ભાવી પાયલોટ્સ માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું તાલીમનું કેન્દ્ર, દેશભરની ફ્લાઈંગ એકેડેમીઓ લઈ રહી છે લાભ

ભાવી પાયલોટ્સ માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું તાલીમનું કેન્દ્ર, દેશભરની ફ્લાઈંગ એકેડેમીઓ લઈ રહી છે લાભ

હિરાસર ખાતે સ્થિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે માત્ર હવાઈ મુસાફરીનું કેન્દ્ર જ નહીં પરંતુ ભાવી પાયલોટ્સને તૈયાર કરતું મહત્વપૂર્ણ ટ્રેનિંગ હબ બની રહ્યું છે. અદ્યતન સુવિધાઓ, લાંબો અને આધુનિક રનવે તેમજ નવીન ટેક્નોલોજીથી સજ્જ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) હોવાને કારણે દેશભરની વિવિધ ફ્લાઈંગ એકેડેમીઓ અહીં પોતાના તાલીમી પાયલોટ્સને મોકલી રહી છે.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ દૈનિક અંદાજે 10 જેટલી નાની તાલીમી ફ્લાઈટ્સની અવરજવર રહે છે. મહેસાણા, અમરેલી અને ભાવનગરની ફ્લાઈંગ એકેડેમીઓ ઉપરાંત મુંબઈ સ્થિત રિલાયન્સ કંપનીના પાયલોટ્સ પણ અહીં લેન્ડિંગ અને ટેકઓફની તાલીમ મેળવી રહ્યા છે. મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ પર ટ્રેનિંગ માટે ફ્લાઈટ સ્લોટ મળવામાં મુશ્કેલી પડતી હોવાથી રાજકોટ એરપોર્ટ પાયલોટ્સ માટે વિકલ્પરૂપ બન્યો છે.

હિરાસર એરપોર્ટની વિશેષતા એ છે કે અહીં 3040 મીટર લાંબો અને અત્યાધુનિક રનવે ઉપલબ્ધ છે. સાથે સાથે નવી ટેક્નિકથી સજ્જ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ, ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ અને નાઈટ લેન્ડિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ તમામ સુવિધાઓના કારણે પાયલોટ્સને વિવિધ પરિસ્થિતિઓમાં વિમાન ઉતારવાની અને ઉડાન ભરવાની પ્રેક્ટિકલ તાલીમ સરળતાથી મળી રહે છે.
 


વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત બનેલા આ ઈન્ટરનેશનલ એરપોર્ટનો લાભ હવે રાજ્ય અને દેશભરના ભાવી પાયલોટ્સને મળી રહ્યો છે. મહેસાણાની ગુજરાત ફ્લાઈંગ ક્લબ, અમરેલીની વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટ અને ભાવનગરની ડ્યુન્સ એર એકેડમીના તાલીમી વિમાનો નિયમિત રીતે રાજકોટ એરપોર્ટ પર આવી રહ્યા છે. અહીં પાયલોટ્સને એરપોર્ટ ઓપરેશન, નેવિગેશન સિસ્ટમ, લેન્ડિંગ સહાયક સાધનો અને ગ્રાઉન્ડ બેઈઝ સુવિધાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે.

આ ઉપરાંત ભુજ અને જામનગર સ્થિત એરફોર્સના વિમાનો પણ સમયાંતરે પ્રેક્ટિસ માટે રાજકોટ એરપોર્ટ પર આવે છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલ ટાવર માટે પણ આ એરપોર્ટ વ્યસ્ત બન્યો છે. તાલીમી વિમાનો સામાન્ય રીતે સવારે 10.30થી 12.30 અને બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ કરે છે.

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, તાલીમી ફ્લાઈટ્સ માટે પ્રતિ ફ્લાઈટ આશરે રૂ.800 જેટલું ચાર્જ લેવામાં આવે છે. આ રીતે એરપોર્ટને આવક પણ થાય છે અને સાથે સાથે તેની ઉપયોગિતા પણ વધે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફ્લાઈંગ ટ્રેનિંગ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી યુવા પાયલોટ્સને હવે રાજ્ય બહાર જવાની જરૂર ઘટી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાલીમી નાનાં વિમાનો સાથે સાથે એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી મોટી એરલાઈન કંપનીઓની દૈનિક 12 થી 13 જેટલી મોટી ફ્લાઈટ્સ પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ કરે છે. આ તમામ એર ટ્રાફિકને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર દ્વારા સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી રહ્યું છે, જે એરપોર્ટની કાર્યક્ષમતા અને તકનીકી ક્ષમતાનો ઉત્તમ દાખલો આપે છે.

આ રીતે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે એર ટ્રાવેલનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાની સાથે સાથે ભવિષ્યના પાયલોટ્સને તૈયાર કરતું એક મજબૂત ટ્રેનિંગ હબ બની રહ્યું છે. આવનારા સમયમાં વધુ ફ્લાઈંગ એકેડેમીઓ અને એરલાઈન્સ અહીં તાલીમ માટે જોડાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન