રાજકોટમાં અપહૃત અને ગુમશુદા વ્યક્તિઓની શોધ માટે પોલીસની અપીલ, અજાણ્યા મૃતકના વાલી-વારસની માહિતી માંગ જાહેર જનતાને સહકાર Dec 30, 2025 રાજકોટ શહેર તથા તાલુકા વિસ્તારમાં તાજેતરમાં અપહરણ, ગુમશુદાની ઘટનાઓ તેમજ અજાણ્યા મૃતક અંગેની માહિતી મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત સરકાર, રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અપહૃત સગીરા, ગુમશુદા યુવક અને પ્રૌઢ વ્યક્તિ સાથે-साथ સારવાર દરમિયાન મોતને ભેટેલા અજાણ્યા વ્યક્તિના વાલી-વારસ અંગે માહિતી આપવા વિનંતી કરવામાં આવી છે. ભગવતીપરામાંથી સગીરાનું અપહરણરાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાંથી એક સગીરાનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ થયાની ઘટના નોંધાઈ છે. માહિતી અનુસાર, ગત તા. 13 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. અપહૃત સગીરા મધ્યમ બાંધાની, ઘઉં વર્ણની અને અંદાજે 5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. તે સમયે તેણે બ્લ્યુ રંગની કુર્તી તથા સ્કાય કલરનો પ્લાઝો પહેરેલો હતો. આ અંગે કોઈપણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. વાવડી વિસ્તારનો યુવક ગુમશુદાઆ ઉપરાંત, રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા રાહુલકુમાર સુનીલ મંડલ (ઉંમર 18 વર્ષ) ગત તા. 17 સપ્ટેમ્બર, 2025ના રોજ ઘરેથી બહાર નીકળ્યા બાદ આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમશુદા યુવકના ડાબા હાથ પર અંગ્રેજીમાં “RAHUL” લખાયેલું ટેટૂ છે. પોલીસ મુજબ, યુવક અસ્થિર મગજનો હોવાની માહિતી પણ સામે આવી છે. તેમના વિશે કોઈ જાણકારી મળે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર 0281-2563340 અથવા મોબાઈલ નં. 63596 27415 અને 97125 22355 પર સંપર્ક કરવા જણાવાયું છે. પુષ્કરધામ વિસ્તારના પ્રૌઢ વ્યક્તિ ગુમરાજકોટ શહેરના પુષ્કરધામ વિસ્તારમાં આવેલા આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતા જયેશભાઈ ડાયાલાલ પોપટ (ઉંમર 52 વર્ષ) ગત તા. 20 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 10.30 વાગ્યે ઘી કાંટા રોડ, બંગડી બજાર પાસેથી ગુમ થયા હોવાનું નોંધાયું છે. આ અંગે જો કોઈ વ્યક્તિને માહિતી મળે તો રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર 02812-226659, મોબાઈલ નં. 63596 27436 અથવા રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમના નંબર 0281-2457777 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. અજાણ્યા મૃતકના વાલી-વારસની શોધઉપરાંત, રાજકોટ શહેરમાં આર.એમ.સી. ઓફિસ ગેટ નંબર-01 પાસે ભટકતું જીવન જીવતા આશરે 40 વર્ષીય અશોકભાઈ સુરેન્દ્રભાઈ યાદવ ગત તા. 26 ડિસેમ્બર, 2025ના રોજ બીમારીના કારણે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ચાલુ સારવાર દરમિયાન તા. 27 ડિસેમ્બર, 2025ના રોજ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતકના વર્ણન મુજબ, તેમણે ક્રિમ રંગની ટી-શર્ટ તથા આછું ગ્રે પેન્ટ પહેરેલું હતું. તેમના કાળા વાળ અને કાળી દાઢી હતી. આંખ પાસે તેમજ ખંભા પર કાળું નિશાન જોવા મળ્યું હતું. મૃતક પાતળા બાંધાના અને ઘઉં વર્ણ ધરાવતા હતા. તેમના વાલી-વારસ અથવા ઓળખ અંગે કોઈ માહિતી મળે તો રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. જાહેર જનતાને સહકારની અપીલરાજકોટ પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, ઉપરોક્ત અપહરણ, ગુમશુદા વ્યક્તિઓ અથવા અજાણ્યા મૃતક અંગે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તરત જ સંબંધિત પોલીસ મથકનો સંપર્ક કરી માનવતા દાખવવી. પોલીસના જણાવ્યા મુજબ, સમયસર મળતી માહિતીના આધારે ગુમશુદા વ્યક્તિઓને શોધવામાં અને મૃતકના વાલી-વારસને શોધવામાં સહાય મળી શકે છે. Previous Post Next Post