ભારતનું અનોખું ગામ જ્યાં મહિલાઓ iPhone બનાવે છે, ફ્રી રહેવું, ભોજન અને અનેક સુવિધાઓ મળે Dec 22, 2025 તાઇવાનની દિગ્ગજ ટેક્નોલોજી કંપની Foxconn દ્વારા ભારતમાં શરૂ કરાયેલું નવું iPhone મેન્યુફેક્ચરિંગ યુનિટ આજે માત્ર એક ફેક્ટરી નહીં પરંતુ બદલાતા ભારતની નવી ઓળખ બની રહ્યું છે. બેંગલુરુ નજીક દેવનહલ્લીમાં સ્થપાયેલો આ યુનિટ ભારતના મેન્યુફેક્ચરિંગ ઇતિહાસમાં એક અનોખું અને ઐતિહાસિક ઉદાહરણ રજૂ કરે છે. અહીં ખાસ વાત એ છે કે આ ફેક્ટરીમાં iPhone બનાવતી મોટાભાગની workforce મહિલાઓની છે, જે દેશના સામાજિક અને આર્થિક પરિવર્તનનું પ્રતિબિંબ છે.Foxconn દ્વારા આ યુનિટમાં આશરે આઠથી નવ મહિનાની અંદર જ 30,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જે ભારત માટે એક રેકોર્ડ ગણાય છે. આ પગલું Appleની વૈશ્વિક રણનીતિનો મહત્વનો ભાગ છે, જેના હેઠળ કંપની ચીન પરની નિર્ભરતા ઘટાડીને ભારતને વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવી રહી છે. ભારતની સ્થિર નીતિઓ, સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને PLI સ્કીમ જેવી યોજનાઓએ Apple અને Foxconn જેવી કંપનીઓને અહીં મોટું રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે.આ યુનિટની સૌથી વિશેષ વાત એ છે કે અહીં કામ કરનારા કર્મચારીઓમાં આશરે 80 ટકા મહિલાઓ છે. આમાંથી મોટાભાગની મહિલાઓની ઉંમર 19થી 24 વર્ષ વચ્ચે છે અને ઘણી માટે આ તેમની પહેલી નોકરી છે. 300 એકરમાં ફેલાયેલું આ યુનિટ મોટા પાયે મહિલાઓના નેતૃત્વ હેઠળ સંચાલિત થાય છે, જે ભારતના પરંપરાગત મેન્યુફેક્ચરિંગ માળખાથી અલગ અને પ્રેરણાદાયક છે. કર્ણાટક ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યુવતીઓ અહીં રોજગાર માટે આવી છે.ઉત્પાદનની વાત કરીએ તો શરૂઆતમાં અહીં iPhone 16નું ટ્રાયલ પ્રોડક્શન શરૂ થયું હતું, જ્યારે હવે લેટેસ્ટ iPhone 17 Pro Maxનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીં બનેલા iPhoneમાંથી લગભગ 80 ટકા યુનિટ્સ વિદેશી બજારોમાં એક્સપોર્ટ થાય છે. જ્યારે આ ફેક્ટરી સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થશે ત્યારે આશરે 50,000 લોકોને સીધી રોજગારી મળવાની સંભાવના છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે મોટો લાભ છે.Foxconnની યોજના માત્ર ફેક્ટરી પૂરતી સીમિત નથી. કંપની આ યુનિટને એક મિની ટાઉનશિપમાં પરિવર્તિત કરવા જઈ રહી છે. પરિસરમાં રહેવાની સુવિધા, મેડિકલ સેન્ટર, સ્કૂલ, ટ્રેનિંગ સેન્ટર અને મનોરંજનની વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. હાલમાં મહિલાઓ માટે રહેવા માટે છ વિશાળ ડોર્મેટરી તૈયાર કરવામાં આવી છે, જ્યાં સુરક્ષા અને સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વિસ્તાર આગામી સમયમાં મહિલાઓ માટેનું સૌથી મોટું રોજગાર કેન્દ્ર બની શકે છે.આ યુનિટમાં કામ કરનારી મહિલાઓને ફ્રી રહેવાની સુવિધા અને સસ્તું તથા પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. સરેરાશ પગાર આશરે 18,000 રૂપિયા છે, જે બ્લૂ-કોલર સેક્ટરમાં મહિલાઓ માટે સારો અને સ્થિર આવક સ્ત્રોત માનવામાં આવે છે. Foxconn આ પ્રોજેક્ટમાં આશરે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. 2.5 લાખ વર્ગફૂટના વિશાળ પ્રોડક્શન ફ્લોર સાથે આ ફેક્ટરી દેશના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં સ્થાન મેળવી રહી છે.સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ આ યુનિટ ‘મેક ઇન ઇન્ડિયા’ અને PLI સ્કીમની મોટી સફળતા છે. 2021 બાદ Appleએ ભારતમાં iPhoneનું ઉત્પાદન ઝડપથી વધાર્યું છે અને આજે તમામ મોડલ્સનું ઉત્પાદન અહીંથી શરૂ થઈને વૈશ્વિક બજારમાં પહોંચે છે. હાલ Appleની સપ્લાય ચેન ભારતમાં આશરે 45 કંપનીઓ સુધી વિસ્તરી ચૂકી છે, જે ભારતની ગ્લોબલ સપ્લાય ચેનમાં વધતી ભૂમિકા દર્શાવે છે.Foxconn અને Apple બંને કર્મચારીઓની તાલીમ અને સ્કિલ ડેવલોપમેન્ટ પર વિશેષ ભાર મૂકે છે. મોટાભાગની મહિલાઓ હાઈસ્કૂલ અથવા પોલિટેકનિક પાસ છે અને ભરતી બાદ તેમને છ સપ્તાહની ઓન-ધ-જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે. આથી માત્ર રોજગાર જ નહીં, પરંતુ દેશના યુવાનોમાં ટેક્નિકલ કુશળતા અને આત્મવિશ્વાસ પણ વધે છે. દેવનહલ્લીની આ ફેક્ટરી આજે ‘નવું ભારત’ કેવી રીતે વૈશ્વિક ટેક્નોલોજી મેપ પર પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે તેનું જીવંત ઉદાહરણ બની છે. Previous Post Next Post