સુરત ફેમિલી કોર્ટમાં દિલ દહોળી દેતી ઘટના: ભરણપોષણ કેસ દરમિયાન પતિએ પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું

સુરત ફેમિલી કોર્ટમાં દિલ દહોળી દેતી ઘટના: ભરણપોષણ કેસ દરમિયાન પતિએ પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું

સુરત શહેરની ફેમિલી કોર્ટમાં આજે એક એવી ઘટના બની કે જેને જોઈને કોર્ટમાં હાજર લોકોના દિલ દહોળાઈ ગયા. ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક વૃદ્ધ પતિએ પોતાની જ પત્ની પર એસિડ ફેંકી દીધું. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે અને તેની આંખને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ કોર્ટ રૂમમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
 

કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન હુમલો

આ ઘટના સુરત જિલ્લા સેવા સદનના એ-બ્લોકના પાંચમા માળે આવેલી ફેમિલી કોર્ટમાં બની હતી. માહિતી અનુસાર, 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર પોતાની 61 વર્ષીય પત્ની સામે ચાલતા ભરણપોષણના કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર હતા. જજની હાજરીમાં જ બંને પક્ષોની કાર્યવાહી ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક પતિએ પત્ની પર એસિડ ફેંકી દીધું, જેના કારણે કોર્ટ રૂમમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એસિડ સીધું મહિલાના માથા અને ચહેરા પર પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના વકીલોના જણાવ્યા મુજબ, એસિડના કારણે મહિલાની એક આંખને ભારે નુકસાન થયું છે અને હાલ તેની સ્થિતિ ગંભીર છે.
 

ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ

ઘટના બનતાં જ કોર્ટમાં હાજર લોકોએ તરત જ મદદ માટે દોડધામ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને મહિલાને સારવાર માટે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલી સચદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરો હાલ મહિલાની આંખ અને દ્રષ્ટિ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

કોર્ટમાં થયેલી આ ઘટનાને કારણે ત્યાં હાજર વકીલો અને અન્ય લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. થોડા સમય માટે કોર્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 

આરોપી પતિએ પોતે પણ ઝેર ગટગટાવ્યું

પત્ની પર એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ પોતાની પાસે રાખેલી કોથળીમાંથી કોઈ ઝેરી પાવડર જેવી વસ્તુ ખાઈ લીધી હતી. ત્યારબાદ તેની તબિયત પણ બગડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની પાસે રહેલી કોથળીની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં એસિડની બોટલ અને એક નાની ડાયરી મળી આવી હતી.

પ્રાથમિક તપાસ મુજબ આરોપી પતિ એસિડની બોટલ કપડાની કોથળીમાં છુપાવીને કોર્ટમાં લાવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
 

અગાઉ પણ પતિ દ્વારા હુમલો કરાયો હતો

પીડિત મહિલાના વકીલ મુકેશ બાંજણીના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર નથી કે આરોપી પતિએ પત્ની પર હુમલો કર્યો હોય. અગાઉ પણ તેણે પત્ની પર ચપ્પુથી હુમલો કર્યો હતો. તે સમયે પણ કેસ નોંધાયો હતો અને આરોપી જામીન પર બહાર આવ્યો હતો.

વકીલે જણાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને વચ્ચેના મતભેદો એટલા વધી ગયા હતા કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
 


ભરણપોષણના પૈસા મુદ્દે વિવાદ

માહિતી મુજબ, પતિ-પત્ની છેલ્લા 7થી 8 વર્ષથી અલગ રહેતા હતા. મહિલા પોતાની દીકરી અને જમાઈ સાથે રહેતી હતી જ્યારે પતિ અલગ રહેતો હતો. કોર્ટ દ્વારા મહિલાને અંતરિમ ભરણપોષણ તરીકે દર મહિને 10,000 રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

વકીલોના જણાવ્યા અનુસાર, આરોપી પતિ આ ભરણપોષણની રકમ ચૂકવવા ઇચ્છતો નહોતો અને કદાચ આ કારણસર તેણે આ પ્રકારનો ગંભીર હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 

કોર્ટમાં હાજર વકીલોએ વર્ણવી ઘટના

ઘટનાની સાક્ષી બનેલી મહિલા વકીલ વર્ષા પટેલે જણાવ્યું હતું કે તેઓ કોર્ટ રૂમમાં આગળની હરોળમાં બેઠા હતા. તેમની પાછળ પીડિત મહિલા બેઠી હતી અને તેના પાછળ જ તેનો પતિ બેઠો હતો. અચાનક મહિલાના ચહેરા પર કંઈક પડ્યું અને પછી ખબર પડી કે તે એસિડ હતું. મહિલાની આંખ તરત જ બંધ થઈ ગઈ હતી અને તેને ભારે બળતરા થઈ રહી હતી.

બીજી તરફ વકીલ ક્રિષ્ના ગાંધીએ જણાવ્યું કે શરૂઆતમાં શું થયું તે સમજાયું નહોતું. પરંતુ પછી લોકો ચીસા પાડવા લાગ્યા કે એસિડ ફેંકવામાં આવ્યું છે. થોડા સમય પછી બળતરા અને ગંધથી સમજાયું કે મહિલાના પતિએ જ આ હુમલો કર્યો છે.
 

પોલીસ દ્વારા તપાસ શરૂ

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીની સ્થિતિ સુધરે પછી તેની પૂછપરછ કરવામાં આવશે.

સુરત ફેમિલી કોર્ટમાં બનેલી આ ઘટના કાયદાકીય વ્યવસ્થાની વચ્ચે પણ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.