ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… ઉત્તરાયણ આવે એટલે આ પંક્તિ આપમેળે હોઠ પર આવી જાય છે. પતંગ માત્ર રમકડું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ સાથે ઊંડે જોડાયેલો એક જીવંત પ્રતીક છે. ખાસ કરીને ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ એકબીજાના પર્યાય સમાન બની ગયા છે. પતંગનો ઈતિહાસ જેટલો રંગબેરંગી છે, એટલી જ તેની ઓળખ, ઉપયોગિતા અને વૈશ્વિક મહત્તા પણ વિશાળ છે.

‘પતંગ’ શબ્દ પોતે જ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો મૂળ અર્થ ‘સૂર્ય’ થાય છે. ભગવદોમંડલમાં પતંગના અનેક અર્થો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ઉત્તરાયણના પર્વ પર પતંગ અને પતંગ (સૂર્ય) બંને એકબીજા સાથે ઉમંગ અને ઉત્સાહથી જોડાઈ જાય છે. આ તહેવારમાં સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે અને પતંગો આકાશમાં ઉડતા જીવનમાં નવી ઊર્જા, આશા અને આનંદનો સંદેશ આપે છે.

ગુજરાતમાં પતંગને તેના રંગ, આકાર અને કદ પરથી અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. રંગીન પતંગોને પીળી, બગલુ, ભૂરી જેવા નામ આપવામાં આવે છે, જ્યારે ભાતીગળ પતંગોને આંખદાર, કાગડી, ગિલંદર અને અણીદાર તરીકે ઓળખવામાં આવે છે. પછડાવાળા પતંગને પૂંછડીદાર અને કૂમતાવાળા પતંગને ફૂમતેદાર કહેવામાં આવે છે. પાંચ પતંગોના સમૂહને પંજો અને વીસ પતંગોના સમૂહને કુંડી કહેવાય છે. ભાષા બદલાય તેમ પતંગના નામ પણ બદલાય છે. હિન્દીમાં તેને ચંગ કહેવાય છે, મોટા પતંગને તુક્કલ કહેવામાં આવે છે. તાંજોરમાં પાવોલ, બિહારમાં તિલંગી, મારવાડમાં મકડ, કન્નડ ભાષામાં ગાલિપટ્ટુ અને માંજાને નાગુલ કહે છે.

ભારત પૂરતો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પતંગનું મહત્વ વિશેષ છે. જાપાનમાં પતંગને ‘સાજો’ કહે છે અને તેને પુગતી તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં માછલી, ડ્રેગન અને છ ખૂણાવાળા પતંગોની વિશેષ મહત્તા છે. જાપાનમાં ઇ.સ. 1936માં 2500 કિલો કાગળથી બનાવવામાં આવેલો અદ્ભૂત પતંગ વિશ્વવિખ્યાત છે, જે 39 ફૂટ ઊંચો, 21 ફૂટ પહોળો અને 3100 મીટર લાંબો હતો. તેનું કુલ વજન લગભગ સાડા નવ ટન હતું. જાપાનમાં વિશ્વની સૌથી વિશાળ પતંગ બનાવતી કંપની ‘ધ કાઇટ્સ’ પણ આવેલી છે.

ભારતમાં પતંગના સંરક્ષણ અને ઇતિહાસને સાચવવા માટે અમદાવાદમાં ઇ.સ. 1986માં ભાનુભાઈ શાહ દ્વારા પતંગનું મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું હતું, જે આજે પણ પતંગપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અમેરિકા ખાતે ‘અમેરિકા કાઇટ ફ્લાયર્સ એસોસિએશન’ નામની સંસ્થા કાર્યરત છે, જેમાં વિશ્વભરના લગભગ 500 જેટલા પતંગપ્રેમી સભ્યો જોડાયેલા છે.

ઇતિહાસમાં પતંગનો ઉપયોગ ફક્ત મનોરંજન પૂરતો સીમિત રહ્યો નથી. ઇ.સ. 500 આસપાસ ચીનના શાસક લિસાંગ મૂ પોતાના સૈનિકોને એકત્ર કરવા માટે પતંગ દ્વારા સંકેતિક સંદેશાઓ મોકલતા હોવાનું માનવામાં આવે છે. પંદરમી સદીમાં લિયોનાર્ડો દા વિન્ચીએ ખીણો અને નદીઓનું માપ લેવા પતંગનો ઉપયોગ કર્યો હતો અને તેણે જાતે અનેક અવનવા પતંગો તૈયાર કર્યા હતા. બેન્જામિન ફ્રેન્કલિનનો પતંગ સાથેનો પ્રયોગ તો વિજ્ઞાન જગતમાં ઐતિહાસિક માનવામાં આવે છે, જેમાં વીજળી અંગે મહત્વપૂર્ણ શોધ થઈ હતી.

અઢારમી સદીમાં ડો. વિલ્સને પતંગ દ્વારા હવાના દબાણ, ગતિ અને તાપમાન માપવાના પ્રયોગો કર્યા હતા. ઘણા વૈજ્ઞાનિકોએ પતંગ સાથે થર્મોમીટર બાંધીને આકાશના તાપમાનનો અભ્યાસ કર્યો. 19મી સદીમાં યુદ્ધકાળ દરમિયાન દુશ્મનોના મથકની માહિતી મેળવવા, ટાર્ગેટ નિશ્ચિત કરવા અને ટોર્પિડો મૂકવા માટે પણ પતંગનો ઉપયોગ થયો હતો. અમુક યુદ્ધોમાં પતંગ પર નાનો કેમેરો લગાવી દુશ્મનની વ્યૂહરચના જાણી લેવામાં આવતી હતી.

નાયગરા ધોધ પર ઝુલતો પૂલ બનાવતી વખતે પતંગ દ્વારા દોરા અને સળીયા સામે પાર પહોંચાડવામાં આવ્યા હતા. બ્રેડન પ્રોવેલે પતંગને વાયરલેસ સંચાર તરીકે ઉપયોગમાં લીધો હતો, જ્યારે ડગ્લાસ આર્કિબોલ્ડે પતંગ દ્વારા એનેમોમીટર ઉડાડી પવનની ઝડપનો અભ્યાસ કર્યો હતો.

આ તમામ ઉદાહરણો સાબિત કરે છે કે પતંગ માત્ર ઉત્તરાયણનો આનંદ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિ, વિજ્ઞાન, સંચાર અને ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આજેય જ્યારે ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છલકાય છે, ત્યારે એ પતંગો માત્ર દોરા સાથે બંધાયેલા નથી, પરંતુ પેઢીદર પેઢી વહેતી આવતી પરંપરા, જ્ઞાન અને આનંદની વારસાગાથા સાથે જોડાયેલા છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ