AAI સર્વેક્ષણ 2025માં જામનગર એરપોર્ટની ઝળહળતી સફળતા, દેશમાં ચોથો અને ગુજરાતમાં બીજો ક્રમ Jan 23, 2026 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ માટે વર્ષ 2025 ખુશખબર લઈને આવ્યું છે. AAI દ્વારા કરાયેલા “ગ્રાહક સંતુષ્ટિ માનાંક સર્વેક્ષણ 2025”માં જામનગર એરપોર્ટને 5 માંથી 4.96 જેટલો ઊંચો સ્કોર પ્રાપ્ત થયો છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે દેશભરના કુલ 63 AAI સંચાલિત એરપોર્ટ્સમાં જામનગર એરપોર્ટએ ચોથો ક્રમ મેળવ્યો છે. એટલું જ નહીં, ગુજરાત રાજ્યના એરપોર્ટ્સમાં પણ જામનગરને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે, જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત બની છે.આ સર્વેક્ષણમાં મુસાફરોના અનુભવોને કેન્દ્રમાં રાખીને વિવિધ માપદંડો પર ગુણાંક આપવામાં આવ્યા હતા. જેમાં જામનગર એરપોર્ટએ લગભગ તમામ પરિમાણોમાં ઉત્તમ કામગીરી દર્શાવી છે. એરપોર્ટ સુધી અને એરપોર્ટથી આવન-જાવન માટેની સુવિધાઓમાં 4.91 ગુણાંક મળ્યો છે, જ્યારે પાર્કિંગ સુવિધાઓને પણ 4.91 નો જ ઊંચો સ્કોર પ્રાપ્ત થયો છે. બેગેજ ટ્રોલીની ઉપલબ્ધતા (4.93) અને ચેક-ઇન પ્રક્રિયામાં રાહ જોવાનો સમય (4.94) પણ મુસાફરોને સંતોષકારક લાગ્યો હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે.ખાસ કરીને ચેક-ઇન સ્ટાફની કાર્યક્ષમતાને મુસાફરો દ્વારા ખૂબ વખાણી છે, જેને 4.97 જેટલો ગુણાંક આપવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે એરપોર્ટ પર કાર્યરત સ્ટાફ મુસાફરોને ઝડપી, સૌજન્યપૂર્ણ અને અસરકારક સેવા પૂરી પાડી રહ્યો છે.જામનગર એરપોર્ટની સૌથી મોટી શક્તિ સ્વચ્છતા અને વ્યવસ્થિત માહોલ તરીકે સામે આવી છે. ટર્મિનલ બિલ્ડિંગની સ્વચ્છતાને 4.96 ગુણાંક મળ્યો છે, જ્યારે શૌચાલયોની ઉપલબ્ધતા માટે 4.99 અને શૌચાલયોની સ્વચ્છતા માટે 4.91 જેટલો ઉત્તમ સ્કોર નોંધાયો છે. ટર્મિનલની અંદર સરળતાથી ચાલવા માટેની સુવિધા (4.94) અને માર્ગ શોધવાની સરળતા (Wayfinding) માટે 4.97 ગુણાંક મળ્યો છે, જે મુસાફરો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.ફ્લાઇટ માહિતી ડિસ્પ્લે સિસ્ટમ (FIDS)ને તો લગભગ સંપૂર્ણ ગુણાંક એટલે કે 4.99 મળ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે મુસાફરોને ફ્લાઇટ સંબંધિત માહિતી સમયસર અને સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થાય છે.એરપોર્ટ પર ઉપલબ્ધ રેસ્ટોરન્ટ અને અન્ય સુવિધાઓ પણ મુસાફરોને ગમી છે. ભોજન અને રેસ્ટોરન્ટ સુવિધાને 4.97 ગુણાંક મળ્યો છે, જ્યારે શોપિંગ સુવિધાઓમાં મૂલ્ય-પ્રતિ-પૈસા (Value for Money) માટે 4.95 સ્કોર નોંધાયો છે. વાઈ-ફાઈ અને ઇન્ટરનેટ સેવાને પણ 4.95 ગુણાંક મળ્યો છે, જે આજના ડિજિટલ યુગમાં ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. એરપોર્ટનું સમગ્ર વાતાવરણ 4.92 ગુણાંક સાથે સુખદ અને શાંત અનુભવ આપે છે.સુરક્ષા અને સ્વચ્છતા બાબતે પણ જામનગર એરપોર્ટ આગળ રહ્યું છે. સુરક્ષા અને હાઈજીન વ્યવસ્થાની અસરકારકતાને 4.98 ગુણાંક મળ્યો છે, જ્યારે મુસાફરોનો વિશ્વાસ સ્તર 4.91 નોંધાયો છે. ખાસ વાત એ છે કે મુસાફરો દ્વારા અનુભવાયેલ તણાવનું સ્તર માત્ર 1.04 નોંધાયું છે, જે દર્શાવે છે કે એરપોર્ટ પર મુસાફરોને શાંતિપૂર્ણ અને તણાવમુક્ત અનુભવ મળે છે.આ સમગ્ર સિદ્ધિ જામનગર એરપોર્ટના સંચાલન, અધિકારીઓ અને કર્મચારીઓની સમર્પિત કામગીરીનું પ્રતિબિંબ છે. AAI દ્વારા અપનાવવામાં આવેલી મુસાફરકેન્દ્રિત સેવાઓ, ગુણવત્તા સુધારાના સતત પ્રયાસો અને સ્વચ્છતા પર આપેલા ભારના કારણે જામનગર એરપોર્ટ આજે દેશના શ્રેષ્ઠ એરપોર્ટ્સમાં સ્થાન મેળવી શક્યો છે.આ સફળતા માત્ર એક પુરસ્કાર કે રેન્કિંગ પૂરતી સીમિત નથી, પરંતુ તે જામનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારની વધતી હવાઈ સુવિધાઓ, પ્રવાસન વિકાસ અને આર્થિક ગતિશીલતાનો પણ સ્પષ્ટ સંકેત છે. આવનારા સમયમાં પણ જામનગર એરપોર્ટ આ જ ધોરણે વધુ ઉત્તમ સેવાઓ સાથે નવા માઈલસ્ટોન સ્થાપિત કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post