ગત વર્ષના ૧૫મા ક્રમમાંથી શાનદાર છલાંગ લગાવી રાષ્ટ્રીય સ્તરે ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું Sep 08, 2026 રાજકોટ,'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬'માં દેશભરમાં રાજકોટનો સાતમો ક્રમપર્યાવરણ અને શુદ્ધ વાયુની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા અને શહેરીજનો દ્વારા કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬’ના પરિણામોમાં રાજકોટ શહેરે શાનદાર પ્રદર્શન કરતા સમગ્ર દેશમાં ૭મું સ્થાન હાંસલ કર્યું છે.ગયા વર્ષે આ જ સર્વેક્ષણમાં રાજકોટ ૧૫મા ક્રમે રહ્યું હતું, જ્યાંથી આ વખતે જબરદસ્ત છલાંગ લગાવીને શહેરે સીધું ટોપ-૧૦માં સ્થાન મેળવી લીધું છે. આ ઉપલબ્ધિથી રાજકોટ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ અને પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રે અગ્રેસર શહેર તરીકે ઉભરી આવ્યું છે.આ સિદ્ધિ અંગે માહિતી આપતા રાજકોટના મેયર, પક્ષના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે તંત્ર દ્વારા લાંબા સમયથી આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. હવામાં પ્રદૂષણ ફેલાવતા કણોને નિયંત્રિત કરવા, શહેરમાં ગ્રીન કવર (હરિયાળી) વધારવા, રસ્તાઓ પર ધૂળ ઉડતી અટકાવવા માટે એન્ટી-સ્મોગ ગન અને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો વ્યાપક ઉપયોગ તેમજ ઔદ્યોગિક અને વાહનોના ધુમાડા પર કડક નજર રાખવા જેવા પગલાં લેવામાં આવ્યા છે.અધિકારીઓએ વિશેષમાં ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની દીર્ધદ્રષ્ટિવાળી નીતિઓ અને ખાસ કરીને રાજકોટના જાગૃત નાગરિકોના સક્રિય સહયોગના કારણે જ આ મોટી સિદ્ધિ હાસિલ કરવી શક્ય બની છે. સ્વચ્છ અને શુદ્ધ હવા માટે તંત્ર અને જનતાની સહિયારી મહેનત રંગ લાવી છે. આ રાષ્ટ્રીય રેન્કિંગ સુધરવાથી રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ અને ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે. આગામી દિવસોમાં હજી વધુ આધુનિક આયોજનો હાથ ધરીને હવાની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા અને રાષ્ટ્રીય સ્તરે હજી વધુ ઉંચા ક્રમે પહોંચવા માટે તંત્ર દ્વારા નવું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. Previous Post Next Post