ગજાનન આશ્રમના પૂજ્ય વિજયભાઈ જોશીનું નિસ્વાર્થ સમાજસેવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવસભર સન્માન Dec 22, 2025 ભારતીય સંસ્કૃતિ, માનવતાવાદ અને નિસ્વાર્થ સમાજસેવાના ક્ષેત્રે અવિરત કાર્યરત ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશીનું તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્સ, ઇંગ્લેન્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે પૂજ્ય ગુરુજીને “વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્સ” એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન તેમની વર્ષોથી ચાલી આવતી નિસ્વાર્થ સમાજસેવા, રાષ્ટ્રસેવા અને માનવ કલ્યાણ માટેના અવિરત પ્રયત્નોનું વૈશ્વિક સ્તરે મળેલું પ્રતિષ્ઠિત પ્રમાણ છે.પૂજ્ય વિજયભાઈ જોશી ગજાનન આશ્રમના માધ્યમથી સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્ય કરી રહ્યા છે. તેમના કાર્યનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સંરક્ષણ, આધ્યાત્મિક જાગૃતિ અને સમાજના પછાત તથા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. તેઓ માને છે કે સાચી સેવા એ જ છે જે નિસ્વાર્થ ભાવથી, કોઈ પ્રતિફળની અપેક્ષા વગર કરવામાં આવે.ગજાનન આશ્રમ દ્વારા અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સતત ચલાવવામાં આવી રહી છે. આશ્રમ ખાતે નિશુલ્ક સંસ્કૃત પાઠશાળા દ્વારા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કરવામાં આવે છે. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિના શુદ્ધિકરણ માટે વૈદિક યજ્ઞો તથા પૂજનવિધિઓનું આયોજન કરવામાં આવે છે, જેનાથી સમાજમાં આધ્યાત્મિક તેમજ પર્યાવરણીય જાગૃતિ ફેલાય છે. આશ્રમ દ્વારા વૃદ્ધાશ્રમ, કન્યા સહાય યોજના, નિશુલ્ક ચિકિત્સાલય તેમજ વ્યસન મુક્તિ અભિયાન જેવી અનેક સામાજિક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવવામાં આવી રહી છે. ગરીબ અને નિરાધાર વૃદ્ધોને આશ્રય, સારવાર અને સન્માનપૂર્ણ જીવન આપવાનો આશ્રમનો અભિગમ પ્રશંસનીય છે. આ ઉપરાંત, નર્મદા પરિક્રમાવાસીઓ માટે રહેવા, ભોજન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આશ્રમ સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.પૂજ્ય વિજયભાઈ જોશીએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ભારતીય વૈદિક સંસ્કૃતિનો પ્રસાર કર્યો છે. વૈદિક પૂજા-યજ્ઞો, જ્યોતિષ શાસ્ત્ર અને આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા તેમણે અનેક લોકોને જીવનમાં યોગ્ય દિશા આપી છે. તેમના માર્ગદર્શનથી અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે, જેના કારણે લોકોના હૃદયમાં તેઓએ વિશેષ સ્થાન મેળવ્યું છે.ભારત મંડપમ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં જ્યારે પૂજ્ય ગુરુજીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત નમ્રતાપૂર્વક આ સન્માન ગજાનન આશ્રમ પરિવારના તમામ સભ્યો, સેવાભાવી કાર્યકરો અને આશ્રમ સાથે જોડાયેલા તમામ ભક્તોને સમર્પિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ એવોર્ડ માત્ર વ્યક્તિગત સન્માન નહીં પરંતુ સેવા, સંસ્કાર અને સંકલ્પની જીત છે.આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલું આ ગૌરવસભર સન્માન ગજાનન આશ્રમ અને પૂજ્ય વિજયભાઈ જોશીના કાર્યને નવી ઊંચાઈ આપે છે અને આવનારા સમયમાં વધુ ઉર્જા સાથે સમાજસેવા તથા ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટે પ્રેરણા પૂરું પાડે છે. Previous Post Next Post