બુર્જ ખલીફાનો રેકોર્ડ તૂટશે! સાઉદીમાં 1000 મીટર ઊંચો જેદ્દાહ ટાવર 2028 સુધી તૈયાર થવાની શક્યતા

બુર્જ ખલીફાનો રેકોર્ડ તૂટશે! સાઉદીમાં 1000 મીટર ઊંચો જેદ્દાહ ટાવર 2028 સુધી તૈયાર થવાની શક્યતા

વિશ્વની સૌથી ઊંચી ઇમારત તરીકે ઓળખાતી દુબઈની બુર્જ ખલીફાનો રેકોર્ડ હવે ટૂંક સમયમાં તૂટવાનો છે. સાઉદી અરેબિયા એક એવી ભવ્ય અને અદભૂત ઇમારતનું નિર્માણ કરી રહ્યું છે, જે ઊંચાઈના મામલે બુર્જ ખલીફાને પણ પાછળ છોડી દેશે. આ ઇમારતનું નામ જેદ્દાહ ટાવર રાખવામાં આવ્યું છે, જેની ઊંચાઈ આશરે 1000 મીટર એટલે કે 1 કિલોમીટર રહેશે. ગલ્ફ ન્યૂઝ સહિતના આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ અનુસાર, આ ટાવર વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.

હાલ વિશ્વની સૌથી ઊંચી ઇમારત દુબઈમાં આવેલી બુર્જ ખલીફા છે, જેની કુલ ઊંચાઈ 828 મીટર છે. જ્યારે જેદ્દાહ ટાવર તેની તુલનામાં લગભગ 180 મીટર વધુ ઊંચો હશે. આ કારણે જ આ પ્રોજેક્ટને એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે. જેદ્દાહ ટાવર સાઉદી અરેબિયાની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું પ્રતીક બની રહ્યું છે.

જેદ્દાહ ટાવરનું નિર્માણ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આલ સઉદના વિઝન 2030 અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આ વિઝનનો હેતુ સાઉદી અરેબિયાને તેલ પર આધારિત અર્થતંત્રમાંથી બહાર કાઢી આધુનિક, વૈશ્વિક અને પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવાનો છે. જેદ્દાહ ટાવર સાઉદીના જેદ્દા ઇકોનોમિક સિટીમાં બનાવવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જેદ્દાહ ટાવરનું કામ વર્ષ 2025ની શરૂઆતમાં ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ ઇમારતમાં આશરે 80 માળનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટને વર્ષ 2020 સુધી પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ વિવિધ કારણોસર તેમાં વિલંબ થયો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં પ્રથમ વખત જેદ્દાહ ટાવર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ભ્રષ્ટાચારના આરોપો અને આર્થિક અડચણોને કારણે આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો હતો. તે સમયે આશરે 63 માળનું કામ પૂરું થઈ ચૂક્યું હતું. લાંબા સમય સુધી કામ બંધ રહે્યા બાદ જાન્યુઆરી 2025માં ફરી એકવાર આ પ્રોજેક્ટને નવી ગતિ આપવામાં આવી છે.

જેદ્દાહ ટાવરને એન્જિનિયરિંગનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. આટલી ઊંચી ઇમારત બનાવવા માટે ખાસ પ્રકારની મજબૂત ફાઉન્ડેશન, પવન પ્રતિકારક ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તીવ્ર ગરમી, રણ વિસ્તાર અને ઊંચાઈને ધ્યાનમાં રાખીને આ ઇમારતની રચના કરવામાં આવી છે, જે તેને વિશ્વની સૌથી આધુનિક ઇમારતોમાં સ્થાન અપાવશે.

જેદ્દાહ ટાવરમાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં લક્ઝરી હોટેલ, કોમર્શિયલ ઓફિસ સ્પેસ, રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સ અને શોપિંગ એરિયા સામેલ રહેશે. આટલી ઊંચાઈ પર સરળ અવરજવર માટે અત્યંત ઝડપી અને આધુનિક લિફ્ટ સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે. સાથે જ, ટાવરના ટોચે ઓબ્ઝર્વેશન ડેક બનાવવાની પણ યોજના છે, જ્યાંથી શહેરનો મનમોહક નજારો જોઈ શકાશે.

જેદ્દાહ ટાવર માત્ર એક ઇમારત નહીં પરંતુ સાઉદી અરેબિયાની વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈ આપનાર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ટાવર પૂર્ણ થયા બાદ તે વિશ્વભરના પ્રવાસીઓ, રોકાણકારો અને બિઝનેસ જગતનું આકર્ષણ બનશે. સાથે સાથે, બુર્જ ખલીફાનો દાયકાઓથી અડગ રહેલો રેકોર્ડ તૂટશે અને દુનિયાની સૌથી ઊંચી ઇમારતનો તાજ સાઉદી અરેબિયાના માથે સજશે.
 

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ