રાજકોટ એમ્સમાં ઓપરેશન માટે 15 દિવસનું વેઈટિંગ, દર્દીઓને રાહત આપવા 6 નવા ઓપરેશન થિયેટર શરૂ Dec 22, 2025 રાજકોટના જામનગર રોડ ઉપર 1195 કરોડના ખર્ચે સાકાર થતી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ) સૌરાષ્ટ્ર માટે આરોગ્યક્ષેત્રની મોટી આશા તરીકે જોવામાં આવી રહી છે. વર્ષ 2023માં વડાપ્રધાનના હસ્તે 200 બેડની હોસ્પિટલ સાથે અમુક સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણના અઢી વર્ષ બાદ પણ સુપર સ્પેશ્યાલિટી સહિતની અનેક મહત્વની સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ ન થતાં દર્દીઓને લાંબી રાહ જોવી પડી રહી છે.એમ્સના નામે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શરૂઆતના દિવસોમાં એમ્સની ઓપીડીમાં દરરોજ 1300થી 1400 જેટલા દર્દીઓ પહોંચતા હતા. અહીંની નિષ્ણાત તબીબી સેવા અને આધુનિક સુવિધાઓને કારણે દર્દીઓ મોટી સંખ્યામાં એમ્સ તરફ વળ્યા હતા. જોકે, તબીબો દ્વારા ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોવા છતાં પૂરતા ઓપરેશન થિયેટરની અછતને કારણે સર્જરી માટે 15થી 20 દિવસનું વેઈટિંગ રહેતું હતું.ઓપરેશન માટે લાંબી રાહ જોવાની ફરજ પડતા ઘણા દર્દીઓ અન્ય ખાનગી અથવા સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર બન્યા હતા. પરિણામે, એમ્સમાં ઓપરેશન માટે નોંધાતા દર્દીઓની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. દર્દીઓ તેમજ તેમના સ્વજનો તરફથી પણ સમયસર સર્જરી ન થતી હોવા અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અને દર્દીઓને ઝડપી તથા અસરકારક સારવાર મળી રહે તે હેતુસર એમ્સના સત્તાવાળાઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ એમ્સમાં એક સાથે 6 નવા અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યા છે. આ નવા ઓપરેશન થિયેટર શરૂ થતાં ઓપરેશન માટેનું વેઈટિંગ નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.6 નવા ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન એમ્સના ડાયરેક્ટર પ્રો. ડો. એલ. એન. દોરેરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. પિંકી શાહુ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા ઓપરેશન થિયેટર સંપૂર્ણપણે આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને વિવિધ પ્રકારની સર્જરી માટે ઉપયોગમાં લેવાશે.એમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, આ નવા મોડ્યુલર ઓપરેશન થિયેટર શરૂ થતાં સામાન્ય તેમજ જટિલ સર્જરીની ક્ષમતા વધશે. સાથે સાથે દર્દીઓને લાંબી રાહ જોવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે. આગામી દિવસોમાં સુપર સ્પેશ્યાલિટી વિભાગો શરૂ થતાં સર્જરીની સંખ્યા વધુ વધશે તેવા સંકેતો પણ આપવામાં આવ્યા છે.અઢી વર્ષ પહેલાં એમ્સનું લોકાર્પણ થયા બાદ સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સારવાર નજીકમાં ઉપલબ્ધ બનવાની આશા જાગી હતી. જોકે, સુવિધાઓના ધીમા વિસ્તરણને કારણે દર્દીઓની અપેક્ષાઓ પર થોડું પાણી ફરી વળ્યું હતું. હવે નવા ઓપરેશન થિયેટર શરૂ થવાથી એમ્સ ફરી એક વખત દર્દીઓ માટે વિશ્વસનીય સારવાર કેન્દ્ર બની રહે તેવી શક્યતાઓ વધી છે.આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે જો આગામી સમયમાં તબીબોની સંખ્યા અને સુપર સ્પેશ્યાલિટી સેવાઓમાં વધારો કરવામાં આવશે તો રાજકોટ એમ્સ સૌરાષ્ટ્રનું મહત્વપૂર્ણ મેડિકલ હબ બની શકે છે. હાલ શરૂ કરાયેલા 6 નવા ઓપરેશન થિયેટર આ દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post