રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને લોધિકામાં વિકાસ કાર્યોની સમીક્ષા: જિલ્લા વહીવટ સક્રિય Jan 24, 2026 આગામી 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ રાજકોટ જિલ્લા વહીવટ દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેતપુરની મામલતદાર કચેરીના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે, જેનું પૂર્વ તૈયારી રૂપે રિહર્સલ આજે ઉલ્લાસભેર યોજાયું હતું. સાથે સાથે જિલ્લામાં વિકાસ કાર્યો અને સરકારી સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદે લોધિકા તાલુકાની મુલાકાત લઈ વિવિધ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. જેતપુર ખાતે પ્રજાસત્તાક પર્વના રિહર્સલમાં દેશભક્તિનો માહોલજેતપુર ખાતે યોજાયેલ રિહર્સલની શરૂઆત ધ્વજવંદન અને બેન્ડ પ્લાટુન દ્વારા રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રોબેશનરી આઇ.પી.એસ. ઓફિસર શ્રી પ્રખર કુમારની આગેવાનીમાં અધિકારીશ્રીઓ દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં પોલીસ, હોમગાર્ડ્સ તથા એસ.પી.સી.ની પ્લાટૂન તેમજ અશ્વદળ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવ્યો હતો.રિહર્સલ દરમિયાન ડોગ સ્કવોડના શ્વાન હેરી અને માઈટીએ દિલધડક અને હેરતઅંગેજ કરતૂતો રજૂ કરી અનોખી શૈલીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, જેને ઉપસ્થિત સૌએ ભારે વખાણ્યું હતું. આ ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિભાવથી ભરપૂર યોગાસન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રિહર્સલને વિશેષ આકર્ષક બનાવ્યું હતું. અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓઆ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુવ્યવસ્થિત અને દેશભક્તિસભર વાતાવરણમાં યોજાય તે માટે તમામ સંલગ્ન વિભાગો અને ટીમોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.કે. મુછારના દિશાદર્શનમાં યોજાયેલા આ રિહર્સલમાં પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રિયાંક ગલચર, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આશિષ ઝાપડા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દીક્ષિત પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરા, ડી.વાય.એસ.પી. શ્રી કિશોર ડોડીયા સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપશે. લોધિકામાં વિકાસ કાર્યો અને આરોગ્ય સેવાઓની સમીક્ષાબીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદે લોધિકા તાલુકાની મુલાકાત લઈ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકો દ્વારા રજૂ થયેલ પ્રશ્નોનું સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કર્યું હતું. ત્યારબાદ તાલુકા પંચાયત ખાતે પદાધિકારીશ્રીઓ સાથે લોક સંવાદ યોજી વિવિધ યોજનાઓની અમલવારી અંગે ચર્ચા કરી હતી.લોધિકા સબ સેન્ટરની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આરોગ્ય સેવાઓની ગુણવત્તાની વિગતવાર ચકાસણી કરી હતી. NQAS ધોરણ મુજબ પ્રેગ્નન્સી ટેસ્ટ, હિમોગ્લોબિન, યુરિન એલ્બ્યુમિન, બ્લડ શુગર, મેલેરિયા, ડેન્ગ્યુ સહિત કુલ 14 પેરામીટરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તપાસમાં સબ સેન્ટરે 14માંથી 14 પેરામીટર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાનું જણાતા અધિકારીશ્રીએ કર્મચારીઓની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસા કરી હતી. આંગણવાડી અને પોષણ સેવાઓ પર વિશેષ ભારજિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લોધિકા આંગણવાડી કેન્દ્ર–2ની મુલાકાત લઈ બેનીફિશિયરી એડિશનની કામગીરીની રૂબરૂ ચકાસણી કરી હતી અને કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. ડોક્યુમેન્ટના અભાવે પોષણ ટ્રેકરમાં રહી ગયેલા લાભાર્થીઓનું ઝુંબેશ સ્વરૂપે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા તેમજ THR વિતરણની કામગીરીની ચકાસણી કરી તમામ લાભાર્થીઓને યોગ્ય પોષણ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત સબ સેન્ટરની મુલાકાત દરમિયાન FHW, MPHW, CHO તથા આશા બહેનો સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સર્ગભા મહિલાઓ માટે બર્થ માઇક્રોપ્લાન મુજબ ડિલિવરી ફેસિલિટી, ટ્રાન્સપોર્ટ પ્લાન અને ઇમરજન્સી બેકઅપ વ્યવસ્થાની માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં આવી આયોજનબદ્ધ કામગીરી અમલમાં આવે તે માટે RCHOને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. Previous Post Next Post