કિંજલ રબારીના છુટ્ટા છેડાનો કેસ પેન્ડિંગ હોવા છતાં મુકેશ રબારી સાથે થયા હતા લગ્ન Sep 08, 2026 અમદાવાદ,અપહરણ નહીં પરંતુ ગાયિકા સ્વેચ્છાએ અશોક ચૌધરી સાથે કારમાં બેસીને નાસી હતીગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કિંજલ રબારીના અપહરણને લઈને ચર્ચામાં આવેલા વિવાદમાં રોજ-બરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી બપોરના સુમારે બ્લેક કલરની ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા ગાયિકાનું અપહરણ કરી લેવાયા હોવાનો મેસેજ વહેતો થતા ચકચાર મચી ગઈ હતી. જોકે, આ કેસમાં હવે પોલીસ તપાસ અને વકીલના નિવેદન બાદ એક મોટો વળાંક આવ્યો છે.આ સમગ્ર પ્રકરણ અંગે કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે સ્પષ્ટતા કરતા અપહરણના તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ કરવામાં આવ્યું નહોતું, પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી. આ નિવેદનને કારણે સમગ્ર કેસની દિશા બદલાઈ ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, લોકગાયિકા કિંજલ રબારીના અગાઉ ૨ મે ૨૦૨૪ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે અશોક ચૌધરી સાથે સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા. હાલમાં તે અશોક ચૌધરી સાથે હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજી બાજુ રાધનપુર ફેમિલી કોર્ટમાં આ પ્રેમ લગ્નના છૂટાછેડા બાબતનો કેસ પણ હાલ ન્યાયાધીન અને પેન્ડિંગ છે.આ વિવાદ વચ્ચે કિંજલના પરિવારજનો દ્વારા ગત ૧૨ ઓગસ્ટના રોજ ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે તેમના લગ્ન કરાવી દીધા હોવાના ફોટા અને વિગતો પણ સામે આવી છે. આ કેસમાં પતિ મુકેશ રબારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાક્રમ પાછળના વાસ્તવિક કારણો અને કાનૂની પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. Previous Post Next Post