જો અરવલ્લી નહીં રહે તો ભારતમાં શું બદલાઈ જશે? પાંચ મુદ્દાઓમાં સમજો વાસ્તવિક સંકટ

જો અરવલ્લી નહીં રહે તો ભારતમાં શું બદલાઈ જશે? પાંચ મુદ્દાઓમાં સમજો વાસ્તવિક સંકટ

ભારતમાં અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરો અને ટેકરીઓનો સમૂહ નથી, પરંતુ ઉત્તર ભારત માટે તે એક કુદરતી રક્ષણ કવચ, પર્યાવરણીય કરોડરજ્જુ અને જીવનદાયી શ્વાસ સમાન છે. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક એવી અરવલ્લી ગુજરાતથી શરૂ થઈ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી વિસ્તરેલી છે. પરંતુ તાજેતરમાં તેની નવી વ્યાખ્યાને લઈને ઉઠેલા વિવાદ બાદ પર્યાવરણ કાર્યકરો ચિંતિત બન્યા છે કે જો અરવલ્લીનું સંરક્ષણ ન થયું, તો ઉત્તર ભારત પર ગંભીર પર્યાવરણીય સંકટ મંડરાશે.
 

આખરે શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં રજૂ કરાયેલી નવી વ્યાખ્યા મુજબ, માત્ર જમીનથી ઓછામાં ઓછી 100 મીટર ઊંચી ભૂ-આકૃતિઓને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વ્યાખ્યાથી આશરે 90 ટકા અરવલ્લીની ટેકરીઓ સંરક્ષણના દાયરામાંથી બહાર નીકળી જશે. પરિણામે, આ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન, બાંધકામ, વૃક્ષકાપ અને પર્યાવરણીય વિનાશ માટે દરવાજા ખુલ્લા થઈ જશે. આ જ કારણ છે કે અરવલ્લીને બચાવવા માટે ચિંતાનો અવાજ ઉઠી રહ્યો છે.
 

ઉત્તર ભારતનો શ્વાસ અને સુરક્ષા કવચ

અરવલ્લી પર્વતમાળા ઉત્તર ભારત માટે કુદરતી ઢાલ તરીકે કાર્ય કરે છે. તે રણના ફેલાવાને અટકાવે છે, વરસાદની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને હવામાંથી પ્રદૂષણને રોકે છે. જો આ પર્વતમાળા નષ્ટ થાય, તો તેની અસર માત્ર એક-બે રાજ્યો સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ઉત્તર ભારતના જીવન પર ઊંડી અસર કરશે.
 

1. રણને ફેલાતું અટકાવતી અંતિમ દીવાર

અરવલ્લી પર્વતમાળા થાર રણને ઉત્તર અને પૂર્વ તરફ વધતું અટકાવે છે. જો આ પર્વતમાળા નષ્ટ થશે, તો રણ ધીમે-ધીમે હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ વધશે. જમીન બંજર બનશે, ખેતી મુશ્કેલ થશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થશે. આ અસરથી લાખો ખેડૂતોનું જીવન જોખમમાં મુકાઈ જશે.
 

2. વરસાદી પેટર્ન અને હવામાનનું સંતુલન

અરવલ્લી પવનની દિશાને પ્રભાવિત કરીને ચોમાસાના વરસાદને આકાર આપે છે. તે દુષ્કાળ અને પૂર વચ્ચેનું સંતુલન જાળવે છે. જો આ પર્વતમાળા નબળી પડશે અથવા નષ્ટ થશે, તો કમોસમી વરસાદ, અતિભારે વરસાદ અને લાંબા દુષ્કાળ જેવી સમસ્યાઓ વધી જશે. તેની સીધી અસર ખેતી અને પાણી પુરવઠા પર પડશે.
 

3. ભૂગર્ભજળ માટે કુદરતી સ્પોન્જ

વિજ્ઞાનીઓ અરવલ્લીને ‘નેચરલ સ્પોન્જ’ તરીકે ઓળખાવે છે. વરસાદનું પાણી આ પર્વતમાળા દ્વારા જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભજળને રિચાર્જ કરે છે. દિલ્હી-NCR, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારો આ જળ પર નિર્ભર છે. જો અરવલ્લી પર ખનન અને વનનાબૂદી વધશે, તો ઉત્તર ભારત ભયંકર પાણી સંકટનો સામનો કરશે.
 

4. પ્રદૂષણ અને શ્વાસની બીમારીઓનો ખતરો

પશ્ચિમ તરફથી આવતી ધૂળ, આંધી અને પ્રદૂષણને અરવલ્લી પર્વતમાળા રોકે છે. તે PM10 જેવા હાનિકારક કણોને ઉત્તર ભારત તરફ ફેલાતા અટકાવે છે. જો અરવલ્લી નષ્ટ થશે, તો AQI વધુ ખરાબ થશે, શ્વાસ સંબંધિત રોગો વધશે અને ખાસ કરીને બાળકો તથા વૃદ્ધોને ગંભીર અસર થશે.
 

5. જૈવવિવિધતાનું મોટું નુકસાન

અરવલ્લી પર્વતમાળા હજારો પ્રજાતિના છોડ, પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર છે. જો અહીં ખનન અને બાંધકામ વધશે, તો જંગલોનો નાશ થશે અને અનેક પ્રજાતિઓ લુપ્ત થવાની કગાર પર પહોંચી જશે. આ ફૂડ ચેનને તોડી નાંખશે, જેમાં માનવજાત પણ એક ભાગ છે.

અરવલ્લી પર્વતમાળાનું સંરક્ષણ માત્ર પર્યાવરણ માટે નહીં, પરંતુ ઉત્તર ભારતના ભવિષ્ય માટે અનિવાર્ય છે. જો સમયસર પગલાં નહીં લેવાય, તો આ પ્રાચીન પર્વતમાળાના વિનાશ સાથે જ પાણી, હવા, ખેતી અને જીવન—બધા પર સંકટ ઘેરાશે. તેથી ‘અરવલ્લી બચાવો’ માત્ર અભિયાન નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટેની ફરજ બની ગઈ છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ