રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીનો કહેર, બર્ફીલા પવન સાથે પાંચ સ્થળે સિંગલ ડિજીટ તાપમાન Jan 24, 2026 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ અને ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો સપાટો બોલાવી દીધો છે. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં બર્ફીલા અને સુસવાટા મારતા પવનો ફરી સક્રિય બન્યા છે. જેના પરિણામે છેલ્લા 24 કલાકમાં સવારનું તાપમાન ૨થી ૫ ડિગ્રી સુધી ઘટી જતા લોકો ગાત્રો થીજવી દયે તેવી ઠંડી અનુભવી રહ્યા છે.આજે સવારથી જ ઠંડી પવનો સાથે શિતલહેરોએ સમગ્ર સૌરાષ્ટ્ર–ગુજરાતને ઝપેટમાં લીધું છે. રાજકોટ, નલિયા, અમરેલી, ડિસા અને ભુજ સહિતના વિસ્તારોમાં સિંગલ ડિજીટ તાપમાન નોંધાયું હતું. કચ્છના નલિયા ખાતે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, જ્યાં લઘુતમ તાપમાન માત્ર ૫ ડિગ્રી સુધી ઉતરી ગયું હતું. નલિયામાં વહેલી સવારથી જ જનજીવન ઠુંઠવાઈ ગયું હતું.રાજકોટમાં પણ ઠંડીનો પ્રભાવ વિશેષ જોવા મળ્યો હતો. સવારથી જ 6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવન સાથે લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે રાજકોટમાં માત્ર 24 કલાકમાં જ તાપમાનમાં લગભગ ૫ ડિગ્રીનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જેના કારણે નગરજનોને અચાનક ઠંડીનો કડક અહેસાસ થયો હતો.અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમરેલીમાં 9.4, ભુજમાં 9.8 અને ડિસામાં 8.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે પોરબંદરમાં 10.2, વેરાવળમાં ૧૪.૩, અમદાવાદમાં 12.5, વડોદરામાં 12.8, ગાંધીનગરમાં 11, દ્વારકામાં 12.2, કંડલામાં 12 અને ઓખામાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. દમણમાં 16.2 અને દિવમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જુનાગઢમાં આ વર્ષે સમગ્ર શિયાળાની ઋતુ દરમિયાન પ્રથમ વખત હવામાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટતા સાચી શિયાળાની ઠંડીનો અહેસાસ થયો છે. આજે હવામાં ભેજ 86 ટકામાંથી ઘટીને માત્ર 34 ટકા રહી ગયો હતો. સાથે સાથે 6.5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા સુકા અને ઠંડા પવનને કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. પરિણામે વહેલી સવારે અને સાંજે ખુલ્લા વાહનો પર નીકળતા લોકોની સંખ્યા ઓછી જોવા મળી હતી. વન્ય પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ પણ ઠંડી પવનમાં ઠુંઠવાતા નજરે પડ્યા હતા. ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 7 ડિગ્રી સુધી ઉતરી જતા ભારે પવન વચ્ચે પ્રવાસીઓની હાલત પણ કફોડી બની હતી.અમરેલી શહેર અને જિલ્લામાં પણ આજે ફરી એકવાર સિંગલ ડિજીટમાં તાપમાન નોંધાતા લોકો ઠંડીથી પરેશાન બન્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં થોડી રાહત હતી, પરંતુ આજે ફરી 9.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનું જોર વધ્યું હતું. વહેલી સવારે શહેરના મુખ્ય માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળ્યા હતા. સ્કૂલે જતાં બાળકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા અને મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સંખ્યા પણ ઘટી ગઈ હતી.જામનગર શહેરમાં આજે કાશ્મીર જેવી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના આક્રમણથી બજારો સુનસાન બની ગયા હતા. પશુ-પક્ષીઓ પર પણ ઠંડીની અસર સ્પષ્ટ જોવા મળી હતી. લઘુતમ તાપમાન સાથે મહત્તમ તાપમાનમાં પણ લગભગ ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ પારો 23.5 ડિગ્રી સુધી સીમિત રહ્યો હતો. 6.4 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઝંઝાવાતી પવનને કારણે સવાર અને સાંજનું વાતાવરણ અત્યંત ઠંડુગાર બન્યું હતું.ભાવનગર, ગોહિલવાડ પંથક અને ખંભાળિયા વિસ્તારમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ભાવનગરમાં લઘુતમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી હતી. ખંભાળિયામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા તાપમાનનો પારો ઝડપથી નીચે ઉતરી ગયો છે. વહેલી સવારે 11થી 12 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાતા લોકો હાડ થીજવી દયે તેવી ઠંડી અનુભવી રહ્યા છે.કડકડતી ઠંડીના કારણે અનેક વિસ્તારોમાં બજારો મોડે ખુલ્યા હતા. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અબોલ પશુ-પક્ષીઓ માટે આ ઠંડી કફોડી સાબિત થઈ રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ઠંડા પવન અને શિતલહેરોની અસર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. Previous Post Next Post