વિંછીયામાં રૂ. 459 લાખના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની એક્સટેન્શન હોસ્ટેલનું લોકાર્પણ

વિંછીયામાં રૂ. 459 લાખના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની એક્સટેન્શન હોસ્ટેલનું લોકાર્પણ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 459 લાખના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની એક્સટેન્શન હોસ્ટેલનું રિબન કટ કરીને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે આ નવી હોસ્ટેલ દ્વારા 300થી વધુ વિદ્યાર્થીનીઓને નિવાસી સુવિધા ઉપલબ્ધ થશે, જે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ અને આનંદની વાત છે. અગાઉ જસદણ-વિંછીયા પંથક આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતો હતો, પરંતુ રાજ્ય સરકારના સતત પ્રયાસોના પરિણામે આજે આ વિસ્તાર વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. હાલ અહીં શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઈ તથા માર્ગ જેવી પાયાની સુવિધાઓ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ બની છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવાની સગવડ ઉપલબ્ધ હોવાની બાબતમાં જસદણ-વિંછીયા પંથક સમગ્ર રાજકોટ જિલ્લામાં મોખરે છે. સીમ શાળાઓ શરૂ કરવાની પહેલને કારણે આ વિસ્તારમાં સીમ શાળાઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. કોઈપણ વિસ્તારની સર્વાંગી પ્રગતિનો આધાર શિક્ષણ છે. આથી ગુજરાત સરકાર માતાના ગર્ભથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી દીકરીઓના પોષણ, શિક્ષણ અને શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓ દ્વારા સતત દરકાર રાખી રહી છે. વાલીઓ દીકરા અને દીકરીને સમાન ગણીને કન્યા કેળવણી પર ભાર મૂકે તો દીકરીઓનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે તેમ તેમણે જણાવ્યું હતું.

મહિલાઓ અને યુવાનો સ્વનિર્ભર બને તે હેતુથી વર્તમાન સમયની માંગ મુજબ આઇ.ટી.આઇ.માં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું. સરકાર છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે તેમ તેમણે ઉમેર્યું.
 


કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. મહાનુભાવોને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીની શ્રી ભૂમિ નાગરાણીએ હોસ્ટેલમાં નિવાસ તથા અભ્યાસ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

મંત્રીશ્રીએ હોસ્ટેલની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પોતાના વિદ્યાર્થી અને વિજ્ઞાન શિક્ષક તરીકેના અંગત અનુભવો વહેંચી વિદ્યાર્થીનીઓને મહેનત, શિસ્ત અને સમર્પણથી અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં વોર્ડન શ્રી રંભાબેન ધોરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ચંદુભાઈ ગઢવી તથા જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન કો-ઓર્ડિનેટર શ્રી આરતીબેન લુંગાતરે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી મહેશભાઈ ગઢવીએ કર્યું હતું. આ તકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ ખલ્યાણી, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર શ્રી ભરતભાઈ પરમાર સહિત અગ્રણીઓ, વિદ્યાર્થીનીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ