સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ Dec 05, 2025 ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગોની હાલની પરિસ્થિતિએ મુસાફરોને ભારે મુશ્કેલીઓમાં મૂકી દીધા છે. સતત ત્રીજા દિવસે 550થી વધુ ફ્લાઇટ્સ રદ થતા દેશભરના એરપોર્ટ પર અરાજકતા જેવી સ્થિતિ ઊભી થઈ. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ અને કોલકાતા જેવા તમામ મોટા એરપોર્ટ પર મુસાફરોની અવરજવર તો વધેલી જ હતી, પરંતુ ફ્લાઇટ રદ થવાના કારણે લોકો કલાકો સુધી ટર્મિનલમાં જ અટવાઈ રહ્યા હતા. અનેક મુસાફરો પોતાના મહત્વના કાર્યક્રમો, મીટીંગ, લગ્ન પ્રસંગો તથા કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચૂકી જતા ભાવનાત્મક રીતે તૂટી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર મુસાફરોના રડતા, ગુસ્સે ભરેલા અને સ્ટાફ સાથે બોલાચાલી કરતા વિડિઓઝ વાયરલ થયા હતા. લોકોનું કહેવું હતું કે તેમને યોગ્ય સમય પર કોઈ માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ.દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 44 ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે બેંગ્લુરુના કેમ્પેગોવડા એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટ્સ બંધ થઈ. મુંબઈ એરપોર્ટ પર 86 ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોમાં ભારે અસંતોષ ફેલાયો. ચેન્નાઈમાં હવામાન પ્રતિકૂળ હોવાથી ત્યાં પણ 26 ફ્લાઇટ્સ રદ થઈ હતી. આ ઉપરાંત કોલકાતા અને હૈદરાબાદમાં પણ ઘણા મુસાફરોને આખો દિવસ વિલંબ અને રદબાતલનો સામનો કરવો પડ્યો. અનેક મુસાફરો છથી 12 કલાક સુધી એરપોર્ટ પર જ અટવાઈ રહ્યા, ત્યારે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની.મુખ્ય કારણોમાં એક તો એરલાઇનનું સર્વર ધીમું પડી જવું હોવાનું અધિકારીઓએ જણાવ્યું. બુધવારે સર્વરમાં ખામી સર્જાતા બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવા માટેનો સમય વધ્યો અને ત્યારથી જ વિમાનના શેડ્યૂલમાં વિક્ષેપ શરૂ થયો. પરંતુ માત્ર ટેક્નિકલ સમસ્યા જ નહીં, ઇન્ડિગોમાં લાંબા સમયથી ચાલતી ક્રૂની તંગી પણ આ સંકટના કેન્દ્રમાં છે. ઉડ્ડયન ઉદ્યોગના સૂત્રો મુજબ, ઇન્ડિગો કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂની ઓછી ઉપલબ્ધતા સાથે લાંબા સમયથી કામ ચલાવી રહ્યું છે. તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય એરલાઇન દ્વારા દિલ્હી અને મુંબઈમાં ભરતી અભિયાન ચલાવાતા ઇન્ડિગોના ઘણા પાઇલટ અને કેબિન ક્રૂ ત્યાં જોડાયા હોવાનું માનવામાં આવે છે.આ પરિસ્થિતિ વચ્ચે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP)એ એરલાઇન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના અનુસાર ઇન્ડિગો લાંબા સમયથી ઓછી ભરતીની નીતિ અપનાવી રહ્યું છે અને નવી ભરતી લગભગ બંધ કરી હતી. પાઇલટ્સના આરામ સમય અને ડ્યુટી અવધિના નવા નિયમો વિશે કંપનીને બે વર્ષથી ખબર હોવા છતાં તેણે પૂરતી તૈયારી કરી નહોતી. ખર્ચ ઘટાડવાના નામે કંપનીએ પાઇલટ્સના પગાર વધારો અટકાવ્યો અને અન્ય એરલાઇનમાંથી પાઇલટ ન લેવાના કરારો કર્યા. પરિણામે આજે એરલાઇન પાસે પૂરતી બફર કેપેસિટી નથી, એટલે કે વધારાના ક્રૂ ઉપલબ્ધ નથી જ્યારે હવામાન, ટેક્નિકલ સમસ્યાઓ અથવા એરપોર્ટ કન્જેશન જેવી પરિસ્થિતિ ઊભી થાય.એફઆઇપીને એવું લાગે છે કે ઇન્ડિગોની લિન મેનપાવર નીતિ અને ટૂંકા ગાળાના આર્થિક લાભને પ્રાથમિકતા આપવા જેવી પ્રવૃત્તિઓએ એરલાઇનને લાંબા ગાળે અસ્થિર બનાવી દીધી છે. શિયાળાના દિવસોમાં ધુમ્મસ, કન્જેશન અને હવામાન પરિવર્તન જેવા પરિબળો સામાન્ય છે, અને તેવી સ્થિતિને પહોંચી વળવા એરલાઇન પાસે પૂરતુ માનવબળ હોવું જ જોઈએ. પરંતુ ઇન્ડિગો પાસે પુરતી સંખ્યા ન હોવાથી થોડા કર્મચારીઓ ગાયબ થાય કે સર્વર ખામી સર્જાય તો આખાં નેટવર્કમાં ખલેલ પડે છે.DGCAએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લઇને ઇન્ડિગો પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. રદ થયેલી ફ્લાઇટ્સનું કારણ, મુસાફરોને થયેલી અસુવિધા અને સ્થિતિ સામાન્ય કરવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી માગવામાં આવી છે. એરલાઇને પોતાની તરફથી માફી માગતા જણાવ્યું છે કે તેઓ કામગીરી સામાન્ય કરવા પૂરું પ્રયત્ન કરી રહ્યા છે અને સમયસર ફ્લાઇટ્સ શરૂ કરવાનો પ્રયત્ન કરશે. કંપનીના CEOએ સ્ટાફને મોકલેલા આંતરિક સંદેશમાં સ્વીકાર્યું કે ગ્રાહક અનુભવ ખરાબ થયો છે અને સ્થિતિ સુધારવી સરળ નથી.આ સમગ્ર ઘટનાક્રમ એ દર્શાવે છે કે ભારત જેવી ઝડપી વિકસી રહેલી હવાઈ મુસાફરી બજારમાં માત્ર સસ્તી ફ્લાઇટ્સ આપવી પૂરતી નથી, પરંતુ વ્યાવસાયિક આયોજન, પૂરતું માનવબળ, ટેક્નિકલ માળખું અને સંકટ વ્યવસ્થાપન સમાન રીતે મહત્વપૂર્ણ છે. મુસાફરોને વિશ્વાસ અપાવવા અને પોતાની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા ઇન્ડિગોને લાંબા ગાળાના સુધારા કરવાની જરૂર છે. હાલમાં તો એરપોર્ટ પર અટવાયેલા યાત્રીઓ અને ચૂકાઇ ગયેલી ફ્લાઇટ્સને કારણે લોકોએ જે વેઠ વેઠી છે તે આગામી ઘણી સપ્તાહો સુધી ચર્ચાનો વિષય રહેશે. Previous Post Next Post