ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રાજ્યની 185 નદીઓના બંને કાંઠા હરિયાળા બનશે

ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રાજ્યની 185 નદીઓના બંને કાંઠા હરિયાળા બનશે

ગુજરાતમાં વાયુ પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પર્યાવરણ જતન માટે વૃક્ષ ઉછેર અને સંવર્ધન અત્યંત આવશ્યક બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં જાહેર કરાયેલા ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં હાલ વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના માત્ર 11.03 ટકા જેટલું છે. આ ગ્રીન કવર વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અનુસાર રાજ્યની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વ્યાપક વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ અભિયાનથી રાજ્યનો વન વિસ્તાર વધશે, વરસાદી પેટર્ન પર સકારાત્મક અસર પડશે, જળવાયુ પરિવર્તનની અસર ઘટાડવામાં મદદ મળશે તેમજ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેવી માહિતી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી હતી.

વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે તમામ 185 નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી વન વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્ય માટે અગાઉથી જમીનનું સીમાંકન કરવામાં આવશે તેમજ GIS મેપિંગ દ્વારા કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે.

ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરીને વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે રીતે માત્ર ખાલી અને યોગ્ય જમીનનો ઉપયોગ વૃક્ષ ઉછેર માટે જ કરવામાં આવશે. આવી જમીનનો કોઈ અન્ય હેતુ માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરાશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્ષેત્ર હેઠળની જમીન પર કોઈપણ પ્રકારની વાણિજ્યિક કે નફાકારક પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર અને વૃક્ષ ઉછેરના વિકાસ માટે જ કરવામાં આવશે. આવી જમીનની સુરક્ષા, જાળવણી અને સંરક્ષણની જવાબદારી વન અને પર્યાવરણ વિભાગ તથા તેના તાબા હેઠળની કચેરીઓની રહેશે.

જો આ જમીન પર કોઈ પ્રકારનું દબાણ કે અતિક્રમણ હોય તો તેને દૂર કરવાની કાર્યવાહી પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવશે. ઉપરાંત, જો જમીનમાંથી ઇલેક્ટ્રિક લાઇન કે અન્ય પાઇપલાઇન પસાર થતી હોય તો જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોનો અભિપ્રાય મેળવીને આગળની કાર્યવાહી કરાશે.

વન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સંરક્ષિત વિસ્તારોમાં આવેલી નદીઓ માટે વન્યપ્રાણી વિભાગ દ્વારા અને વન વિસ્તારોમાં ખાવતી નદીઓ માટે ક્ષેત્રીય વન વિભાગો દ્વારા Forest Landscape Managementની કામગીરી કરવામાં આવશે. જ્યારે સંરક્ષિત અને વન વિસ્તારોની બહાર આવેલી નદીઓ માટે Riverine Forest Landscape Managementની કામગીરી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા, સંબંધિત જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જમીનની પસંદગી કરીને હાથ ધરવામાં આવશે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત નર્મદા, તાપી, પૂર્ણા સહિત દક્ષિણ ગુજરાતની 17 નદીઓ, સૌરાષ્ટ્રની 71 નદીઓ તેમજ કચ્છ વિસ્તારની સૌથી વધુ 97 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નદીઓના બન્ને કાંઠા પર વૃક્ષ ઉછેર થવાથી જમીન ધોવાણ અટકશે તેમજ ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે.

પ્રવિણ માળીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગ્રીન કવર વધારવા વન મહોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક વનોનું નિર્માણ, નમી વડ વન તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન લાઈફ અંતર્ગત ‘એક પેડ માં કે નામ’ અભિયાન પણ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત દેશભરમાં બીજા ક્રમે છે.

આ તમામ પ્રયાસો બાદ ગુજરાતના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો થશે અને રાજ્ય પર્યાવરણ સંરક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન મેળવશે, એવો વિશ્વાસ મંત્રીઓએ વ્યક્ત કર્યો હતો.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ