નેપાળમાં તિબેટથી આવેલા નદીના પ્રચંડ પૂરથી અનેક હાઇડ્રોપાવર અને વાહનો ધોવાયા Aug 26, 2026 કાઠમંડુ,રસુવા જિલ્લામાં ભારે તારાજી: તિમુરે બજાર અને સરહદી વિસ્તાર પાણીમાં ગરકાવનેપાળમાં તિબેટ તરફથી અચાનક ભોટેકોશી નદીમાં ઘૂસી આવેલા પ્રચંડ પૂરના પ્રવાહને કારણે નેપાળના રસુવા જિલ્લામાં મોટાપાયે તારાજી સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નદીના તીવ્ર પ્રવાહ અને પાણીના ઊંચા મોજાંઓ કારણે રસુવા જિલ્લાનું તિમુરે બજાર અને અનેક મહત્વપૂર્ણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ધોવાઈ ગયા છે. આ અચાનક આવેલા ઘોડાપૂરથી રસ્તાઓ, વાહનો અને સરકારી માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.સ્થાનિક તંત્ર અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે કોઈ ભારે વરસાદ ન હોવા છતાં તિબેટની સરહદ તરફથી અચાનક પાણીનું પૂર ત્રાટક્યું હતું, જેના કારણે નદીની જળસપાટી અણધારી રીતે ઊંચી આવી ગઈ હતી. પૂરના આ પ્રચંડ પ્રવાહમાં તિમુરે બજાર અને તેની આસપાસના વિસ્તારોમાં ઊભેલા વાહનો તેમજ વીજ ઉત્પાદન કરતા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ગંભીર ક્ષતિ પહોંચી છે. અચાનક સર્જાયેલી આ જળપ્રલયની સ્થિતિથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.પાંચ જિલ્લાઓમાં હાઇ એલર્ટ અને સેના તૈનાતસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળ વહીવટી તંત્ર દ્વારા રસુવા સહિતના પાંચ સંવેદનશીલ જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, પ્રભાવિત વિસ્તારોમાં તાકીદે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે નેપાળી સેના અને સુરક્ષા દળોને કામે લગાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે. Previous Post Next Post