સૈનિકોના સન્માનમાં સુભાષ ફાઉન્ડેશનનું સરાહનીય યોગદાન, સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. 41 લાખનું અનુદાન Jan 08, 2026 દેશના વીર જવાનો સરહદ પર ઘર-પરિવારની ચિંતા કર્યા વગર માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત બની ફરજ બજાવે છે. આવા જવાનોના પરિવારો પણ પરોક્ષ રીતે દેશસેવામાં સહભાગી બને છે. દેશની સુરક્ષા માટે અનેક સૈનિકો શહાદત વહોરી લે છે, જ્યારે કેટલાક યુદ્ધ, લડાઈ કે આતંકવાદી હુમલામાં ક્ષતિગ્રસ્ત બને છે. આવા સમયે સૈનિકો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે મદદરૂપ બનવું દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે.પ્રતિ વર્ષ 7મી ડિસેમ્બરે ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ સૈનિકોના બલિદાનને યાદ કરવા અને તેમના પરિવારજનોને આર્થિક સહાય પૂરું પાડવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. રાજકોટ કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા સૈનિકોના કલ્યાણાર્થે વધુમાં વધુ અનુદાન આપવા જનતાને અપીલ કરવામાં આવી હતી, જેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી નાગરિકો, સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ઉદાર હાથે દાન આપી આ પરમાર્થ કાર્યમાં સહભાગી બની રહ્યા છે.આ જ શ્રેણીમાં જુનાગઢ સ્થિત સુભાષ ફાઉન્ડેશન દ્વારા સૈનિકોના સન્માનમાં નોંધપાત્ર યોગદાન આપીને સમાજને પ્રેરણારૂપ દાખલો પૂરું પાડવામાં આવ્યો છે. વર્ષ 1976માં સ્થાપિત સુભાષ ફાઉન્ડેશનને 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તા. 25/12/2025ના રોજ યોજાયેલા વાર્ષિક મહોત્સવ દરમિયાન ફાઉન્ડેશનના ચેરમેન શ્રી જવાહર ચાવડા અને શ્રી રાજભાઈ ચાવડા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. 41.00 લાખની માતબર રકમ દાનરૂપે અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં દેશના એકમાત્ર હયાત પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સૈનિકોની શૂરવીરતા અને બલિદાનના પ્રસંગો વર્ણવી હાજર સૌને પ્રેરણા આપી હતી. સમારોહમાં એન.સી.સી. ગ્રુપ હેડક્વાર્ટર, રાજકોટના બ્રિગેડિયર બિશ્વાસ, બ્રિગેડિયર રાયજાદા તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી પવન કુમાર ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી પવન કુમારે જણાવ્યું હતું કે, આ અનુદાનમાંથી શહીદ સૈનિકોની ધર્મપત્નીઓને તેમજ યુદ્ધ, લડાઈ અથવા આતંકવાદી ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકોને માસિક આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ સૈનિકોની પુત્રીના લગ્ન પ્રસંગે દીકરી લગ્ન સહાય, સૈનિકોના અવસાન પ્રસંગે મરણોત્તર સહાય તેમજ સૈનિકો અને શહીદ સૈનિકોની ધર્મપત્નીઓના સંતાનોને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અનુદાન સાથે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 50 લાખ રૂપિયાથી વધુનું દાન એકત્રિત થયું છે. રાજ્યમાં સૈનિક કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવી શકાય તે માટે લોકો હજુ પણ ઉદાર હાથે સક્રિય ફાળો નોંધાવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. Previous Post Next Post