 વિશાળ છગ્ગા અને અનેક આકર્ષક ચોગ્ગા ફટકાર્યા. ખાસ કરીને સતત છગ્ગાઓની વરસાદે મેચનો રુખ જ બદલી નાખ્યો. કિશનની આ સદી ટુર્નામેન્ટમાં તેમની બીજી સદી હતી, જે તેમની અદભુત ફોર્મનું પ્રમાણ આપે છે.

ઈશાન કિશાને કુમાર કુશાગ્ર સાથે બીજી વિકેટ માટે 177 રનની ભવ્ય ભાગીદારી કરી. કુશાગ્રે પણ શાનદાર બેટિંગ કરી 38 બોલમાં 81 રન બનાવ્યા અને હરિયાણાના બોલરો પર સતત દબાણ જાળવી રાખ્યું. બંને બેટરોના આક્રમક અભિગમને કારણે હરિયાણા ટીમ મેચમાં ક્યારેય વાપસી કરી શકી નહોતી.

કિશન આખા ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ ફોર્મમાં રહ્યો હતો. તેણે 10 ઇનિંગ્સમાં 197.32ના જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી કુલ 517 રન બનાવી રન ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું. આ પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રીય પસંદગીકારો આગામી T20 સીરિઝ અને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પસંદ કરવાની તૈયારીમાં છે. કિશનની આ ઇનિંગ્સે તેની પસંદગીની દાવેદારીને વધુ મજબૂત બનાવી છે.

કિશન અને કુશાગ્ર આઉટ થયા બાદ પણ ઝારખંડનો રન રેટ ઘટ્યો નહોતો. અંતિમ ઓવરોમાં અનુકુલ રોય અને રોબિન મિન્ઝે ઝડપી રન બનાવી ટીમના સ્કોરને 262 સુધી પહોંચાડ્યો. રોબિન મિન્ઝે માત્ર 14 બોલમાં 31 રન ફટકારી હરિયાણા માટે લક્ષ્યને સંપૂર્ણપણે અશક્ય બનાવી દીધું.

262 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હરિયાણા ટીમની શરૂઆત અત્યંત નબળી રહી. ટીમે પ્રથમ જ ઓવરોમાં પોતાના બંને ઓપનરો – કેપ્ટન અંકિત કુમાર અને આશિષ સિવાચ – શૂન્ય રને ગુમાવી દીધા. શરૂઆતના આ ઝટકાથી હરિયાણા દબાણમાં આવી ગઈ હતી.

વિકેટકીપર-બેટર યશવર્ધન દલાલે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો અને 53 રનની અડધી સદી ફટકારી. તેણે અર્શ રંગા અને નિશાંત સિંધુ સાથે મહત્વપૂર્ણ ભાગીદારીઓ કરી, પરંતુ ઝારખંડના બોલરો, ખાસ કરીને અનુકુલ રોય, નિયમિત અંતરે વિકેટો લેતા રહ્યા. અનુકુલે એક જ ઓવરમાં બે સેટ બેટરોને આઉટ કરીને મેચ સંપૂર્ણપણે ઝારખંડની તરફેણમાં ફેરવી દીધી.

અંતે હરિયાણા ટીમ 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ઝારખંડે 69 રનની ઐતિહાસિક જીત સાથે SMAT 2025 નો ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત સાથે ઝારખંડ દેશની સૌથી મોટી T20 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ જીતનાર 12મું રાજ્ય બની ગયું છે.

ઈશાન કિશાનની કેપ્ટનશીપ, ઐતિહાસિક બેટિંગ અને ટીમના સંયુક્ત પ્રદર્શનને કારણે આ ફાઈનલ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી યાદગાર મેચોમાંથી એક તરીકે લાંબા સમય સુધી યાદ રહેશે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ