અમદાવાદમાં ઇબોલા એલર્ટ: આફ્રિકાથી આવેલા 11 મુસાફરો હોમ આઇસોલેશનમાં, એરપોર્ટ પર કડક સ્ક્રીનિંગ શરૂ May 27, 2026 અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આફ્રિકાના યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં ઇબોલા વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા લીધા છે. આ દેશોમાંથી તાજેતરમાં અમદાવાદ આવેલા 11 મુસાફરોને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ તમામ મુસાફરો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલ સુધી કોઈપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ પૈકી કોઈ પણ પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હોવાના પુરાવા પણ નથી. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે તેમને મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.AMCએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં યુગાન્ડા, કોંગો અને દક્ષિણ સુદાનમાંથી આવતા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને શહેરની SVP હોસ્પિટલમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. અહીં 30 બેડનો અલગ ક્વોરેન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેથી જરૂરી પડ્યે દર્દીઓને તરત સારવાર આપી શકાય.આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એરપોર્ટ પર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. DGCA અને સિવિલ એવિએશન મંત્રાલયના માર્ગદર્શનો અનુસાર તમામ વિદેશી મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફ્લાઇટ લેન્ડિંગ પહેલાં જ વિમાનમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવશે જેથી એરપોર્ટ પર ભીડ ટાળી શકાય અને સંક્રમણનો ખતરો ઓછો થાય.અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આરોગ્ય વિભાગે 24x7 સ્ટાફ તૈનાત કર્યો છે. ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોનું કડક સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને દક્ષિણ સુદાનથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ ચકાસણી માત્ર જોખમવાળા દેશોના મુસાફરો માટે જ છે, અન્ય મુસાફરો માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોંગોમાં ઇબોલા કેસ વધતાં ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. કોંગોના ઇટુરી પ્રાંતમાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે અને 246 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલ કોંગોમાં ઇબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે, જે અગાઉ જોવા મળેલા ઝાયર સ્ટ્રેનથી અલગ છે. આ નવા સ્ટ્રેનને કારણે રસી અને સારવારની અસરકારકતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ વિકસાવવામાં આવેલી મોટાભાગની રસી ઝાયર સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવાથી નવા સ્ટ્રેન સામે તેની અસર ઓછી થઈ શકે છે.ઇબોલા વાયરસ સૌપ્રથમ 1976માં આફ્રિકાના ઇબોલા નદી વિસ્તારથી સામે આવ્યો હતો, જેના પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેમાં મૃત્યુદર 25% થી લઈને 90% સુધી હોઈ શકે છે. આ રોગ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, લાળ અથવા અન્ય શરીર પ્રવાહીઓના સીધા સંપર્કથી ફેલાય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાવાની જરૂર નથી, પરંતુ વિદેશ પ્રવાસ કરીને પરત ફરનારા લોકો આરોગ્ય માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરે. તંત્રએ જણાવ્યું છે કે હાલ શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. Previous Post Next Post