ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વરસાદની એન્ટ્રી: 30 મેથી 1 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી May 27, 2026 ગુજરાત હાલ કાળઝાળ ગરમીના પ્રકોપ હેઠળ છે, જેમાં અનેક શહેરોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં કોઈ ખાસ રાહત મળવાની શક્યતા નથી.સોમવારે રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. રાજકોટમાં 44 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી આસપાસ ગરમી યથાવત રહેવાની આગાહી છે.હવામાન વિભાગ મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિને કારણે લોકોમાં અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં “હોટ એન્ડ હ્યુમિડ” સ્થિતિ યથાવત રહેવાની પણ ચેતવણી આપી છે.જોકે આ કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 30 મેથી રાજ્યમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે. જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે અને વાતાવરણમાં થોડી ઠંડકનો અનુભવ થશે. આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. આ સમયગાળામાં ગાજવીજ, ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે.30 મેના દિવસે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. 31 મેના રોજ આ વિસ્તારો ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જ્યારે 1 જૂનના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે હાલ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. આગામી 2 થી 3 દિવસમાં તે અરબ સાગરના વધુ વિસ્તારો, માલદીવ, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધી શકે છે. જોકે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી કોઈ મોટો વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નથી, તેમ છતાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે શરૂ થઈ શકે છે.ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 28 મે આસપાસ જોવા મળી શકે છે, જ્યારે પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી એક ટ્રફ સિસ્ટમ પણ રચાયેલ છે, જે હવામાનમાં ફેરફાર લાવી શકે છે.હાલ માટે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ મહિના અંતે વરસાદી માહોલ સર્જાતા લોકોને થોડી રાહત મળવાની આશા છે. હવામાનમાં આ બદલાવને કારણે ખેડૂતો અને સામાન્ય જનજીવન બંને માટે મહત્વપૂર્ણ અસર જોવા મળી શકે છે. Previous Post Next Post