લુણીવાવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનોખો સંવાદ, ખેડૂતના ઘરે ગાય દોહનથી પ્રાકૃતિક ખેતીનો મજબૂત સંદેશ આપ્યો ગામે પ્રેરણા

લુણીવાવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનોખો સંવાદ, ખેડૂતના ઘરે ગાય દોહનથી પ્રાકૃતિક ખેતીનો મજબૂત સંદેશ આપ્યો ગામે પ્રેરણા

ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે અનોખું ઉદાહરણ રજૂ કર્યું. રાજ્યપાલશ્રીએ સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને ગ્રામ્ય જીવન, ખેતી અને ગાય આધારિત સંસ્કૃતિ સાથે સીધો સંપર્ક સાધ્યો.

આજે વહેલી સવારે રાજ્યપાલશ્રી લુણીવાવ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી પંકજભાઈ મારકણાના ખેતર પર પહોંચ્યા હતા. અહીં તેમણે પરંપરાગત બળદગાડું ચલાવી ગ્રામ્ય જીવનનો અહેસાસ કર્યો હતો. બાદમાં ખેતરમાં જાતે જ મકાઈની કાપણી કરી ગાય માટે ચારો તૈયાર કર્યો હતો. ગાયને ચારો આપીને રાજ્યપાલશ્રીએ જાતે ગાયનું દોહન કર્યું હતું, જે ગ્રામ્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું.
 

ખેતરમાં પ્રાકૃતિક ખેતીનું જીવંત ઉદાહરણ

રાજ્યપાલશ્રીએ પંકજભાઈના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા ચણા, વટાણા સહિતના પાકનું નિરીક્ષણ કર્યું હતું. ખેતરમાં પાકમાં ભરપૂર ફૂલ આવ્યાં હતા અને ચણાના ફળ ખૂબ સારા દેખાયા હતા. ખાસ વાત એ હતી કે તમામ પાક કીટક અને રોગમુક્ત જોવા મળ્યા હતા, જે પ્રાકૃતિક ખેતીની સફળતાનું સ્પષ્ટ ઉદાહરણ બન્યું.

ખેડૂત પંકજભાઈની દીકરી એન.સી.સી.માં હોવાનું જાણવા મળતાં રાજ્યપાલશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, “અભ્યાસ અને કૃષિ કાર્ય બંને એકસરખા મહત્વના છે. શિક્ષણ સાથે ખેતી જોડાય ત્યારે સમૃદ્ધ ભવિષ્ય રચાય છે.”
 

ખેડૂતો સાથે સહજ સંવાદ, પ્રાકૃતિક ખેતીનો સંદેશ

રાજ્યપાલશ્રીના આગમનની જાણ થતાં આસપાસના અનેક ખેડૂતો ખેતરે પહોંચી ગયા હતા. આ તકે રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સહજ સંવાદ સાધીને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે તૈયાર કરાય તેની સરળ પરંતુ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેના ફાયદાઓ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીન વધુ ફળદ્રુપ બને છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ખેડૂતનું આરોગ્ય તથા પર્યાવરણ સુરક્ષિત રહે છે.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, “પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી શક્તિશાળી બને છે કે તેમાં રોગ અને જીવાતો આપમેળે ઘટી જાય છે. આ ખેતરને જોઈને પ્રેરણા લો અને ધીમે ધીમે રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ છોડો.”
 

‘જમીનને સોના જેવી ઉપજાઉ બનાવો’ – રાજ્યપાલ

રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “પ્રાકૃતિક ખેતી અપનાવો અને તમારી જમીનને સોના જેવી ઉપજાઉ બનાવો.” તેમની વાતોથી પ્રેરિત થઈ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ રીતે લુણીવાવનું આ ખેતર આજે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા બની ગયું હતું.
 

કપાસના ખેતરમાં ખભેખભો મિલાવી કામ

બાદમાં રાજ્યપાલશ્રીએ કપાસના ખેતરની મુલાકાત લીધી હતી, જ્યાં કપાસ વીણવાનું કાર્ય ચાલી રહ્યું હતું. અહીં તેમણે ખેડૂતોની સાથે ખભેખભો મિલાવી જાતે કપાસના કાલા વીણ્યા હતા. સાથે સાથે ખેડૂતો સાથે સંવાદ સાધીને તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
 

ગ્રામ્ય સંસ્કૃતિ અને ખેતી પ્રત્યેનો સંદેશ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આ પ્રવાસ માત્ર ઔપચારિક નહોતો, પરંતુ તેમણે જાતે ખેતરમાં ઉતરીને પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત કૃષિ અને ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ પ્રત્યક્ષ રીતે દર્શાવ્યું. તેમની આ પહેલથી ખેડૂતોમાં નવી આશા અને પ્રેરણા જાગી છે, જે આવનારા સમયમાં પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શક સાબિત થશે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ