2025માં રમતજગતનું વર્ષ બન્યું યાદગાર; મેસી સહિત ખેલાડીઓએ રચ્યા રેકોર્ડ અને નવા માઈલસ્ટોન Dec 27, 2025 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય રમતજગતમાં ઐતિહાસિક સિદ્ધિઓ, નવા વર્લ્ડ રેકોર્ડ્સ, યાદગાર વિજય અને કેટલીક ભાવુક વિદાય સાથે યાદગાર બની રહ્યું. ફૂટબોલથી લઈને ટેનિસ, સ્વિમિંગ, ચેસ, ફોર્મ્યુલા વન અને ગોલ્ફ સુધી લગભગ દરેક રમતમાં નવા ચેમ્પિયન્સ અને નવા માઈલસ્ટોન્સ સર્જાયા. મેજિકલ મેસી નવા માઈલસ્ટોનના શિખરેવર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીનાના કેપ્ટન લિઓનેલ મેસીએ 2025માં પણ પોતાની ‘મેજિકલ’ કારકિર્દીને નવી ઊંચાઈ આપી. અમેરિકાની મેજર લીગ સોકરમાં ઇન્ટર માયામી સાથે મેસીએ આગવું પ્રભુત્વ જાળવી રાખ્યું. તેણે ક્લબને પ્રથમ વખત એમએલએસ કપ ચેમ્પિયન બનાવ્યો અને સતત બીજા વર્ષે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ તેમજ ગોલ્ડન બૂટ જીત્યો. આ ઉપરાંત, મેસીએ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં આઠ ગોલ ફટકારીને આર્જેન્ટીનાને 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 115 ગોલ સાથે તે સર્વાધિક ગોલ કરનાર ખેલાડીઓમાં બીજા ક્રમે રહ્યો. ગોલ મશીન રોનાલ્ડો વિશ્વવિક્રમોના એવરેસ્ટ પર40 વર્ષના ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે 2025 સિદ્ધિઓથી ભરેલું રહ્યું. તેણે કારકિર્દીમાં કુલ 950 ગોલનો ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો. પોર્ટુગલની ટીમ સાથે નેશન્સ લીગ ટાઈટલ જીતીને તેની કારકિર્દીની 34મી મેજર ટ્રોફી પોતાના નામે કરી. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેણે 143 ગોલ સાથે સર્વાધિક ગોલનો વર્લ્ડ રેકોર્ડ વધુ મજબૂત કર્યો. સાઉદી પ્રો લીગમાં એક સિઝનમાં 35 ગોલનો રેકોર્ડ પણ રોનાલ્ડોએ સર્જ્યો. સ્વિમિંગમાં લેડેકી, મેક્ઈન્ટોશ અને માર્શોનનો દબદબોસ્વિમિંગમાં અમેરિકાની લેજન્ડ કેટી લેડેકી, કેનેડાની સમર મેક્ઈન્ટોશ અને ફ્રાન્સના લિઓ માર્શોને રમતજગતનું ધ્યાન ખેંચ્યું. લેડેકીએ 800 મીટર ફ્રિસ્ટાઈલમાં છઠ્ઠો વર્લ્ડ રેકોર્ડ નોંધાવી કારકિર્દીના કુલ 23 ગોલ્ડ મેડલ સુધી પહોંચ્યા. મેક્ઈન્ટોશે ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ સાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા, જ્યારે માર્શોએ 200 મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલીમાં નવો વર્લ્ડ રેકોર્ડ રચ્યો. ટેનિસમાં અલકારાઝ અને સિનરનું રાજટેનિસ જગતમાં સ્પેનના કાર્લોસ અલકારાઝ અને ઇટલીના યાનિક સિનર 2025માં છવાયેલા રહ્યા. સિનરે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન જીત્યા, જ્યારે અલકારાઝે ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન પોતાના નામે કર્યા. વર્ષના અંતે અલકારાઝ વર્લ્ડ નંબર વન બન્યો. ટેનિસ લેજન્ડ નોવાક જોકોવિચે કારકિર્દીનું 100મું ટાઈટલ જીત્યું, જોકે ગ્રાન્ડ સ્લેમની સંખ્યામાં વધારો ન કરી શક્યો. મહિલા ટેનિસ અને સ્વિમિંગમાં ચડાવ-ઉતારમહિલા ટેનિસમાં મેડિસન કિઝ, કોકો ગોફ, સ્વિયાટેક અને સબાલેન્કાએ અલગ-અલગ ગ્રાન્ડ સ્લેમ જીત્યા. સ્વિમિંગમાં ઓસ્ટ્રેલિયાની આરિયાન ટિટમસે માત્ર 25 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા. પીએસજી, ચેલ્સી અને ગોલ્ફમાં શેફ્લરફૂટબોલમાં પીએસજીએ છ મેજર ટાઈટલ જીતીને ઇતિહાસ રચ્યો, જ્યારે ચેલ્સીએ નવા ફોર્મેટના ફિફા ક્લબ વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો. ગોલ્ફમાં અમેરિકાના સ્કોટી શેફ્લરે બે મેજર જીતીને ચોથી વખત પ્લેયર ઓફ ધ યર બન્યો. ચેસ, એથ્લેટિક્સ અને ફોર્મ્યુલા વનમાં નવા હીરોચેસમાં ઉઝબેકિસ્તાનના 19 વર્ષીય જાવોખિર સિન્દારોવ સૌથી યુવા વર્લ્ડ કપ વિજેતા બન્યો. પોલ વોલ્ટમાં અર્માન્ડ ડુપ્લાન્ટિસે ચાર વર્લ્ડ રેકોર્ડ તોડ્યા, જ્યારે ફોર્મ્યુલા વનમાં લૅન્ડો નોરિસે મેક્સ વર્સ્ટાપ્પનને હરાવી કારકિર્દીની પહેલી ચેમ્પિયનશિપ જીતી. યાદગાર વિદાય2025માં બોક્સિંગ લેજન્ડ જ્યોર્જ ફોરમેન અને ચેસ મહારથી બોરિસ સ્પાસ્કીના અવસાનથી રમતજગતે બે દિગ્ગજોને અલવિદા કહી. 2025 રમતજગત માટે રેકોર્ડ, રોમાંચ અને નવી પેઢીના ઉદય સાથે એક ઐતિહાસિક વર્ષ બની રહેશે. Previous Post Next Post