વિંછીયા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં યોગ શિબિર: ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ સંકલ્પને મળ્યો વેગ

વિંછીયા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં યોગ શિબિર: ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ સંકલ્પને મળ્યો વેગ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે વિવિધ તાલુકાઓમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યોગ દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા અને નિરોગી સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શ્રી શિશપાલજીના માર્ગદર્શન મુજબ દરેક તાલુકામાં યોગનો વ્યાપ વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ દિશામાં વિંછીયા ખાતે યોજાયેલી શિબિર લોકપ્રતિસાદ અને ઉત્સાહના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ યોગ સાધકો અને ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે આજના આધુનિક અને ઝડપી જીવનમાં વધતી જતી જીવનશૈલીજન્ય બીમારીઓ સામે યોગ એક અસરકારક અને સરળ ઉપાય છે. તેમણે સૌને રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામને સ્થાન આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું કે “મેદસ્વિતામુક્ત અને રોગમુક્ત ગુજરાત”નું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની નિયમિત યોગાભ્યાસ કરશે.

શિબિરમાં વિંછીયા પંથકના મોટી સંખ્યામાં યોગ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે યોજાયેલી આ શિબિરમાં નિરોગી જીવનના મંત્ર સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ દ્વારા શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખવાની રીતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
 


સ્ટેટ કો-ઓર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી તથા ઝોન કો-ઓર્ડીનેટર શ્રી વંદનાબેન રાજાણીએ ઉપસ્થિત સાધકોને મેદસ્વિતામુક્તિ માટે ઉપયોગી આસનો, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારની યોગ્ય પદ્ધતિ શીખવાડી હતી. તેમણે સમજાવ્યું કે નિયમિત યોગાભ્યાસ દ્વારા વધતા વજનને નિયંત્રણમાં રાખી શકાય છે તેમજ ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.

જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી હિતેશભાઈ કાચાએ વિવિધ આસનોનો પ્રયોગાત્મક અભ્યાસ કરાવ્યો હતો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવતી યોગ ટ્રેનર તાલીમ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય યોગ બોર્ડ મારફતે યુવાનો અને રસ ધરાવતા નાગરિકોને સત્તાવાર તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ યોગ ટ્રેનર બની સમાજમાં યોગનો પ્રસાર કરી શકે.

આ શિબિરને સફળ બનાવવા માટે યોગ કોચ શ્રી ટ્વિંકલબેન પીઠવા સહિત યોગ બોર્ડની ટ્રેનર ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ટીમે શિબિર દરમિયાન તમામ સાધકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનને મજબૂત બનાવવાનો હતો. યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે તે બાબત પર ભાર મૂકાયો હતો.

આ તકે વિંછીયા ગામના સરપંચ શ્રી ચતુરભાઈ રાજપરા, અગ્રણીઓ શ્રી અમૃતભાઈ બારૈયા, શ્રી બીપીનભાઈ જસાણી, શ્રી વલ્લભભાઈ ઝાપડીયા, બ્રહ્માકુમારી શ્રી ગીતા દીદી તથા શ્રી પૂજા દીદી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વિંછીયા ખાતે યોજાયેલી આ યોગ શિબિર માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સ્વસ્થ અને સશક્ત સમાજ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે. રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત પ્રયાસોથી યોગનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારો સુધી વધતો જઈ રહ્યો છે, જે આવનારા સમયમાં ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ