રાજકોટના આર્કિટેક્ટનો ગૌરવ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એશિયાનું સૌથી મોટું બોન્સાઈ વન ‘વામન વૃક્ષ વાટિકા’નું લોકાર્પણ Dec 10, 2025 રાજકોટ શહેરના યુવાન અને પ્રતિભાશાળી આર્કિટેક્ટ રિશીન મિત્રાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક એવો અનોખો પ્રોજેક્ટ સાકાર કર્યો છે, જે આજે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે કેવડિયા સંકુલમાં સ્થિત છે, ત્યાં 3.5 એકરના વિસ્તારમાં ફેલાયેલું એશિયાનું સૌથી મોટું જાહેર બોન્સાઈ વન તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અનોખી વાટિકાને ‘વામન વૃક્ષ વાટિકા’ નામ આપ્યું છે. વિશેષ વાત એ છે કે 31 ઓક્ટોબર 2024ના રોજ આ વાટિકાનું ભૂમિપૂજન પણ વડાપ્રધાને જ કર્યું હતું અને બરાબર એક વર્ષ બાદ 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર પટેલ જયંતિના દિવસે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.આ બોન્સાઈ વન માત્ર જમાવટવાળું સૌંદર્ય નથી, પરંતુ તે એક વિશાળ કલાત્મક, સાંસ્કૃતિક તેમજ પર્યાવરણીય સંદેશ સાથે જોડાયેલું છે. સમગ્ર વન 13,885 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની રચના માટે અંદાજે 18.68 કરોડનો ખર્ચ થયો છે. અહીં કુલ 1150થી વધુ બોન્સાઈ વૃક્ષો છે, જે જુદી જુદી પ્રજાતિઓ, શૈલીઓ અને કદમાં તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટના આર્કિટેક્ટ રિશીન મિત્રાએ આ સમગ્ર પ્રોજેક્ટમાં કન્સેપ્ટ ડિઝાઇનથી લઈને ડિટેલ ડ્રોઇંગ્સ, સાઇટ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટના દરેક તબક્કાને સફળ બનાવવા સુધીની જવાબદારી નિભાવેલી છે. બોન્સાઈ વનનું ડિઝાઇનિંગ પ્રવાસીઓને એક અનોખો અને શાંતિસભર અનુભવ આપે તે રીતે કરવામાં આવ્યું છે. વાટિકામાં પ્રવેશતાં જ એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં મુલાકાતીઓને બોન્સાઈનો ઇતિહાસ, તેની કલા અને તેના આધ્યાત્મિક મહત્ત્વ વિશે એક નાનકડા વીડિયો દ્વારા સમજાવવામાં આવે છે. વાટિકાની અંદર કુલ છ થીમ આધારિત ગેલેરીઓ બનાવવામાં આવી છે, જેમાં દરેક ગેલેરીમાં અલગ પ્રકારના બોન્સાઈ વૃક્ષો અને તેની વિશિષ્ટ શૈલીઓ રજૂ કરવામાં આવી છે.આ વનનું સૌંદર્ય વધારતા ઝેન ગાર્ડન, બે અલગ પ્રકારના વોટરફોલ અને એક મોટું તળાવ અહીંનું મુખ્ય આકર્ષણ છે. ચાલતા ચાલતા મુલાકાતીઓ જ્યાં ક્યાંક નરમ ફૂલોના સુગંધિત માર્ગોનો અનુભવ કરે છે, ત્યાં ક્યાંક પાણીના ઝરણાંનો મધુર પણ શાંત અવાજ તેમને પ્રકૃતિ સાથે વધુ નજીક લાવે છે. આખી વાટિકા સંવેદનાત્મક અનુભવોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી દરેક મુલાકાતીને અલગ-અલગ સ્તરે પ્રકૃતિનો સ્પર્શ થાય.બોન્સાઈ વૃક્ષોને તેમની ઊંચાઈના આધારે મામે, સોહિન, કીકુશો, ચૂ અને ડાય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સૌથી નાનું માત્ર 6 ઇંચથી પણ ઓછું છે, જ્યારે સૌથી ઊંચું લગભગ 36 ઇંચ સુધીનું હોય છે. આ બોન્સાઈનો વિચાર વાસ્તવમાં ભારતીય પરંપરામાંથી ઉદ્ભવેલો છે. રિશીન મિત્રાએ દર્શાવ્યું કે અગાઉ ઋષિમુનિઓ એક સ્થળેથી બીજા સ્થળે જતા ત્યારે નાનાં વૃક્ષો સાથે લઈ જતાં અને નવી ભૂમિ પર તેનું રોપણ કરતા, જેથી પર્યાવરણની જાળવણીનો સંદેશ સમાજમાં પ્રસરતો રહે. આ પરંપરા સમય સાથે આગળ વધતી ગઈ અને પછી જાપાન, તાઇવાન જેવા દેશોએ બોન્સાઈ કળાને પોતાની વિશિષ્ટ ઓળખ આપી.બોન્સાઈ કળાનો સાચો અર્થ માત્ર નાનાં કદમાં વૃક્ષ ઉછેરવાનો નથી, પરંતુ તે ધીરજ, શિસ્ત, સંરક્ષણ અને પ્રકૃતિપ્રેમનું પ્રતિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાયેલી આ વાટિકા એ જ સંદેશને વિશ્વ સમક્ષ મૂકે છે. અહીં આયુર્વેદિક મૂલ્ય ધરાવતા તથા અન્ય અનેક પ્રજાતિના વામન વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટની વધુ એક વિશેષતા એ છે કે તેની જાળવણી માટે સ્થાનિક મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. બોન્સાઈની કાપણી, તેને પાણી આપવાની પદ્ધતિ, યોગ્ય માટી, તાપમાન અને ભેજના સંતુલન જેવી બાબતો શીખવવામાં આવી છે. ભવિષ્યમાં આ મહિલાઓ બોન્સાઈનું વાવેતર, તેની જાળવણી અને વેચાણ દ્વારા આર્થિક રીતે સશક્ત બને તેવા પ્રયત્નો પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. એટલે કે ‘વામન વૃક્ષ વાટિકા’ માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ સામાજિક ઉત્થાન અને સ્થાનિક રોજગારીનું પણ એક સુંદર ઉદાહરણ છે.આ રીતે, રાજકોટના યુવાન આર્કિટેક્ટ રિશીન મિત્રાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું આ એશિયાનું સૌથી મોટું બોન્સાઈ વન, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવું રત્ન બની ગયું છે. પ્રકૃતિ, કલા, પરંપરા અને આધુનિક ડિઝાઇનનો સમન્વય ધરાવતું આ પ્રોજેક્ટ ભારતની સર્જનાત્મક શક્તિ અને સંસ્કૃતિના ગૌરવને વિશ્વ સામે પ્રસ્થાપિત કરે છે. Previous Post Next Post