“મારો શોખ આજે મારી ઓળખ બન્યો” – પી.એમ. વિશ્વકર્મા યોજનાથી આત્મનિર્ભર બનેલી કાજલબેન સોલંકીની સાફલ્ય ગાથા

“મારો શોખ આજે મારી ઓળખ બન્યો” – પી.એમ. વિશ્વકર્મા યોજનાથી આત્મનિર્ભર બનેલી કાજલબેન સોલંકીની સાફલ્ય ગાથા

“હવે હું પરિવાર અને વ્યવસાય બંનેને આત્મવિશ્વાસ સાથે સંભાળી શકું છું.” રાજકોટની શ્રીમતી કાજલબેન સોલંકીના આ શબ્દો માત્ર એક નિવેદન નથી, પરંતુ સંઘર્ષથી સફળતા સુધીની તેમની પ્રેરણાદાયક યાત્રાનું પ્રતિબિંબ છે. એક ગૃહિણી તરીકે શરૂ થયેલો શોખ આજે તેમની ઓળખ અને આવકનું સશક્ત સાધન બની ગયો છે.

છેલ્લા 15 વર્ષથી કાજલબેન સિલાઈકામ સાથે જોડાયેલા છે. બાળપણથી જ મહિલાઓ માટે વિવિધ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવાનો તેમને ખાસ રસ હતો. પડોશ અને ઓળખીતાઓ માટે ડ્રેસ, બ્લાઉઝ, ચણિયા-ચોળી અને અન્ય પરંપરાગત તેમજ આધુનિક વસ્ત્રો તૈયાર કરતાં તેઓ ધીમે ધીમે જાણીતા બન્યા. તેમ છતાં, શોખને વ્યવસાયમાં કેવી રીતે ફેરવવો તે પ્રશ્ન હંમેશા સામે રહ્યો. પૂરતી મૂડી, આધુનિક સાધનો અને માર્ગદર્શનના અભાવે તેમની પ્રતિભાને યોગ્ય દિશા મળી શકતી નહોતી.

આ સમયે દેશના પરંપરાગત અને કુશળ કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલી પી.એમ. વિશ્વકર્મા યોજના તેમના જીવનમાં પરિવર્તન લાવનાર સાબિત થઈ. આ યોજનાનો મુખ્ય હેતુ કારીગરોને આત્મનિર્ભર બનાવવાનો અને તેમના કૌશલ્યને યોગ્ય બજાર સાથે જોડવાનો છે.

કાજલબેન જણાવે છે કે તેઓ છેલ્લા બે વર્ષથી આ યોજનાથી સંકળાયેલા છે. શરૂઆતમાં તેમને સાત દિવસની તાલીમ આપવામાં આવી, જેમાં આધુનિક સિલાઈ પદ્ધતિઓ, ગુણવત્તા નિયંત્રણ, ગ્રાહક સેવા અને વ્યવસાય સંચાલન અંગે માર્ગદર્શન મળ્યું. તાલીમ દરમ્યાન પ્રતિદિન રૂ. 500નું સ્ટાઈપેન્ડ મળતા તેમને આર્થિક રીતે પણ સહારો મળ્યો. આ તાલીમે તેમના કામમાં નવી દૃષ્ટિ અને આત્મવિશ્વાસ ભરી દીધો.

યોજનાની મદદથી કાજલબેનને રૂપિયા એક લાખની ગેરંટી વગરની લોન મળી. આ રકમથી તેમણે નવી સિલાઈ મશીનો ખરીદી, જરૂરી સાધનો મેળવ્યા અને પોતાના કામ માટે વધુ સુવિધાજનક વર્કસ્પેસ તૈયાર કર્યો. ઉપરાંત, રૂ. 15,000 સુધીની ટુલકીટ સહાયથી તેમની કાર્યક્ષમતા વધી અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થયો.

કાજલબેન કહે છે, “લોન મેળવવાની પ્રક્રિયા સરળ અને પારદર્શક હતી. મને કોઈ મુશ્કેલી પડી નહોતી. મારા વ્યવસાયમાં સતત વૃદ્ધિ થતાં હું સમયસર હપ્તા ભરવામાં પણ સફળ રહી છું.” આજે તેઓ માત્ર સિલાઈકામ પૂરતા મર્યાદિત નથી, પરંતુ વ્યવસાયિક દૃષ્ટિકોણથી આગળ વધી રહ્યા છે. તેમના વ્યવસાયમાં એક પાર્ટનર પણ જોડાયેલા છે, જે હેન્ડીક્રાફ્ટ સંબંધિત વિવિધ વસ્તુઓ તૈયાર કરીને વેચાણ કરે છે. આ રીતે બંને મળીને સ્વરોજગારનું સફળ મોડેલ ઉભું કરી રહ્યા છે.

પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત વિવિધ સ્થળોએ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે. આવા પ્રદર્શનોમાં કાજલબેન જેવા પ્રતિભાશાળી કલાકારોને પોતાની કૃતિઓ રજૂ કરવાની તક મળે છે. આ પ્લેટફોર્મ દ્વારા તેઓ વધુ ગ્રાહકો સુધી પહોંચે છે અને તેમના ઉત્પાદનોને વિશાળ બજાર મળે છે. આથી તેમની આવકમાં વધારો થયો છે અને સમાજમાં તેમની ઓળખ મજબૂત બની છે.

ઉલ્લેખનીય છે કે, પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ 18 વિવિધ પરંપરાગત કળાઓ સાથે જોડાયેલા કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવે છે. યોજનામાં તબક્કાવાર રૂ. 3,00,000 સુધીની ગેરંટી વગરની લોનની સુવિધા છે. સાથે જ ટુલકીટ સહાય, ઉચ્ચકક્ષાની સ્કીલ અપગ્રેડેશન તાલીમ અને ઉત્પાદનો માટે ક્વોલિટી સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેનાથી બજારમાં વિશ્વસનીયતા વધે છે.
 


કાજલબેનની સફર દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સરકારની સહાય અને આત્મવિશ્વાસથી કોઈપણ ગૃહિણી પોતાના શોખને વ્યવસાયમાં ફેરવી શકે છે. આજે તેઓ પરિવારની જવાબદારીઓ સાથે વ્યવસાયને સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. તેમની આ સાફલ્ય ગાથા અન્ય મહિલાઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે.

પી.એમ. વિશ્વકર્મા યોજના જેવા પ્રયાસો દ્વારા દેશના કુશળ કારીગરો માટે નવા અવસર ઉભા થઈ રહ્યા છે અને “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યા છે.

You may also like

એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo અને 18 Pro સીરિઝ લોન્ચ

એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo અને 18 Pro સીરિઝ લોન્ચ

ગુજરાતની 5400 શાખાના 75 હજાર કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે: 15 હજાર કરોડ ના બેન્કિંગ વ્યવહારો ખોરવાશે

ગુજરાતની 5400 શાખાના 75 હજાર કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે: 15 હજાર કરોડ ના બેન્કિંગ વ્યવહારો ખોરવાશે

સિંગતેલના ડબ્બા દીઠ રૂ. 50નો સીધો ઉછાળો, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા થયાં

સિંગતેલના ડબ્બા દીઠ રૂ. 50નો સીધો ઉછાળો, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા થયાં

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી