જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ભારતમાં હેચબેક કાર સેગમેન્ટ ફરી એકવાર ઉછાળો લેતું નજરે પડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં SUV અને કોમ્પેક્ટ કારોના વધતા પ્રભાવે પાછળ ધકેલાયેલું નાની કારોનું બજાર હવે GSTમાં થયેલા ઘટાડા બાદ ફરી સજીવ બનતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને એન્ટ્રી-લેવલ અને મિની કાર સેગમેન્ટમાં ગ્રાહકોની રસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ભારતીય ઓટોમોબાઇલ બજાર માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.

કોવિડ બાદના સમયગાળામાં હેચબેક કારોની માંગમાં ઘટાડો થયો હતો, પરંતુ સરકાર દ્વારા નાની કારો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા આ સેગમેન્ટને મોટી રાહત મળી છે. GSTમાં ઘટાડા પછી કાર ઉત્પાદક કંપનીઓએ ભાવ ઘટાડ્યા, જેના પરિણામે પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકો માટે હેચબેક કાર વધુ સસ્તી અને આકર્ષક બની છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઉપયોગકર્તાઓ હવે સીધા સ્મોલ કાર તરફ અપગ્રેડ કરતાં જોવા મળી રહ્યા છે.

ઓટોમોટિવ કન્સલ્ટન્સી ફર્મ જાટો ડાયનેમિક્સના આંકડાઓ મુજબ, 2025ના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં મારુતિ સુઝુકી અલ્ટો, એસ-પ્રેસો, સેલેરિયો, વેગન-આર, ટાટા અલ્ટ્રોઝ અને હ્યુન્ડાઇ i20 જેવી હેચબેક કારોના વેચાણમાં અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં આશરે 20 ટકાનો વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં માત્ર મારુતિ સુઝુકીની મિની કારોના વેચાણમાં જ 91.8 ટકાનો ઉછાળો આવ્યો છે, જે આ સેગમેન્ટમાં વધી રહેલી માંગ દર્શાવે છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં હેચબેકનો હિસ્સો વધીને 24.4 ટકા થયો છે, જે વર્ષના પહેલાં નવ મહિનાના 23.5 ટકાની સરખામણીમાં વધુ છે. જો કે મહામારી પહેલાં આ હિસ્સો લગભગ 50 ટકા જેટલો હતો, પરંતુ હાલનો વધારો બજારમાં હેચબેક સેગમેન્ટ માટે હકારાત્મક સંકેત ગણાય છે.

મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્થી બેનર્જીના જણાવ્યા અનુસાર, GST ઘટાડા પછી એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે જણાવ્યું કે, GST ઘટાડા બાદ પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકોમાં હેચબેક પસંદગીમાં આશરે 5 ટકાનો વધારો નોંધાયો છે. વધતી માંગને કારણે કેટલીક લોકપ્રિય કાર મોડલ્સ માટે વેઈટિંગ પીરિયડ દોઢ મહિના સુધી લંબાયો છે, અને કંપની ઉત્પાદન ક્ષમતામાં ફેરફાર કરીને માંગ પૂરી કરવા તૈયારી કરી રહી છે.

GST સુધારા બાદ મારુતિ સુઝુકીએ એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં 31 ટકાનો વોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો છે, જે સમગ્ર ઉદ્યોગ સ્તરે સ્મોલ કાર વેચાણમાં થયેલા 23 ટકાના વધારા કરતાં વધુ છે. આ આંકડા દર્શાવે છે કે હેચબેક સેગમેન્ટમાં કંપનીની મજબૂત પકડ યથાવત છે.

ટાટા મોટર્સના ચીફ કોમર્શિયલ ઓફિસર અમિત કામતના જણાવ્યા અનુસાર, 2026ના નાણાકીય વર્ષના બીજા અડધામાં હેચબેક સેગમેન્ટમાં મધ્યમ વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપની FY26 દરમિયાન તેની હેચબેક કારોના વેચાણમાં 18થી 20 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આવનારો ત્રિમાસિક સમયગાળો નિર્ણાયક સાબિત થશે.

જાટો ડાયનેમિક્સના પ્રમુખ રવિ ભાટિયાના મત મુજબ, હેચબેક સેગમેન્ટને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ લાંબા ગાળે ગ્રાહકો વધુ આરામ, સુરક્ષા અને પ્રેક્ટિકલ ઉપયોગ ધરાવતા કોમ્પેક્ટ SUV અને ક્રોસઓવર તરફ આકર્ષાઈ રહ્યા છે, જે હેચબેક માટે પડકારરૂપ બની શકે છે.

આમ, GSTમાં થયેલા ઘટાડાના કારણે હેચબેક કાર સેગમેન્ટને નવી ઉર્જા મળી છે. જોકે આ ઉછાળો લાંબા ગાળે ટકાઉ રહેશે કે નહીં તે આવનારા મહિનાઓમાં બજારની દિશા અને ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ