ઐતિહાસિક જુનાગઢ આજે વિકાસનું જીવંત પ્રતીક બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ઐતિહાસિક જુનાગઢ આજે વિકાસનું જીવંત પ્રતીક બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતું ભક્ત નરસૈયાની નગરી જુનાગઢ આજે વિકાસનું પણ એક જીવંત ઉદાહરણ બની છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જુનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોને રૂા. 215 કરોડના કુલ 26 વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે રૂા. 143.67 કરોડના 18 વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. 71.98 કરોડના 8 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભાગૃહ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જનસુખાકારી અને વિકાસ કાર્યોની ઈ-તકતીનું અનાવરણ કરી લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. ગરવા ગિરનારના સાનિધ્યમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, ઐતિહાસિક વારસાને સાચવી રાખતા વિકાસ કરવો એ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. જૂનાગઢને નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવર રૂપે એક નવું નજરાણું મળ્યું છે, ત્યારે તેની સ્વચ્છતા અને જાળવણી કરવાની જવાબદારી પણ નાગરિકોની છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કેન્દ્રિત અભિગમને અનુસરી ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે. નરસિંહ મહેતા સરોવર માટે જો હજી કોઈ ખૂટતા કામો હોય તો તેના એસ્ટીમેટ તૈયાર કરીને મોકલવા તેમણે સૂચન કર્યું હતું અને તે મંજૂર કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેમણે યાદ અપાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2002માં જુનાગઢને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લઈ શહેરના વિકાસને નવી દિશા આપી હતી. તે સમયે મર્યાદિત બજેટ હોવા છતાં 2005માં ‘શહેરી વિકાસ વર્ષ’ ઉજવાયું હતું, જ્યારે સમગ્ર શહેરી વિકાસ વિભાગનું બજેટ માત્ર રૂા. 585 કરોડ હતું, જે આજે સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપનના કારણે રૂા. 30 હજાર કરોડ સુધી પહોંચ્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં નાના વેપારીઓ અને હોકર્સ ગૌરવપૂર્વક રોજગાર મેળવી શકે તે માટે હોકર્સ ઝોન બનાવવામાં આવ્યા છે. આ માટે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અંતમાં જણાવ્યું કે, સરકાર સુવિધાઓ ઊભી કરે છે, પરંતુ તેને જાળવવાની જવાબદારી નાગરિકોની છે. નવી નિર્મિત સંપત્તિને પોતાની માનીને સાચવવી અને ગિરનારની ગરિમા તથા તળાવની પવિત્રતા જાળવવી એ સૌની સામૂહિક નૈતિક ફરજ છે.

આ પ્રસંગે જુનાગઢના પ્રસિદ્ધ ઢોલક વાદક પદ્મશ્રી હાજી કાસમભાઈ મીર (હાજી રમકડું)ને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ જાહેર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમને સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું.
 


મુખ્યમંત્રીના હસ્તે રૂા. 68 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત અમૃત 2.0 યોજના હેઠળ પાણી વિતરણ માટે રૂા. 7.35 કરોડના ખર્ચે ધારાગઢ હેડ વર્ક્સ અંતર્ગત 100 લાખ લીટર ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ સંપ અને 25 લાખ લીટરની ઊંચી ટાંકી, રૂા. 13.07 કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઉપરકોટ સુધીની ટ્રાન્સમિશન લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના દ્વારા એક લાખથી વધુ નાગરિકોને લાભ મળશે. ગુજરાત અર્બન મિશન અંતર્ગત રૂા. 2.19 કરોડના ખર્ચે મધુરમ વિસ્તારમાં વિકસિત હોકર્સ ઝોન, આગ અકસ્માત સામે સુરક્ષા વધારવા માટે બે ઇમર્જન્સી વાહનો અને સાત મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર, ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રૂા. 1.10 કરોડના ખર્ચે 150 કિલોવોટ ક્ષમતાનો સોલાર રૂફટોપ પ્લાન્ટ, કેશોદ ખાતે રૂા. 10.12 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ મોડલ ફાયર સ્ટેશન તથા વંથલી ખાતે રૂા. 4.25 કરોડના ખર્ચે 25 બેડની ક્ષમતાવાળું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિતના અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ઉપરાંત, જુનાગઢમાં રૂા. 12.70 કરોડના ખર્ચે રમતગમતની માળખાકીય સુવિધાઓ, રૂા. 32.50 કરોડના સીસી રોડ અને રીસર્ફેસિંગના કામો, વિવિધ માર્ગો પર માઇનોર બ્રિજ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યો, મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

દમન સામે નહી ઝૂકીએ: અમેરિકા અને ઇઝરાઇલને દિલ્હીથી ઈરાનનો પડકાર

દમન સામે નહી ઝૂકીએ: અમેરિકા અને ઇઝરાઇલને દિલ્હીથી ઈરાનનો પડકાર

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતનું કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતનું કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી