બોર્ડ પરીક્ષાર્થીઓમાં ચિંતા અને વિષય ફોબિયા વધ્યા, PQRST ટેકનિકથી યાદશક્તિ મજબૂત કરવાની સલાહ

બોર્ડ પરીક્ષાર્થીઓમાં ચિંતા અને વિષય ફોબિયા વધ્યા, PQRST ટેકનિકથી યાદશક્તિ મજબૂત કરવાની સલાહ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પરીક્ષા નજીક આવતા જ અનેક વિદ્યાર્થીઓમાં ગભરાટ, ચિંતા અને માનસિક તાણ વધતું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કાઉન્સિલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા દોશીના જણાવ્યા મુજબ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં ઊંઘ ન આવવી, વાંચેલું યાદ ન રહેવું, નાપાસ થવાનો ભય અને માતા-પિતાની અપેક્ષાઓનું દબાણ જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. કેટલાક વિદ્યાર્થીઓ તો પરીક્ષા નજીક આવે ત્યારે શારીરિક લક્ષણો પણ અનુભવતા હોય છે, જેમ કે તાવ જેવું લાગવું, પેટમાં દુખાવો, હાથ ધ્રૂજવું અથવા પરસેવો આવવો.

ડો. દોશી કહે છે કે ઘણા વિદ્યાર્થીઓ “મેં બધું વાંચ્યું છે, છતાં પેપર આવે ત્યારે બધું ભૂલાઈ જાય છે” એવી ફરિયાદ લઈને આવે છે. આવી પરિસ્થિતિમાં તેઓને ઓટો-સજેશન, બિહેવિયર થેરાપી અને રિલેક્સેશન ટેકનિક દ્વારા માનસિક સધિયારો આપવામાં આવે છે. ખાસ કરીને યાદશક્તિ મજબૂત કરવા માટે PQRST ટેકનિક અપનાવવાની સલાહ આપવામાં આવે છે.
 


PQRST ટેકનિકમાં પાંચ તબક્કા હોય છે – Preview (ઝલક મેળવવી), Question (પ્રશ્નો ઉભા કરવો), Read (વિગતે વાંચવું), Self-Recitation (પોતે બોલીને પુનરાવર્તન કરવું) અને Test (પોતાને જ કસોટી આપવી). આ પદ્ધતિથી વાંચન વધુ ગહન બને છે અને માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે.

તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓને પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને અભ્યાસ કરવાની સલાહ આપી છે. માત્ર મનમાં વાંચવા કરતાં આંખથી વાંચવું, મોઢેથી બોલવું, લખવું અને શક્ય હોય તો ચાલતા-ચાલતા પુનરાવર્તન કરવું વધુ અસરકારક સાબિત થાય છે. ધ્યાન ભટકતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઊંચા અવાજે વાંચન કરવું લાભદાયી ગણાય છે.

મોબાઇલના વધતા ઉપયોગને પણ પરીક્ષા તણાવમાં એક કારણ માનવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ સતત મેસેજ કે નોટિફિકેશનની ચિંતા કરતા હોય છે, જેના કારણે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી. કાઉન્સિલિંગ દરમિયાન તેમને સમજાવવામાં આવે છે કે મોબાઇલના મેસેજ ડિલીટ થઈ જતાં નથી, તેથી અભ્યાસ દરમિયાન સંપૂર્ણ ધ્યાન રાખીને પછી નક્કી કરેલા સમયમાં મોબાઇલ વાપરવો યોગ્ય રહેશે.

કાઉન્સિલિંગ કેમ્પ સાથે સંકળાયેલી વિદ્યાર્થિની જીલ દવે જણાવે છે કે “સેલ્ફ એસેસમેન્ટ સ્ક્રિનિંગ કેમ્પ” દ્વારા વિદ્યાર્થીઓ પોતાની માનસિક સ્થિતિ સમજી શકે છે. ખાસ કરીને ધોરણ 10, 12, ડિપ્લોમા અને કોલેજના વિદ્યાર્થીઓમાં પરીક્ષા પૂર્વે ડર અને તણાવ વધતો જોવા મળે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનું વેલ-બીઇંગ જાળવવાનો અને તેમને તણાવમુક્ત રીતે પરીક્ષા આપવા તૈયાર કરવાનો છે.

વિદ્યાર્થીઓમાં જોવા મળતી સમસ્યાઓમાં પરીક્ષાની ચિંતા, માતા-પિતાનું દબાણ, સફળ ન થવાનો ભય, વિષય ફોબિયા અને ડિપ્રેશન મુખ્ય છે. ઉદાહરણ તરીકે, કેટલાક વિદ્યાર્થીઓ ગણિત જેવા વિષયથી એટલા ગભરાઈ જાય છે કે પુસ્તક ખોલતાં જ પેનિક અનુભવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ માતા-પિતાની ઊંચી અપેક્ષાઓ પૂરી ન કરી શકવાના ડરે સતત તણાવમાં રહે છે. આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓમાં નિષ્ફળ થવાનો ભય વધુ તીવ્ર હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશ આપે છે કે દરેક ક્ષેત્રનું પોતાનું આગવું મહત્વ છે. સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ – સંતાનની રસ અને ક્ષમતાને સમજ્યા વગર દબાણ કરવાથી માનસિક તણાવ વધે છે. યોગ્ય માર્ગદર્શન અને સમર્થન મળે તો વિદ્યાર્થી વધુ સારી રીતે પ્રદર્શન કરી શકે છે.
 


આ રીતે પરીક્ષા પૂર્વે વધતા માનસિક તાણને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક કાઉન્સિલિંગ અને વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો