ગિરનાર પર બિરાજતા મા અંબાજીના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી માઈ ભક્તોની ભારે ભીડ Jan 03, 2026 પોષ શુદ પૂનમ એટલે પોશી પૂનમના પાવન દિવસે ગિરનાર પર્વત પર પાંચ હજારથી વધુ પગથિયાં ઉપર બિરાજતા મા અંબાજીના પ્રાગટ્યોત્સવની આજે પરંપરાગત અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ઠંડી વચ્ચે પણ માઈ ભક્તો પગપાળા તેમજ રોપવે દ્વારા ગિરનાર પર સ્થિત અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને “જય મા અંબે”ના નાદથી સમગ્ર પર્વત ગુંજી ઉઠ્યો હતો.આ વર્ષે વહીવટદાર હસ્તકના ગિરનાર અંબાજી મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શ્રી સુક્તના પાઠ સાથે માતાજીનો ગંગાજળ, દૂધ, મધ અને પંચામૃતથી વિધિવત અભિષેક કરવામાં આવ્યો. બાદમાં માતાજીનો ભવ્ય અને અલૌકિક શ્રૃંગાર કરવામાં આવ્યો, જેને જોવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્ય મંદિરના શિખર પર ધ્વજારોહણ વિધિ “જય મા અંબે”ના ગગનભેદી નાદ સાથે સંપન્ન કરવામાં આવી.બપોરના સમયે માતાજીની મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતી અને શ્રૃંગારના દર્શન માટે મંદિર પરિસરમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દર્શનાર્થે આવેલા ભક્તો લાંબી લાઈનોમાં શાંતિપૂર્વક ઊભા રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા નજરે પડ્યા હતા. આરતી બાદ મહાપ્રસાદ તરીકે માતાજીનો થાળ ધરીને હાજર તમામ ભક્તોને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો, જેને ભક્તોએ ભક્તિભાવથી ગ્રહણ કર્યો હતો.દર વર્ષે પોષ સુદી પૂનમના દિવસે ગિરનાર અંબાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારના જિલ્લાઓમાંથી માઈ ભક્તો આવ્યા હતા. અંબાજી માતાજીના દર્શન બાદ અનેક યાત્રિકો દત્તાત્રેય શિખરના દર્શન માટે પણ રવાના થતા જોવા મળ્યા હતા. ગિરનાર પર આખો દિવસ ભક્તિપૂર્ણ માહોલ છવાયેલો રહ્યો.પુરાણોમાં ઉલ્લેખ મુજબ મા અંબાજીના પ્રાગટ્ય સાથે જોડાયેલી કથા અત્યંત પાવન અને શ્રદ્ધાસભર છે. દંતકથા અનુસાર રાજા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તમામ દેવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ દેવાધિદેવ મહાદેવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ બાબતે સતી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું હતું. શિવજીએ તેમને પિતાના ઘરે જવા માટે મનાઈ કરી હતી, છતાં પિતૃપ્રેમના કારણે સતીજી યજ્ઞમાં પહોંચ્યા હતા.યજ્ઞ દરમિયાન દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની નિંદા કરતાં સતીજી દુઃખી થયા હતા અને આત્મસન્માનના કારણે યજ્ઞકુંડમાં પડીને દેહ ત્યાગ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ભગવાન શિવે પાર્વતીજીના દેહને ઉંચકી તાંડવ શરૂ કર્યો હતો, જેના કારણે સમગ્ર સૃષ્ટિ કંપી ઉઠી હતી. દેવતાઓ ભયભીત બની ગયા અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માગી હતી. સૃષ્ટિની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા દેવીના દેહના 52 ટુકડા કર્યા હતા. આ ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે.લોકમાન્યતા મુજબ ગિરનાર પર્વત ઉપર માતાજીના ઉદરનો ભાગ પડ્યો હતો, જેના કારણે આ સ્થાન અંબાજી પીઠ તરીકે ઓળખાયું અને તેને ઉદયન પીઠ પણ કહેવામાં આવે છે. આ કારણે ગિરનાર પર બિરાજતા મા અંબાજીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. પોષી પૂનમના દિવસે માતાજીના પ્રાગટ્યની ઉજવણી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ શક્તિ, ભક્તિ અને આત્મવિશ્વાસનો મહોત્સવ છે.આજે યોજાયેલા પ્રાગટ્યોત્સવ દરમિયાન સમગ્ર ગિરનાર પર્વત પર શ્રદ્ધા અને ભક્તિની અદભુત અનુભૂતિ થઈ હતી. માઈ ભક્તોએ માતાજીના દર્શન કરીને પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. Previous Post Next Post