સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામકની અછત યથાવત: અઢી લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં ગોથલાં, નવી જાહેરાત બહાર પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામકની અછત યથાવત: અઢી લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં ગોથલાં, નવી જાહેરાત બહાર પડશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓના અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા વર્ષોથી એક ગંભીર વહીવટી સમસ્યાનો સામનો કરી રહી છે. યુનિવર્સિટીને હજુ સુધી કાયમી પરીક્ષા નિયામક મળ્યો નથી. પરિણામે પરીક્ષા વ્યવસ્થામાં વારંવાર છબરડાં સર્જાઈ રહ્યા છે અને તેનો સીધો અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર પડી રહ્યો છે. હાલની સ્થિતિ જોતા ફરી એકવાર પરીક્ષા નિયામકની ભરતી માટે નવી જાહેરાત બહાર પાડવાની ફરજ યુનિવર્સિટી પર આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા લગભગ દસ વર્ષથી પરીક્ષા નિયામકનું પદ ખાલી હતું. આ લાંબા સમયગાળા દરમિયાન પરીક્ષાઓનું સંચાલન અસ્થાયી વ્યવસ્થાઓના આધાર પર કરવામાં આવતું હતું. બે વર્ષ પહેલા યુનિવર્સિટીના ગ્રંથપાલ નિલેશ સોનીની કાયમી પરીક્ષા નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમની અગાઉની નોકરીની સળંગ ગણતરી ન થવાને કારણે તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ફરીથી આ પદ ખાલી પડી ગયું.

આ સ્થિતિ બાદ યુનિવર્સિટી દ્વારા 13 સપ્ટેમ્બર, 2024ના રોજ કાયમી પરીક્ષા નિયામકની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત કુલ ઉમેદવારોમાંથી 1 એપ્રિલ, 2025ના રોજ એલિજિબલ અને નોટ એલિજિબલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં યુનિવર્સિટીના જ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. મનીષ ધામેચા એકમાત્ર લાયક ઉમેદવાર તરીકે જાહેર થયા હતા, જ્યારે અન્ય આઠ ઉમેદવારોને નોટ એલિજિબલ ઠરાવવામાં આવ્યા હતા.
 


આ દરમિયાન ડૉ. મનીષ ધામેચા કાયમી કુલસચિવ પદ માટે પણ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. બાદમાં આંબેડકર યુનિવર્સિટીના અજયસિંહ જાડેજાની કુલસચિવ તરીકે પસંદગી થતા ડૉ. ધામેચાને પગારમાં નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ. આ કારણસર તેમણે પરીક્ષા નિયામક તરીકેની પોતાની અરજી પરત ખેંચી લીધી. પરિણામે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પરીક્ષા નિયામક માટે કોઈ લાયક ઉમેદવાર બચ્યો નથી અને ફરીથી નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની ફરજ પડી છે.

કાયમી પરીક્ષા નિયામક ન હોવાને કારણે યુનિવર્સિટીમાં પરીક્ષાઓના સમયપત્રક, પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા, માર્કશીટ વિતરણ અને રીવેલ્યુએશન જેવી બાબતોમાં વારંવાર ગોથલાં સર્જાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને કોલેજોના પ્રાચાર્યો દ્વારા પણ આ અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત યુનિવર્સિટીના NAAC એક્રેડિટેશન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા IQAC (ઇન્ટર્નલ ક્વોલિટી અશ્યોરન્સ સેલ) તેમજ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરાવતા CCDC (કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેલ) માટે કાયમી કો-ઓર્ડિનેટર નીમણૂક કરવાની જાહેરાત પણ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે આ બંને મહત્વપૂર્ણ પદો માટે એકપણ ઉમેદવાર લાયક ઠર્યો નથી. પરિણામે હવે આ અરજીઓની ફરીથી રિ-સ્ક્રુટિની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે આ માટે નવી જાહેરાત બહાર પાડવામાં નહીં આવે.

વહીવટી ભરતીની વાત કરીએ તો, યુનિવર્સિટી દ્વારા 19 ડિસેમ્બર, 2025ના રોજ નોન-ટીચિંગ સ્ટાફ માટે 36 પોસ્ટની કુલ 71 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી માટે કુલ 1,342 ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 26 જગ્યાઓ સામે સૌથી વધુ 862 અરજીઓ આવી છે.

કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે વર્ગ-3ની ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જ્યારે વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અપનાવવામાં આવશે, જેમાં એક જગ્યા સામે 15 ઉમેદવારોને બોલાવવામાં આવશે.

આ સમગ્ર પરિસ્થિતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી કાર્યક્ષમતાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. અઢી લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્ર દ્વારા વહેલી તકે કાયમી પરીક્ષા નિયામક સહિત મહત્વપૂર્ણ પદોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન