મીઠી પેશાબ (મધુપ્રમેહ): અજાણ્યો ખતરો, સાચી સમજ અને માર્ગદર્શન Jan 22, 2026 ડાયાબીટીસ એટલે કે મધુપ્રમેહ આજના સમયમાં એક એવી બીમારી બની ગઈ છે, જે દેખાતી ઓછી છે પરંતુ અંદરથી શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. ઘણા દર્દીઓ વર્ષો સુધી જાણ્યા વિના ડાયાબીટીસ સાથે જીવતા રહે છે અને જ્યારે બીમારી આંખ, કિડની, નસો કે હૃદયને અસર કરે છે ત્યારે તેનું નિદાન થાય છે. અગાઉના લેખમાં આપણે ડાયાબીટીસ શું છે, તેનું નામ કેમ પડ્યું અને ડાયાબીટીસ હોવા છતાં દવાઓ કેમ જરૂરી છે તે સમજ્યું હતું. આ લેખમાં આપણે ડાયાબીટીસના પ્રકારો, તેની સારવાર કેમ અલગ હોય છે અને ગુજરાતમાં આ રોગનું સાચું ચિત્ર શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું. DIABETES + DIABETES AVAD G આજે ભારતમાં અંદાજે ૧૧ કરોડથી વધુ લોકોને ડાયાબીટીસનું નિદાન થઈ ચૂક્યું છે. પરંતુ ભારતના દરેક રાજ્યમાં ડાયાબીટીસનું પ્રમાણ એકસરખું નથી. ગુજરાતમાં હાલ અંદાજે 10% વસ્તીમાં ડાયાબીટીસ જોવા મળે છે, જે ભારતના સરેરાશ કરતાં ઓછું છે. આ આંકડો સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉભો કરે છે. કારણ કે જીવનશૈલીની વાત કરીએ તો ગુજરાતીઓ આખા ભારતમાં સૌથી વધુ મીઠાઈ, ગાંઠિયા, જલેબી, ફરસાણ, ચેવડો, તમાકુ અને હવે વધતા પ્રમાણમાં આલ્કોહોલ પણ લે છે. છતાં અહીં ડાયાબીટીસનું પ્રમાણ ઓછું કેમ દેખાય છે? તેની સામે સાઉથ ઇન્ડિયામાં ડાયાબીટીસનું પ્રમાણ લગભગ ૧૫% છે. ત્યાંના લોકો ભાત આધારિત ખોરાક વધારે લે છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ત્યાં આરોગ્ય અંગે જાગૃતિ ઘણી વધારે છે. લોકો નિયમિત હેલ્થ ચેકઅપ કરાવે છે, બ્લડ શુગરની તપાસ સમયસર કરાવે છે અને નાની તકલીફમાં પણ ડૉક્ટર પાસે જાય છે. પરિણામે ત્યાં ડાયાબીટીસનું સમયસર અને ચોક્કસ નિદાન થાય છે, એટલે વાસ્તવિક આંકડા સામે આવે છે. ગુજરાતમાં ઘણા લોકોમાં વજન સામાન્ય હોય છે, પરંતુ શરીરની અંદર મેટાબોલિક ફેરફારો ચાલતા રહે છે. નિયમિત તપાસ ન કરાવવાના કારણે ડાયાબીટીસ લાંબા સમય સુધી અજાણ રહે છે. આવા દર્દીઓને ત્યારે ખબર પડે છે જ્યારે બીમારી મહત્વના અંગોને નુકસાન પહોંચાડી ચૂકી હોય. એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં ડાયાબીટીસ ઓછું નથી, પરંતુ ઘણા કેસ હજુ અજાણ છે. ડાયાબીટીસના સામાન્ય રીતે ચાર પ્રકાર જોવા મળે છે — ટાઈપ-1, ટાઈપ-2, જેસ્ટેશનલ ડાયાબીટીસ અને અન્ય કારણોથી થતો ડાયાબીટીસ, જેમ કે કેટલીક દવાઓ, હોર્મોનલ અસંતુલન અથવા થાઈરોઈડની તકલીફ. ટાઈપ-1 ડાયાબીટીસમાં શરીરના બીટા સેલ્સ, જે ઇન્સ્યુલિન બનાવે છે, તે નષ્ટ થઈ જાય છે. પરિણામે શરીરમાં ઇન્સ્યુલિન બને જ નથી. ઇન્સ્યુલિન ખોરાકમાંથી મળતા ગ્લુકોઝને ઊર્જામાં ફેરવવાનું કામ કરે છે. ઇન્સ્યુલિન ન હોય તો લોહીમાં શુગર વધતું જાય અને કોષો ભૂખ્યા રહે. આથી ટાઈપ-1 ડાયાબીટીસ ધરાવતા દર્દીઓને જીવનભર બહારથી ઇન્સ્યુલિન લેવું ફરજિયાત બને છે. ટાઈપ-2 ડાયાબીટીસ સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે. આમાં શરીરમાં ઇન્સ્યુલિન બને છે, પરંતુ તેની અસર ઓછી થઈ જાય છે, જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે. આવા દર્દીઓને એવી દવાઓ આપવામાં આવે છે જે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારે અથવા ખોરાકમાંથી શુગર બનવાની પ્રક્રિયા ધીમી કરે. પરંતુ દવાઓ સાથે નિયમિત કસરત અને ખોરાક નિયંત્રણ અત્યંત જરૂરી છે. ડાયાબીટીસની સારવારમાં ખોરાક, વ્યાયામ અને દવા — આ ત્રણેયનું સંતુલન સૌથી મહત્વપૂર્ણ છે. એક પણ બાબતમાં બેદરકારી રાખવામાં આવે તો શુગર નિયંત્રણ બહાર જઈ શકે ७. ડાયાબીટીસનો ત્રીજો મહત્વનો પ્રકાર છે જેસ્ટેશનલ ડાયાબીટીસ, જે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં જોવા મળે છે. મોટાભાગે ડિલિવરી બાદ શુગર નોર્મલ થઈ જાય છે. પરંતુ આવી સ્ત્રીઓમાં ભવિષ્યમાં ટાઈપ-2 ડાયાબીટીસ થવાનો ખતરો રહે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત તપાસ અને તબીબી દેખરેખ અનિવાર્ય છે. ડાયાબીટીસ અંગે 3 મહત્વની વાતો (જાણવા જેવી) 1) ડાયાબીટીસ માત્ર વધારે ખાવાથી જ થતો નથી ઘણા લોકો માને છે કે મીઠું વધારે ખાવાથી જ ડાયાબીટીસ થાય છે, પરંતુ હકીકતમાં ખોરાક, વજન, તણાવ, શારીરિક પ્રવૃત્તિની અછત અને વારસાગત કારણો પણ જવાબદાર હોય છે. 2) વજન સામાન્ય હોવા છતાં ડાયાબીટીસ થઈ શકે છે ખાસ કરીને ભારતીયોમાં "થિન ફેટ" બોડી સ્ટ્રક્ચર જોવા મળે છે, જેમાં બહારથી શરીર પાતળું લાગે પરંતુ અંદર ચરબી વધુ હોય છે. આવા લોકોમાં ડાયાબીટીસનો ખતરો વધુ રહે છે. 3) સમયસર તપાસ જ સૌથી મોટો બચાવ છે નિયમિત ફાસ્ટિંગ, PP અને HbA1c તપાસ કરાવવાથી ડાયાબીટીસ વહેલી તકે પકડાઈ શકે છે અને ગંભીર નુકસાનથી બચી શકાય છે. ડૉ. વી.બી. કાસુંદ્રા: ડાયાબીટીસ જાગૃતિનું વિશ્વસનીય નામ ગુજરાતમાં ડાયાબીટીસ અંગે જાગૃતિ ફેલાવવામાં ડૉ. વી.બી. કાસુંદ્રાનું યોગદાન વિશેષ છે. તેઓ વર્ષોથી ડાયાબીટીસના નિદાન, સારવાર અને જનજાગૃતિના ક્ષેત્રમાં સતત કાર્યરત છે. ડૉ. કાસુંદ્રા હંમેશા દવા સાથે જીવનશૈલીમાં ફેરફાર, નિયમિત કસરત અને ખોરાક નિયંત્રણ પર ભાર મૂકે છે. તેમના મુજબ ડાયાબીટીસને કાબુમાં રાખવા માટે દર્દીએ પોતે જ પોતાની બીમારીને સમજવી સૌથી જરૂરી છે. Stop Diabetes Dr. V. B. Kasundra Control Diabetes Live a Better Life અંતમાં એટલું જ કહેવું યોગ્ય રહેશે કે ડાયાબીટીસ કોઈ એક દિવસમાં થતી બીમારી નથી. પરંતુ યોગ્ય માહિતી, સમયસર નિદાન, શિસ્તબદ્ધ જીવનશૈલી અને તબીબી સલાહથી તેને નિયંત્રિત રાખી શકાય છે. ડાયાબીટીસ સામેની સૌથી મોટી દવા છે — જાગૃતિ. Next Post