મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે મોરબીમાં: ઓવરબ્રિજ સહિત રૂ.1042 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકાર દ્વારા Jan 23, 2026 મોરબી શહેર અને જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે રાજ્ય સરકાર સતત સક્રિય છે. રાજ્યના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અવિરત પ્રયાસોના પરિણામે મોરબીમાં વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળી છે. આ પ્રયાસોના ભાગરૂપે શનિવારે તા. 24 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં મોરબી ખાતે વિશાળ લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાવાનો છે.મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પૂર્ણ થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને આગામી સમયમાં થનારા નવા કામોનું ખાતમહુર્ત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે એક જ દિવસમાં મોરબી જિલ્લામાં કુલ મળીને રૂ. 1042 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન થવાનું છે.સિરામિક ઉદ્યોગની ચમકના કારણે દેશ-વિદેશમાં ઓળખ ધરાવતું મોરબી શહેર હવે શહેરી વિકાસના નવા રંગરૂપ ધારણ કરતું નજરે પડી રહ્યું છે. લગભગ એક વર્ષ અગાઉ મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટના માધ્યમથી શહેરના માર્ગો, પુલો, આરોગ્ય, અગ્નિશામક સેવા, વહીવટી સુવિધાઓ અને નાગરિક સુખાકારી સંબંધિત અનેક મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યા છે.હાલમાં કેટલાક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે, જ્યારે ઘણા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. આ તમામ પૂર્ણ થયેલા કામોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે અને નવા વિકાસ કાર્યોનું ખાતમહુર્ત કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ મોરબી શહેર ભાજપ દ્વારા વોર્ડવાઇઝ બેઠક યોજીને લોકોમાં ઉત્સાહ અને ભાગીદારી વધારવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મોરબીના લોકોની સુખાકારી અને વિકાસ માટે માંગ પ્રમાણે પૂરતી ગ્રાન્ટ ફાળવી રહી છે. તેમણે જણાવ્યું કે મચ્છુ નદી ઉપર વિવિધ સ્થળોએ બે નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જેથી ટ્રાફિક સમસ્યા હળવી બને અને શહેરના અલગ-અલગ વિસ્તારોને વધુ સુગમ જોડાણ મળે.આ ઉપરાંત, સનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે મહત્વપૂર્ણ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જે શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આરોગ્ય ક્ષેત્રે પણ મોરબી જિલ્લાના લોકોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે નવા આરોગ્ય કેન્દ્રો, આધુનિક સુવિધાઓ અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.શહેરના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે નવી મહાનગરપાલિકા બિલ્ડીંગ, નવું સર્કિટ હાઉસ તેમજ અલગ-અલગ બે જગ્યાએ નવા ફાયર સ્ટેશન બનાવવાની પણ યોજના છે. આ તમામ યોજનાઓ મોરબી શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં મદદરૂપ બનશે.આ રીતે, શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોરબીમાં એક જ દિવસમાં રૂ. 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થવાનું છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન મોરબીના લોકો માટે નવી સુવિધાઓ અને વિકાસને લગતી કોઈ નવી મહત્વપૂર્ણ જાહેરાત થાય છે કે નહીં, તેના પર સમગ્ર શહેર અને જિલ્લાની નજર મંડાઈ છે. Previous Post Next Post