નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિને અનોખી ઉજવણી, ‘અંગદાન મહાદાન’ સંદેશ સાથે 5,441 પતંગોનું વિતરણ ગાંધીનગરમાં યોજાયું Jan 07, 2026 નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિનની ઉજવણી આ વર્ષે પરંપરાગત શુભેચ્છાઓ અને સમારંભોથી અલગ, એક ઉમદા અને માનવીય સંદેશ સાથે કરવામાં આવી છે. ‘અંગદાન મહાદાન’ના સંકલ્પને કેન્દ્રમાં રાખી, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને ‘અંગદાન મહાદાન’ અંકિત કુલ 5,441 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ ગણાઈ રહ્યો છે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસને વ્યક્તિગત આનંદનો વિષય નહીં પરંતુ સામાજિક જવાબદારી તરીકે ઉજવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જન્મદિવસ માત્ર શુભેચ્છાઓ મેળવવાનો દિવસ નથી, પરંતુ સમાજ માટે કંઈક ઉપયોગી કરવાનો અવસર છે. સેવા અને સંવેદનાની ભાવના સાથે ઉજવાયેલો જન્મદિવસ સાચા અર્થમાં યાદગાર બની શકે.” તેમણે અંગદાન જેવા જીવનદાયી વિષયને જનસામાન્ય સુધી પહોંચાડવા બદલ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને તેની ટીમની ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી.કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન વિશે પ્રવર્તતી અંધશ્રદ્ધા, ભય અને અસમજૂતી દૂર કરવાનો હતો. આજેય સમાજમાં અંગદાન અંગે અનેક ગેરમાન્યતાઓ છે, જેના કારણે અનેક લોકો જીવનદાયી નિર્ણય લેવામાં સંકોચ અનુભવે છે. આ અભિયાન દ્વારા ખાસ કરીને યુવા પેઢી અને વિદ્યાર્થીઓને અંગદાનના મહત્ત્વ અંગે માહિતગાર કરી, તેમને આ સંદેશ પરિવાર અને સમાજ સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ નર્સિંગના વિદ્યાર્થીઓને ખાસ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સમાજમાં પરિવર્તન લાવવાની સૌથી મોટી શક્તિ છે. અંગદાન જેવા સંવેદનશીલ વિષયમાં તેમની ભાગીદારી સમાજમાં માનવીય મૂલ્યોને વધુ મજબૂત બનાવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આવનારા સમયમાં વધુને વધુ યુવાનો અંગદાનનો શપથ લઈને માનવતાની સેવામાં જોડાશે.અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક દિલીપભાઈ દેશમુખે આ કાર્યક્રમ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, વિતરણ કરવામાં આવેલા પતંગો માત્ર મકરસંક્રાંતિના ઉત્સવ માટે નથી, પરંતુ આકાશમાં ઊડતા દરેક પતંગ સાથે અંગદાનનો સંદેશ સમાજના દરેક ખૂણે પહોંચે તે હેતુ છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ નાગરિક બ્રેઈન ડેડ જાહેર થાય છે અને તેના પરિવારજન અંગદાનનો સાહસિક નિર્ણય લે છે, ત્યારે તે એક વ્યક્તિ અનેક લોકો માટે આશાનું કિરણ બની જાય છે.દિલીપભાઈ દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિના અંગદાનથી લગભગ 8 જેટલા લોકોના જીવન બચી શકે છે. આંખ, હૃદય, કિડની, લિવર જેવા અંગો દાનમાં આપવાથી અનેક પરિવારોએ ફરીથી ખુશી અને જીવનનો આશ્રય મળે છે. સમાજમાં આ સમજણ કેળવવા માટે તેમની સંસ્થા સતત પ્રયત્નશીલ છે અને આવા કાર્યક્રમો દ્વારા લોકોના મનમાં રહેલા ડર અને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ‘અંગદાન મહાદાન’ અંકિત પતંગો દ્વારા મકરસંક્રાંતિના પર્વને માનવીય સ્પર્શ આપવાનો આ પ્રયાસ સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના જન્મદિને સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતું આ આયોજન સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. Previous Post Next Post