વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં વૈશ્વિક બિઝનેસ અવસર માટે ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ ઉદ્યોગ હબ રાજકોટ તૈયાર Jan 08, 2026 રાજકોટ માત્ર રંગીલું અને મોજીલું શહેર નથી, પરંતુ તે ભારતના સૌથી મોટા ઓટો અને મશીન ટૂલ્સ એન્જિનિયરિંગ ઉદ્યોગના હબ તરીકે પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યું છે. ઉદ્યોગ સાહસિકતા, આધુનિક ટેકનોલોજી, ઇનોવેશન અને સરકારની અનુકૂળ ઔદ્યોગિક નીતિના પરિણામે આજે ‘મેઈડ ઇન રાજકોટ’ પ્રોડક્ટ્સ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઇસ્ટ એશિયા, મિડલ ઇસ્ટ સહિતના અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે.રાજકોટમાં એન્જિનિયરિંગ ઉદ્યોગની શરૂઆત વર્ષ 1961માં ભક્તિનગર ઇન્ડસ્ટ્રીઝથી થઈ હતી. ત્યારબાદ સમયાંતરે આજી ઇન્ડસ્ટ્રીઝ, શાપર-વેરાવળ, મેટોડા, લોધિકા, બામણબોર, ખીરસરા સહિતના વિસ્તારોમાં કુલ 14 GIDC વિકસિત થઈ છે. હાલ રાજકોટમાં 55 હજારથી વધુ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્જિનિયરિંગ એકમો કાર્યરત છે. ગ્લોબલ બ્રાન્ડ્સ સુધી પહોંચેલા રાજકોટના પાર્ટ્સરાજકોટમાં બનેલા ઓટો પાર્ટ્સ આજે અમેરિકન ટેસ્લા, જર્મન મર્સિડીઝ, જાપાની સુઝુકી સહિત ઇસ્ટ એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. છેલ્લા બે દાયકામાં રાજકોટ આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વિકસ્યું છે.રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પાંચાણી જણાવે છે કે, ઉદ્યોગકારોની 65 વર્ષથી વધુની મહેનત, ભારત સરકારનો પ્રોએક્ટિવ અભિગમ, ઔદ્યોગિક નીતિ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનથી આ સફળતા શક્ય બની છે. આજે રાજકોટના લગભગ 50 ટકા જેટલા એન્જિનિયરિંગ એકમો એક્સપોર્ટ સાથે જોડાયેલા છે. આત્મનિર્ભર ભારતથી સ્થાનિક ઉદ્યોગોને વેગ‘મેક ઇન ઇન્ડિયા’, ‘વાઇબ્રન્ટ ગુજરાત’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારોને ગ્લોબલ બિઝનેસની મોટી તક મળી છે. પ્રિ-વાઇબ્રન્ટ સમિટ 2023 અંતર્ગત મોરબી સિરામિક એસોસિએશન અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન વચ્ચે થયેલા MoU થી સિરામિક ઉદ્યોગને જરૂરી મશીનરી હવે રાજકોટમાં જ બનતી થઈ છે, જેના કારણે આયાત ઘટી અને દેશનું હૂંડિયામણ બચ્યું છે.ડિફેન્સ, રેલવે જેવા સેક્ટરમાં જે પાર્ટ્સ પહેલા આયાત થતા હતા, તેમાંથી હવે 50 ટકાથી વધુ પાર્ટ્સ રાજકોટના આશરે 100 જેટલા એકમો સપ્લાય કરે છે. એરોસ્પેસ ક્ષેત્રમાં પણ રાજકોટ ધીમે ધીમે હબ બની રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સથી સૌરાષ્ટ્ર-કચ્છને વૈશ્વિક મંચરાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સને લઇ ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કોન્ફરન્સથી રાજકોટના ઓટો પાર્ટ્સ અને મશીન ટૂલ્સ, જામનગરના બ્રાસ પાર્ટ્સ, મોરબીના સિરામિક, જુનાગઢના માઇન્સ, કચ્છની હસ્તકલા અને પ્રવાસન ઉદ્યોગને ગ્લોબલ એક્સપોઝર મળશે. ઉદ્યોગ અને રોજગારનો વિશાળ વ્યાપરાજકોટ જિલ્લામાં કુલ 14 GIDC કાર્યરત છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી મિતેષભાઈ લાડાણીના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ સેક્ટરમાં 99,654 મેન્યુફેક્ચરિંગ, 68,080 સર્વિસ અને 68,403 ટ્રેડિંગ એકમો કાર્યરત છે. માત્ર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જ 5.55 લાખ લોકોને રોજગારી મળી રહી છે.આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા કહી શકાય કે, ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ ઉદ્યોગ હબ રાજકોટ હવે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં બિઝનેસની નવી તક ઝડપી લેવા સંપૂર્ણ રીતે તૈયાર છે. Previous Post Next Post