GST વિભાગ આગોતરી જાણકારી આપ્યા વગર કરદાતાની ધરપકડ નહી કરી શકે: સુપ્રીમ કોર્ટ Aug 22, 2026 નવી દિલ્હી,આકસ્મિક દરોડાની છૂટ પણ ઘરપકડ પ્રક્રિયાની વિસંગતતા અંગે સુપ્રીમ કોર્ટનું નવું અર્થઘટનજીએસટી અમલીકરણમાં અત્યાર સુધી તપાસ અધિકારીઓ માટે સૌથી મોટું હથિયાર અચાનક દરોડા પાડવા અને કોઈ જ પૂર્વ ચેતવણી વગર અચાનક ઘરપકડ કરી લેવાનું હતું. કરદાતાને ખબર પડે તે પહેલાં જ એન્ફોર્સમેન્ટ ટીમ તેના હાથમાં હથકડી પહેરાવી દેતી હતી. આ સિસ્ટમને વિભાગ પોતાની કાર્યક્ષમતાની ઓળખ માનતો હતો. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે મુંબઈના યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ સુનિલ બિયાણી કાનૂની વિવાદ કેસમાં અતિ મહત્ત્વનો ચુકાદો આપીને જીએસટી વિભાગની આ સરપ્રાઈઝ એરેસ્ટ કરવાની વર્ષો જૂની પદ્ધતિનો કાયમી અંત આણી દીધો છે.આ સમગ્ર કાનૂની વિવાદ જીએસટી ઈન્ટેલિજન્સ મહાનિદેશાલય-DGGI મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા એક ખાનગી કંપની સામે હાથ ધરવામાં આવેલી તપાસથી શરૂ થયો હતો. આ કંપની પર વગર સપ્લાયે બોગસ આઈટીસી મેળવવી, સર્ક્યુલર ટ્રેડિંગ કરવું અને સેવાની આયાત પર જીએસટી ન ભરવા જેવા ગંભીર આક્ષેપો હતા. તપાસ દરમિયાન સંકળાયેલા સુનિલ બિયાણી નામના વ્યક્તિને સમન્સ પાઠવવામાં આવતા તેણે સંભવિત ઘરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટ અને ત્યારબાદ મુંબઈ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.મુંબઈ હાઈકોર્ટે એવા ટેકનિકલ આધારે આગોતરા જામીન ફગાવી દીધા કે જીએસટી કાયદાની કલમ 69 હેઠળ હજુ સુધી કોઈ સત્તાવાર ઘરપકડ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી, તેથી ઘરપકડની કોઈ વાજબી શંકા રહેતી નથી. પરંતુ હાઈકોર્ટે એક નવીન રાહત આપતા એવો આદેશ કર્યો કે જ્યારે પણ વિભાગ કલમ 69 હેઠળ ઘરપકડનો ઓર્ડર જાહેર કરે, તે દિવસથી કરદાતાને એક સપ્તાહ સુધી ઘરપકડ સામે રક્ષણ મળશે જેથી તે કાનૂની દાદ માંગી શકશે.આ એક અઠવાડિયાના ‘કૂલિંગ-ઓફ પિરિયડ’થી નારાજ થઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ટેકનિકલ ધોરણે કેન્દ્ર સરકારની દલીલ ગ્રાહ્ય રાખી અને હાઈકોર્ટના એક સપ્તાહના રક્ષણાત્મક આદેશને રદ કરી દીધો છે. કેન્દ્ર સરકારે આ ટેકનિકલ મુદ્દે અપીલ જીતી લીધી, પરંતુ આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જીએસટીમાં થતી ઘરપકડોની મૂળ પ્રક્રિયા પર જ ગંભીર સવાલો ઊભો કર્યો હતો.સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી ચાલતી સિસ્ટમની વહીવટી વિસંગતતા ખુલ્લી પાડતા પૂછ્યું કે, ‘જે આદેશ કરદાતાને ક્યારેય બતાવવામાં જ આવ્યો નથી, તેને તે કોર્ટમાં પડકારી કેવી રીતે શકે?’ જીએસટીમાં અત્યાર સુધી એવી વિચિત્ર પરિસ્થિતિ હતી કે કરદાતા કલમ 69નો ઓર્ડર ન થાય ત્યાં સુધી આગોતરા જામીન માગી શકતો નહોતો. બીજું, વિભાગ આ ઓર્ડરને અતિ ગોપનીય ગણીને કરદાતાથી છૂપો રાખતો હતો. ત્રીજું, કરદાતાને ઘરપકડના સમયે જ આ ઓર્ડરની ખબર પડતી હતી, જેથી તેને જામીન અરજી કરવાનો સમય જ મળતો નહોતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 'ભારતીય બંધારણના અનુચ્છેદ 21 વૈયક્તિક સ્વતંત્રતાનો અધિકાર- હેઠળ વ્યક્તિગત આઝાદીનો અધિકાર ખાતાકીય ગોપનીયતાની બલિ ચડાવી શકાય નહીં. કમિશનરે રેકોર્ડ પર પુરાવાના આધારે ‘માનવા માટેના કારણો’ નોંધવા પડશે અને આ આદેશ કરદાતાને ઘરપકડ કરતા પહેલાં પહોંચાડવો ફરજિયાત રહેશે. જેમ કરદાતા માટે ઈમેઈલ અને મોબાઈલ નંબર આપવો નિયમ 8 મુજબ ફરજિયાત છે, તેમ વિભાગ માટે પણ ઘરપકડ કરતા પહેલાં ઓર્ડર મોકલવો ફરજિયાત છે. ઘરપકડનો આદેશ કરદાતા સુધી ઈમેઈલ, ટપાલ કે અન્ય માન્ય ડિજિટલ માધ્યમથી પહોંચાડવો જ પડશે.'આ ચુકાદાથી જીએસટી અધિકારીઓની તપાસ સત્તા (દરોડા, સર્ચ, સમન્સ, જપ્તી કે દંડ) છીનવાઈ જતી નથી, પરંતુ હવેથી અધિકારીઓએ ઘરપકડ કરતા પહેલા સેન્ડનું બટન દબાવવાની ટેવ પાડવી પડશે. જો કલમ 69 હેઠળનો ઓર્ડર અગાઉથી મોકલવામાં આવ્યો ન હોય, તો કરવામાં આવેલી ઘરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે ગણાશે. સરપ્રાઈઝ દરોડા ચાલુ રહેશે, પરંતુ ‘સરપ્રાઈઝ એરેસ્ટ’નો યુગ હવે પછી સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. Previous Post Next Post