રેફ્યુજી કોલોની દસ્તાવેજ નોંધણી અટકી: રહેવાસીઓની અડચણો વચ્ચે મુદ્દો કલેક્ટર સુધી પહોંચ્યો Dec 01, 2025 રાજકોટ શહેરના સીટી સર્વે વોર્ડ નં. 18 અને સીટી સર્વે નં. 1145ના વિસ્તારમાં આવેલા રેફ્યુજી કોલોની ક્વાર્ટર્સના મિલકતદારો છેલ્લા અનેક મહિનાઓથી દસ્તાવેજોની નોંધણી બંધ હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા આ પ્રશ્નને લઈ સ્થાનિક રહેવાસીઓ, સામાજિક આગેવાનો અને રાજકીય પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પાઠવી સમસ્યા ઉકેલવા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશને પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી તથા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાધેલાની આગેવાનીમાં કૉંગ્રેસના અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાધેલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગૌરવ પુજારા, વોર્ડ પ્રમુખ જગુભા જાડેજા અને સિંધી સમાજના અગ્રણીઓ દિપકભાઈ ભાટીયા તથા જીતુભાઈ ચાંદ્રાણી સહિતના પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી.રહેવાસીઓના મતે, રેફ્યુજી કોલોનીના મકાનોનું વેચાણ દસ્તાવેજ વર્ષો સુધી નિયમીત રીતે રજીસ્ટેશન થતું રહ્યું હતું. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી કોઈપણ પૂર્વ-સૂચના, નોટિસ અથવા કારણ દર્શાવ્યા વગર સબ-રજીસ્ટ્રાર કચેરીમાં આ વિસ્તારમાં આવેલી મિલકતોના વેચાણ દસ્તાવેજોની નોંધણી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી અટકતા સેકડો પરિવારોના રોજિંદા આર્થિક, સામાજિક અને કાનૂની વ્યવહારો અટકાઈ ગયા છે. ઘણા રહેવાસીઓ મિલ્કત વેચી શકતા નથી, બેન્ક લોન માટે દસ્તાવેજ રજૂ કરી શકતા નથી અને વારસાગત વ્યવહારો પણ અટવાઈ ગયા છે. પરિણામે આ વિસ્તારમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ભારત-પાકિસ્તાન ભાગલા દરમિયાન પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા રેફ્યુજી પરિવારોને પુનઃસ્થાપિત કરવા માટે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આગેવાનીમાં 70 ચો.મી.ના મકાનો 99 વર્ષની લીઝ પર ફાળવવામાં આવ્યા હતા. વર્ષો બાદ સરકારે આ લીઝ રદ કરીને નિયમિત દસ્તાવેજો નોંધવાની મંજૂરી આપી હતી અને ત્યારથી આ મકાનોના વેચાણ-ખરીદીના દસ્તાવેજ નિયમિત રીતે નોંધાતા આવ્યા છે. એટલે આ વિસ્તારની મિલકતોની કાનૂની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને માન્ય ગણાતી આવી છે.રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે આ વિસ્તારમાં આવેલ કોઈપણ જમીન અથવા મકાન અંગે અત્યાર સુધી કોઈપણ સરકારી વિભાગ, કોર્પોરેશન અથવા વિકાસ સત્તાવાળાએ કબજો, એક્વાયર અથવા નોટિસ જાહેર કરી નથી. ન તો અદાલતોમાં કોઈ કેસ પ્રસ્તુત છે અને ન તો કોઈ જાહેર હિતની કામગીરીને પગલે દસ્તાવેજો રોકવાની ફરજ પડી છે. છતાં આ વિસ્તારમાં દસ્તાવેજ નોંધણી અચાનક કેવી રીતે, શા માટે અને કોના આદેશથી બંધ કરવામાં આવી છે તેના સ્પષ્ટ જવાબો આજે સુધી પ્રાપ્ત થયા નથી, જેને કારણે રહેવાસીઓમાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.રહેવાસીઓનું કહેવું છે કે દસ્તાવેજ નોંધણી લાંબા સમયથી બંધ હોવાથી અનેક પરિવારો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. કેટલાકે ઘરો વેચવાના એગ્રીમેન્ટ કર્યા છે પરંતુ દસ્તાવેજોની નોંધણી ન થતાં ખરીદદારો–વેચનાર બંને મુશ્કેલીમાં છે. કેટલાક લોકો ઘર મરામત અથવા ફેરફાર માટે બેન્ક લોન લેવા માગે છે પરંતુ લોન પ્રક્રિયા માટે દસ્તાવેજ જરૂરી હોવાથી તેઓ અસમર્થ બન્યા છે. સોસાયટીમાં રહેનારા ઘણા વડીલો વારસાગત હકના દસ્તાવેજો બનાવી શકતા નથી, જેના કારણે કાનૂની પ્રશ્નો ઉભા થઈ શકે છે. આ પરિસ્થિતિ આગળ ચાલે તો વિસ્તારના મિલકત મૂલ્યમાં ઘટાડો થવાની સંભાવના પણ રહેવાસીઓએ વ્યક્ત કરી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનું તેમજ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરવા જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. રહેવાસીઓએ માંગણી કરી છે કે જો કોઈ ટેકનિકલ, કાનૂની અથવા વહીવટી તકલીફ હોય તો તે સ્પષ્ટ રીતે જાહેર કરવી જોઈએ જેથી લોકો અજાણતા ભોગ બનવા ના પડે. સાથે જ કલેક્ટર ઓફિસ દ્વારા કરવામાં આવનાર પગલાં અંગે રહેવાસીઓને લેખિતમાં જાણ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.રેફ્યુજી કોલોનીના રહેવાસીઓનું માનવું છે કે તેઓ વર્ષો સુધી સરકારના બધા નિયમોનાં પાલન સાથે દસ્તાવેજોની પ્રક્રિયા કરાવતા આવ્યા છે. અચાનક આવી તકરાર ઊભી થવા પાછળનું કારણ ઝડપથી સ્પષ્ટ ન થાય તો આ વિસ્તારની સામાજિક અને આર્થિક સ્થિતિ વધુ અસ્થીર થઈ શકે છે. સમગ્ર મુદ્દો હવે ક્લેક્ટર સ્તરે પહોંચી ગયો હોવાથી ટૂંક સમયમાં આ અંગે કોઈ ઠરાવો અથવા સ્પષ્ટતા બહાર આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. Previous Post Next Post