શહેરી વિકાસની વાઇબ્રન્સી સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને આવકારવા રંગીલું રાજકોટ બન્યું સંપૂર્ણ તૈયાર

શહેરી વિકાસની વાઇબ્રન્સી સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને આવકારવા રંગીલું રાજકોટ બન્યું સંપૂર્ણ તૈયાર

રાજકોટના આંગણે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : સૌરાષ્ટ્ર–કચ્છને લઈ સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ચહલપહલ જોવા મળી રહી છે. રંગીલું રાજકોટ નવા વાઘા સજી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરના આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

શહેરના મુખ્ય માર્ગો પર સમારકામ અને મજબૂતીકરણનું કામ વેગવંતુ બન્યું છે. સાથે જ સીટી બ્યુટીફીકેશન અંતર્ગત રંગરોગાન, કલાત્મક ચિત્રો અને મ્યુરલ આર્ટ દ્વારા શહેરની શોભામાં નોંધપાત્ર અભિવૃદ્ધિ કરવામાં આવી રહી છે.
 

કરોડોના ખર્ચે વિકાસ કાર્યો પૂર્ણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025 દરમિયાન સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડોના ખર્ચે ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરી પરિવહન અને શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવા અનેક વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી સૌરાષ્ટ્રના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક રોકાણોના નવા દ્વાર ખુલવાની અપેક્ષા છે. આ દિશામાં વર્ષ 2026માં પણ શહેરી વિકાસની સફરને વધુ ગતિ આપવામાં આવી રહી છે.
 


માર્ગો, ડિવાઇડર અને અન્ડરબ્રિજનું નવસર્જન

મેયર શ્રી નયનાબેન પેઢડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ, ડ્રેનેજ અને વોટર વર્કસ શાખા દ્વારા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક રીપેરિંગ, ડામર પેચ, ડામર રી-કાર્પેટ, ડિવાઇડર રીપેરિંગ, સિમેન્ટ કોંક્રીટ પાથરવા, ડિવાઇડરને કલર, મ્યુરલ આર્ટ અને સ્કલ્પચરને કલર જેવી કામગીરી સતત ચાલી રહી છે.

ઇસ્ટ ઝોનમાં ગ્રીનલેન્ડ ચોક, વેલનાથપરા બ્રિજ ડિવાઇડર અને કૈસર-એ-હિન્દ બ્રિજ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, જ્યારે કુવાડવા રોડ પર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. વેસ્ટ ઝોનમાં રૈયા રોડ, નાના મૌવા રોડ, કાલાવડ રોડ અને મવડી રોડ સહિત 16 કિલોમીટરથી વધુ પેવર બ્લોક રીપેરિંગ, 12 કિલોમીટરથી વધુ ડામર રી-કાર્પેટિંગ અને 45 કિલોમીટરથી વધુ મ્યુરલ આર્ટની કામગીરી કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્સ રિંગ રોડ, શીતલ પાર્ક ચોકથી અયોધ્યા ચોક, રાધે સર્કલથી ગોંડલ ચોકડી, તેમજ આમ્રપાલી અન્ડરબ્રિજ અને હોસ્પિટલ ચોક બ્રિજ પર ચિત્રકામ કરીને શહેરને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે.
 

સકારાત્મક સંદેશોથી જીવંત બની રાજકોટની દિવાલો

સીટી બ્યુટીફીકેશન અંતર્ગત શહેરની દિવાલો માત્ર રંગોથી જ નહીં પરંતુ સકારાત્મક સંદેશાઓથી પણ જીવંત બની ઉઠી છે. ‘ઘરનું ઘર સમૃદ્ધિનો આધાર’, ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત’, ‘જળ એ જ જીવન’ અને ‘પર્યાવરણ જાળવો જીવન બચાવો’ જેવા સૂત્રો નાગરિકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. આ વોલ પેઇન્ટિંગ્સ વાઇબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો માટે પણ પ્રેરણાદાયી સાબિત થશે.
 

વિકાસની નવી દિશા દર્શાવતું રાજકોટ

ગુજરાત દેશના સૌથી વધુ અર્બનાઇઝ્ડ રાજ્યો પૈકીનું એક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શહેરી વિકાસ ગ્લોબલ સ્ટાન્ડર્ડ તરફ આગળ વધી રહ્યો છે. *‘રિજનલ એસ્પિરેશન, ગ્લોબલ એમ્બિશન’*ની થીમ પર આધારિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સાથે રાજકોટની આ કાયાપલટ શહેરના આધુનિકીકરણ અને વિકાસની નવી દિશા દર્શાવી રહી છે, જે વાઇબ્રન્ટ સમિટ પૂરતી મર્યાદિત ન રહેતા લાંબા ગાળે નાગરિકોના જીવનસ્તર ઉંચું લાવશે.
 

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ