ગુજરાતમાં નવજાત મૃત્યુદર ચિંતાજનક: ચિંતન શિબીરમાં રજૂ થયેલો રિપોર્ટ અનેક પ્રશ્નો ઉભા કરે છે Dec 02, 2025 ગુજરાત સરકાર દ્વારા ગત સપ્તાહે યોજાયેલી ચિંતન શિબીરમાં નવજાત બાળકોના મૃત્યુદર અંગેનો વિશાળ અને સંવેદનશીલ રિપોર્ટ રજૂ કરાયો હતો. છેલ્લા બે દાયકામાં રાજ્યમાં બાળ મૃત્યુદર ઘટ્યો હોવા છતાં અનેક જીલ્લાઓમાં આજેય સ્થિતિ ચિંતાજનક જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મૃત્યુદર રાજ્યવ્યાપી સરેરાશ કરતાં ઘણો વધારે છે.રિપોર્ટ મુજબ, ગુજરાતમાં દર 1000 જન્મમાંથી સરેરાશ 20 બાળકોનું મૃત્યુ થાય છે. 2005માં આ આંકડો 54 હતો, એટલે રાજ્યએ નોંધપાત્ર સુધારો કર્યો છે. તોય ભારતના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત પાછળ છે. કેરળમાં આ દર માત્ર 5, જ્યારે દિલ્હી અને મહારાષ્ટ્રમાં 14 છે. એટલે ગુજરાતમાં જન્મેલા નવજાતોને અન્ય રાજ્યોની સરખામણીએ આરોગ્ય જોખમ વધુ છે.રિપોર્ટમાં જણાવાયું કે રાજ્યમાં ગત વર્ષની અંદર 6.25 લાખ બાળકોનો જન્મ થયો હતો, જેમાંથી 6284 નવજાતો વિવિધ આરોગ્ય કારણોસર મૃત્યુ પામ્યા. સમાન સમયગાળામાં 5.77 લાખ બાળકીનો જન્મ થયો હતો, જેમાંથી 4692 બાળકીના મોત થયા. ખાસ નોંધનીય બાબત એ છે કે છોકરાઓનું મૃત્યુ પ્રમાણ બાળકી કરતાં લગભગ 25 ટકા વધારે નોંધાયું છે. આથી સ્પષ્ટ થાય છે કે કુદરતી રીતે છોકરાઓ વધુ નાજુક હોય છે અને વધારે સંભાળની જરૂર પડે છે.ચિંતન શિબીરમાં રાજ્યના જુદા-જુદા ડેટાસોર્સ અંગે પણ ચર્ચા થઈ. નમૂના નોંધણી સિસ્ટમ મુજબ 1000 માંથી 20 મૃત્યુ દર્શાવાય છે, જ્યારે નાગરિક નોંધણી પ્રણાલી પ્રમાણે આ આંકડો 10 છે. રાજ્યની પોતાની એપ્લિકેશનમાં આ પ્રમાણ 9 બતાવવામાં આવે છે. ડેટામાં આવો વિરોધાભાસ હોવા છતાં રાજ્યના આરોગ્ય નિષ્ણાંતો માને છે કે વાસ્તવિક સ્થિતિ 15 થી 22 વચ્ચે હોય શકે છે.રિપોર્ટમાં સૌથી ગંભીર બાબત તરીકે ઓછા વજનથી જન્મતા નવજાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ગુજરાતમાં જન્મ પછી તરત મૃત્યુ પામેલા ત્રણમાંથી બે બાળકોનું વજન એક કિલોથી ઓછું હતું. ઓછા વજન અને અધૂરા મહિના (પ્રિ-મેચ્યોર)ના કારણે બાળકોની જીવિત રહેવાની શક્યતા ઓછી થઈ જાય છે. રાજ્યમાં આવા બાળકોમાંથી 35 ટકા નવજાતો જીવનના પ્રથમ સાત દિવસમાં મૃત્યુ પામે છે. ઉપરાંત 25 થી 30 ટકા બાળકો ન્યુમોનિયા જેવા ચેપને કારણે મૃત્યુ પામતા હોવાની નોંધ રિપોર્ટમાં છે.ભૌગોલિક રીતે જોવામાં આવે તો જામનગર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નવજાત મૃત્યુદર ધરાવતું જિલ્લો છે. અહીં 1000 બાળકોના જન્મમાંથી 45 બાળકોનું મૃત્યુ થાય છે.તે સિવાય દેવભૂમિ દ્વારકા (42), જામનગર જિલ્લા (36), ભાવનગર (35), રાજકોટ શહેર (35), નવસારી (35), ગીર સોમનાથ (34), નર્મદા (33), વડોદરા (33) અને છોટાઉદેપુર (33) ટોપ-10માં છે. આમાંથી 6 જિલ્લાઓ માત્ર સૌરાષ્ટ્રમાંથી છે, જે સમગ્ર વિસ્તારની આરોગ્યવ્યવસ્થા અને પૌષ્ટિકતાની સમસ્યાઓ દર્શાવે છે.શહેરી વિસ્તારોમાં જન્મ સમયે મૃત્યુના કેસ વધુ છે, કારણ કે અનેક વખત મેડિકલ ઇમરજન્સી વખતે સમયસર સારવાર ન મળવી, અધૂરા મહિના બાળકોનો વધારો અને ઓપરેશન ડિલિવરીની વધતી સંખ્યા જવાબદાર ઠરે છે. જોકે શહેરોમાં બાળક બચી જાય તો તે ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. વિરુદ્ધમાં ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં જન્મના દિવસોમાં મૃત્યુદર ઊંચો છે અને કુપોષણ પણ મોટો મુદ્દો છે.રિપોર્ટની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મૃત્યુ પામેલા 71 ટકા નવજાતોની ડિલિવરી ઘેર જ કરાવવામાં આવી હતી. આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઘરેલું પ્રસુતિની પરંપરા યથાવત છે. ડિલિવરી દરમિયાન થતી જટિલતાઓ, મેડિકલ મદદનો અભાવ અને જન્મ પછીની સારવાર ન મળવાને કારણે નવજાતોનું જીવન બચાવવું મુશ્કેલ બને છે.આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે રાજ્યમાં નવજાત આરોગ્ય સેવાઓ સુધરી છે, તેમ છતાં હજુ લાંબો માર્ગ બાકી છે. ઓછા વજનના જન્મ, પ્રિ-મેચ્યોર ડિલિવરી, કુપોષણ અને ઘરેલું પ્રસુતિ જેવા કારણો ગુજરાતમાં બાળમૃત્યુદર વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આગામી વર્ષોમાં સરકારને પૌષ્ટિકતા, પ્રસૂતિ સેવા, ગ્રામ્ય આરોગ્ય સુવિધા અને બહેતર નીઓનેટલ કાળજી માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. Previous Post Next Post