રાજકોટ મુલાકાતે સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠકો Mar 11, 2026 રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની ગઈ છે. ચૂંટણી હવે નજીક આવી રહી હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા સંગઠન મજબૂત બનાવવાની અને કાર્યકર્તાઓને સક્રિય કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટ શહેરના સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન વિવિધ સ્તરના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠકો યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવવાનું છે.અનિરુદ્ધ દવે રાજકોટ પહોંચતા જ શહેર ભાજપ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે તેઓ શહેરમાં પહોંચ્યા બાદ 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોકથી કમલમ કાર્યાલય સુધી ખુલ્લી જીપમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ અને ભાજપના સમર્થકો આ રેલીમાં જોડાયા હતા. કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા બાદ સત્કાર સમારંભ યોજાયો હતો, જ્યાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું.મુલાકાત દરમિયાન અનિરુદ્ધ દવે દ્વારા દિવસભરમાં અનેક મહત્વપૂર્ણ બેઠકો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો સાથે બેઠક યોજાશે. ત્યારબાદ પ્રદેશ ભાજપના હોદેદારો, શહેર સંગઠનના હોદેદારો તેમજ અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અંતે શહેરના તમામ 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ સાથે વિશેષ બેઠક યોજી ચૂંટણીની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપવામાં આવશે.મીડિયા સાથે વાતચીત કરતા અનિરુદ્ધ દવે જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના સંગઠન પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત શહેરની મુલાકાતે આવ્યા છે. અહીં કાર્યકર્તાઓ દ્વારા મળેલ સન્માન અને ઉત્સાહથી તેઓ આનંદિત થયા છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, જેને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને ભાજપના કાર્યકર્તાઓની મહેનતના આધારે રાજકોટ મહાનગર પાલિકાની તમામ 18 વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થશે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ દરેક બેઠક પર ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ અંગે પૂછવામાં આવતા અનિરુદ્ધ દવે જણાવ્યું હતું કે દેશ અને વિશ્વમાં નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે અને તેમના નેતૃત્વ હેઠળ ભાજપને દરેક ચૂંટણીમાં જનતા તરફથી મોટું સમર્થન મળતું આવ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે પણ ભાજપને જીતનો વિશ્વાસ છે.જોકે કમલમ કાર્યાલય ખાતે પ્રભારીના આગમન પહેલા કેટલાક કાર્યકર્તાઓમાં નવા સંગઠન માળખાને લઈ નારાજગી અને અસંતોષ જોવા મળ્યો હતો. નવા હોદેદારોની નિમણૂક અંગે કેટલાક જૂના કાર્યકર્તાઓમાં રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. છતાં ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હોવાથી કોઈ કાર્યકર્તાએ ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો નહોતો. પ્રભારીના આગમન બાદ તમામ કાર્યકર્તાઓ સ્વાગત કાર્યક્રમમાં જોડાઈ ગયા હતા.કાર્યકર્તાઓ વચ્ચે એવી ચર્ચા પણ થઈ રહી હતી કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળતા જૂના કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષ આવનારી ચૂંટણીમાં કેટલી અસર કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.પ્રભારીના આગમન બાદ ભાજપના ઘણા નેતાઓ પ્રમુખ ચેમ્બરમાં એકત્રિત થઈ ચા-પાણી સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ વચ્ચે મીઠો કકળાટ પણ થયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. શહેર ભાજપમાં નવા સંગઠન માળખા પછી પણ કેટલાક જુના હોદેદારોની હાજરી અને ભૂમિકા અંગે કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા થતી જોવા મળી હતી.કુલ મળીને અનિરુદ્ધ દવેની રાજકોટ મુલાકાતને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભાજપની તૈયારીના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં યોજાનારી બેઠકો અને માર્ગદર્શન દ્વારા ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવી ચૂંટણીમાં સારો પ્રદર્શન કરવા પ્રયત્નશીલ છે. હવે આવનારી ચૂંટણીમાં ભાજપને કેટલું સફળતા મળે છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. Previous Post Next Post