ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાં પર ભારતનું એક ડ્રોન પડ્યું હતું: પૂર્વ CDS અનિલ ચૌહાણ Aug 26, 2026 નવી દિલ્હી,કિરાના હિલ્સ પરથી ધુમાડો નીકળવાની ઘટના પાછળનું અસલી કારણ આવ્યું સામેભારતના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ‘ઓપરેશન સિંદૂર’ સાથે જોડાયેલા અનેક મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે પાકિસ્તાનના સંવેદનશીલ પરમાણુ ઠેકાણાઓ અને કિરાના હિલ્સ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સરગોધા નજીક આવેલા કિરાના હિલ્સમાંથી ધુમાડો નીકળવાના જે ફોટો અને દ્રશ્યો સામે આવ્યા હતા, તેની પાછળનું અસલી કારણ કોઈ ઈરાદાપૂર્વકનો હુમલો નહીં, પરંતુ એક ટેક્નિકલ પ્રક્રિયા હતી.જનરલ અનિલ ચૌહાણે ખુલાસો કર્યો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના સરગોધા વિસ્તારમાં દુશ્મનના રડાર સિસ્ટમને શોધીને તેને તબાહ કરવા માટે મોટી સંખ્યામાં 'લોઈટરીંગ મ્યુનિશન' (કામિકેઝ ડ્રોન) મોકલ્યા હતા. આ પ્રકારના હથિયારો આકાશમાં લાંબા સમય સુધી (લગભગ બે કલાક સુધી) પોતાના લક્ષ્યની તલાશમાં ફરી શકે છે. જો નિર્ધારિત સમયમાં તેમને કોઈ ટાર્ગેટ ન મળે, તો તે ઓટોમેટીકલી નીચે આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંભવતઃ તેમાંથી જ એક ડ્રોન નિશ્ચિત લક્ષ્ય ન મળવાને કારણે નીચે આવીને કિરાના હિલ્સની પહાડી સાથે અથડાયું હશે, જેના કારણે ત્યાં ધુમાડો નીકળવાની અફવાઓ ફેલાઈ હતી અને પાકિસ્તાની મીડિયામાં હંગામો મચ્યો હતો.પૂર્વ CDSએ જણાવ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે પરંપરાગત રીતોથી હટકીને નીચલા વાયુક્ષેત્રનો ઉપયોગ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય સંઘર્ષના સ્તરને નિયંત્રણમાં રાખવાનો, સફળતાની ખાતરી કરવાનો અને દુશ્મનને અચાનક ચોંકાવી દેવાનો હતો. ડ્રોન અને એટેક હેલિકોપ્ટરો જેવા પ્લેટફોર્મ્સે આ મિશનમાં અદ્ભુત ભૂમિકા ભજવી હતી.જ્યારે પાકિસ્તાને ભારત સમક્ષ ફોન કરીને યુદ્ધવિરામ અને વાતચીતની ભીખ માંગી હતી, તે જ સમયે ભારતીય વાયુસેનાના પ્રમુખે સરગોધા પર હુમલો કરવાની મંજૂરી માંગી હતી. તત્કાલીન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ સાથે પાકિસ્તાનને ખબર પણ નહોતી કે તેમના તરફથી કરાયેલા જવાબી પ્રયાસો ક્યાંય નિશાન પર લાગ્યા છે કે નહીં, જેના કારણે તેઓ 12 મે સુધી કોમર્શિયલ સેટેલાઇટ તસવીરો મેળવવા માટે ફાંફાં મારતા રહ્યા હતા પરંતુ તેમને તબાહીનો કોઈ પુરાવો હાથ લાગ્યો ન હતો. આ ખુલાસાએ સાબિત કરી દીધું છે કે ભારતીય સૈન્યની આધુનિક રણનીતિ સામે પાકિસ્તાની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે અસમર્થ સાબિત થઈ હતી. Previous Post Next Post