દારૂ પીને કાર ચલાવતાં ડ્રાઈવરની ટક્કરથી નોરા ફતેહીના માથામાં ઈજા, સારવાર બાદ પણ કાર્યક્રમમાં હાજર

દારૂ પીને કાર ચલાવતાં ડ્રાઈવરની ટક્કરથી નોરા ફતેહીના માથામાં ઈજા, સારવાર બાદ પણ કાર્યક્રમમાં હાજર

મુંબઈમાં જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી સાથે થયેલા માર્ગ અકસ્માતે ચાહકોમાં ચિંતા ફેલાવી દીધી છે. શનિવારે મુંબઈમાં યોજાનારા પ્રસિદ્ધ સનબર્ન ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા જતી વખતે નોરાની કાર સાથે એક બીજી કારની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત આંબોલી વિસ્તારમાં થયો હતો, જ્યાં દારૂ પીને કાર ચલાવતા એક કાર ચાલકે નોરાની કારને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલી નોરા ફતેહી અચાનક જોરથી આગળ ફંગોળાઈ ગઈ હતી અને તેનું માથું કારની બારી સાથે જોરથી અથડાયું હતું.

આ અકસ્માત બાદ નોરાને તરત જ તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. નોરાની ટીમ દ્વારા લેવામાં આવેલા આ તાત્કાલિક પગલાંને કારણે વધુ ગંભીર ઈજા થતી અટકી હતી. હોસ્પિટલમાં કરાયેલા ચેકઅપ બાદ તબીબોએ જણાવ્યું હતું કે નોરાને માથામાં સામાન્ય ઈજા અને થોડો સોજો આવ્યો છે, પરંતુ કોઈ ગંભીર આંતરિક ઈજા નથી. તેમ છતાં, તબીબોએ તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી જેથી કોઈ આગળની જટિલતા ઊભી ન થાય.

અકસ્માત પછીની સ્થિતિ વિશે નોરાએ પોતે સોશિયલ મીડિયા મારફતે ચાહકોને માહિતી આપી હતી. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે તેને ખૂબ ડર લાગ્યો હતો અને આ તેની જિંદગીનો સૌથી ડરામણો અનુભવ રહ્યો છે. નોરાએ કહ્યું હતું કે માથું બારી સાથે અથડાતા તેને થોડી સોજા અને મસ્તિકમાં ઈજા થઈ છે, પરંતુ ભગવાનની કૃપાથી તે સલામત બચી ગઈ છે, એ જ તેના માટે સૌથી મોટી વાત છે.

તબીબોની આરામ કરવાની સલાહ હોવા છતાં, નોરાએ પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સને મહત્વ આપીને સાઉથ મુંબઈમાં યોજાયેલા સનબર્ન ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાં તેણે વિશ્વપ્રસિદ્ધ ડીજે ડેવિડ ગુએટા સાથે પોતાનું નિર્ધારિત પરફોર્મન્સ કર્યું હતું. સ્ટેજ પર નોરાને જોઈને દર્શકો ચોંકી ગયા હતા, કારણ કે થોડા કલાકો અગાઉ જ તે ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. નોરાની આ વ્યાવસાયિક પ્રતિબદ્ધતા અને હિંમતની ચાહકો તેમજ ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

નોરાએ પોતાની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટના પછી તેની ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામેની વિચારધારા વધુ મજબૂત બની છે. તેણે જણાવ્યું હતું કે તે હંમેશાં દારૂ પીને વાહન ચલાવવાના વિરોધમાં રહી છે અને આ ઘટના તેનું જીવતું ઉદાહરણ છે કે કેવી રીતે કોઈની બેદરકારી બીજા વ્યક્તિની જિંદગી જોખમમાં મૂકી શકે છે. તેણે લોકોને અપીલ કરી હતી કે પોતાનું તેમજ બીજાનું જીવન સુરક્ષિત રાખવા માટે જવાબદારીપૂર્વક વાહન ચલાવવું જોઈએ.

આ સમગ્ર ઘટનાને લઈને મુંબઈ પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિનય સકપાલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી ડ્રાઈવર નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા ડ્રાઈવર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવી ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે. અનેક વખત ચેતવણીઓ અને કડક કાયદા હોવા છતાં, કેટલાક લોકો બેદરકારીપૂર્વક દારૂ પીીને વાહન ચલાવે છે, જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. નોરા ફતેહી જેવી જાણીતી વ્યક્તિ સાથે થયેલી આ ઘટના સમાજ માટે એક ચેતવણીરૂપ બની છે.

ઉલ્લેખનીય છે કે નોરા ફતેહી પોતાના ડાન્સ, અભિનય અને ફિટનેસ માટે જાણીતી છે અને તેના લાખો ચાહકો દેશ-વિદેશમાં છે. અકસ્માત બાદ તે ઝડપથી સાજી થાય તેવી શુભેચ્છાઓ સોશિયલ મીડિયા પર સતત વરસી રહી છે. ચાહકો સાથે સાથે ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટીઓએ પણ નોરાના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ