રેલવે સ્ટેશન કે ટ્રેનમાં ગંદકી કરતા પ્રવાસીઓને હવે રૂ.1000નો દંડ ફટકારશે Aug 29, 2026 અમદાવાદ, સ્થળ પર દંડ ન ભરે તો કોર્ટમાં સીધો રૂ.2000નો દંડ ભરવો પડશેરેલવે સ્ટેશન પરિસરના ભવનો, દીવાલો અને કોચ પર લખવું, થૂંકવું અને જ્યાં-ત્યાં ગંદકી ફેલાવવી જેવી ટેવો માત્ર રેલવેની સાફ-સફાઈ પર જ અસર નથી પાડતી, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી જાહેર સંપત્તિની હાલત પણ ખરાબ કરે છે. હવે રેલવેએ આવી હરકતો પર શકંજો કસવા માટે દંડની રકમ વધારી દીધી છે. રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ કે ટ્રેનની અંદર કચરો ફેંકવો હવે સીધો 1,000 સુધી ભારે પડી શકે છે.એટલું જ નહીં, જો સ્થળ પર જ દંડની રકમ ન ચૂકવવામાં આવી, તો મામલો કોર્ટ સુધી જઈ શકે છે અને ત્યાં 2,000 સુધીનો વધારાનો દંડ ફટકારવામાં આવી શકે છે. રેલવે મંત્રાલયે 24 ઓગસ્ટના રોજ આ અંગે રાજપત્ર અધીસૂચના બહાર પાડી છે. રેલવેએ સાફ-સફાઈ સંબંધિત 2012ના નિયમોમાં સુધારો કર્યો છે. આ હેઠળ પહેલાં લાગુ મહત્તમ 500ના દંડને વધારીને હવે 1,000 કરી દેવામાં આવ્યો છે.સુધારેલા નિયમોમાં રેલવે પરિસરમાં સાફ-સફાઈ જાળવી રાખવા અને જાહેર સંપત્તિને નુકસાનથી બચાવવા સંબંધિત દેશની અનેક જોગવાઈઓ સામેલ છે. નવા નિયમો પ્રમાણે રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ કે ટ્રેનના કોચની અંદર કચરો ફેંકવો અથવા નક્કી કરેલી જગ્યા સિવાય ક્યાંય પણ કચરો છોડવો દંડનીય રહેશે. એટલે કે પેસેન્જર કે રેલવે પરિસરમાં હાજર અન્ય કોઈ વ્યક્તિ જો જાણી જોઈને ગંદકી ફેલાવશે, તો તેના પર 1,000 સુધીની પેનલ્ટી લગાવવામાં આવી શકે છે.આ ઉપરાંત રેલવે પરિસરમાં રસોઈ બનાવવી, નાહવું, થૂંકવું, પેશાબ કરવો અને શૌચ ક્રિયા કરવી પણ પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. પ્રાણીઓ કે પક્ષીઓને ચણ/ખાવાનું આપવું, ગાડી, વાસણ કે કપડાં ધોવાં અને રેલવે પરિસરમાં સામાન રાખવો પણ નિયમોની વિરુદ્ધ છે. રેલવેની સંપત્તિને ખરાબ કરતી પ્રવૃત્તિઓ પર પણ કાર્યવાહીની જોગવાઈ છે. મંજૂરી વિના ટ્રેનના કોચ કે રેલવેની કોઈ સંપત્તિ પર પોસ્ટર લગાવવાં, સંદેશ લખવો કે ચિત્ર બનાવવું પ્રતિબંધિત છે. આવી પ્રવૃત્તિઓ રેલવેની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે અને તેની સામે પણ દંડ ફટકારવામાં આવી શકે છે અને સજા સુધીની પણ જોગવાઈ છે.સુધારેલા નિયમોમાં અધિકૃત વેન્ડર અને હોકરની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે. તેમણે સ્ટેશન પર પર્યાપ્ત ડસ્ટબિન કે કચરા કન્ટેનર ઉપલબ્ધ કરાવવા અને ભેગા થયેલા કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે. નિયમો હેઠળ પેનલ્ટી વસૂલવાનો અધિકાર સ્ટેશન માસ્ટર કે સ્ટેશન મેનેજર, કમર્શિયલ વિભાગના ટિકિટ કલેક્ટર, ઓપરેટિંગ વિભાગના સમાન રેન્કના અધિકારી અને રેલવે ઓથોરિટી તરફથી અધિકૃત કરાયેલા અધિકારીઓને આપવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ સ્થળ પર દંડની રકમ ચૂકવતી નથી, તો તેની સામે આગળ કાનૂની કાર્યવાહી કરી શકાય છે અને મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં 2,000 સુધીનો વધારાનો દંડ લગાવી શકાય છે. નવા નિયમો દ્વારા રેલવેએ આર્થિક દંડ વધારીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે જાહેર જગ્યાઓ પર ગંદકી ફેલાવવી કે રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો હળવાશથી લેવામાં આવશે નહીં. Previous Post Next Post