ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન હેઠળ રાજકોટ ગ્રામ્યમાં 1487 ક્ષય દર્દીઓને એક વર્ષમાં રૂ 76 લાખ સહાય

ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન હેઠળ રાજકોટ ગ્રામ્યમાં 1487 ક્ષય દર્દીઓને એક વર્ષમાં રૂ 76 લાખ સહાય

ક્ષય (ટી.બી.) એ માત્ર એક ચેપજન્ય રોગ નથી, પરંતુ તે વ્યક્તિના આરોગ્ય સાથે-સાથ તેની આર્થિક અને સામાજિક સ્થિતિ પર પણ ઊંડી અસર કરતો ગંભીર પડકાર છે. દેશને ક્ષયમુક્ત બનાવવા માટે ભારત સરકાર “ટી.બી. હારેગા, દેશ જીતેગા”ના સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આધુનિક સારવાર, સમયસર નિદાન, દર્દીઓની નિયમિત દેખરેખ તથા જનજાગૃતિના સઘન કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે. ટી.બી.ને સામાજિક કલંક તરીકે નહીં પરંતુ સંપૂર્ણપણે ઉપચારયોગ્ય રોગ તરીકે સમાજ સ્વીકારે, તે માટે આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી જાગૃતિ પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ‘ક્ષયમુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા માટે ‘નિક્ષય પોષણ યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ક્ષયના દર્દીઓને તેમની સારવાર દરમિયાન દર માસે રૂ. 1,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય સીધી દર્દીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ પોષણસભર આહાર અને સારવાર સંબંધિત ખર્ચ સરળતાથી ઉઠાવી શકે. વર્ષ 2025 દરમિયાન રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા કુલ 1,487 ક્ષયના દર્દીઓને કુલ રૂ. 76 લાખ 17 હજારની આર્થિક સહાય આપવામાં આવી છે. સરકાર દ્વારા મળતી આ સહાય દર્દીઓમાં આત્મવિશ્વાસ વધારે છે અને તેમની સાજા થવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે.
 


ક્ષયની સારવારમાં પોષણનું મહત્વ અત્યંત છે, એ વાતને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ઘનશ્યામભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘નિક્ષય મિત્ર સપ્તાહ’ની વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી. ગત તા. 19 થી 27 જાન્યુઆરી દરમિયાન સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓના સહયોગથી જિલ્લામાં કુલ 222 ક્ષયના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ અભિયાન અંતર્ગત શ્રી નરેન્દ્રભાઈ શેઠ દ્વારા પડધરી સરકારી હોસ્પિટલ અને નારણકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ 45 દર્દીઓને પોષણ કિટ આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ રાજકોટ પ્રાઈડ દ્વારા નંદનવન આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં તથા શાપર-વેરાવળ ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાની હાજરીમાં કુલ 62 દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, શક્તિમાન ગ્રુપ દ્વારા ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે 30 દર્દીઓને પોષણ કિટ આપવામાં આવી હતી. જેતપુર લાયન્સ ક્લબે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે 25 દર્દીઓને પૌષ્ટિક આહાર કિટ આપી હતી. રાજકોટ જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન, શ્રી મોનાબેન, શ્રી કોમલબેન ઠક્કર સહિતના દાતાઓએ આગળ આવી કુલ 60 દર્દીઓને પોષણ કિટ પહોંચાડી હતી. આ તમામ સેવાભાવી પ્રયાસો સમાજમાં સહાનુભૂતિ, સંવેદનશીલતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવે છે.

ઉલ્લેખનીય છે કે પોષણ કિટમાં મગ, ચણા, સોયાબીન, રાજમા, મગ દાળ, ચણા દાળ, તુવેર દાળ, સીંગદાણા, ખજૂર, ગોળ, દાળીયા અને ચોખા જેવા પૌષ્ટિક ધાન્યનો સમાવેશ કરવામાં આવે છે, જે ક્ષયના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

‘ક્ષયમુક્ત ભારત’ અભિયાન જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. જો વધુ ને વધુ સેવાભાવી લોકો ક્ષયના દર્દીઓના પોષણની નૈતિક જવાબદારી સ્વીકારે, તો આ રોગને ઝડપથી નાબૂદ કરી શકાય. સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને જાગૃત નાગરિકોના સંયુક્ત પ્રયત્નોથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ટી.બી. મુક્ત ભારતનું સ્વપ્ન ચોક્કસ સાકાર થઈ શકે છે. ત્યારે આવો, www.nikshay.in પર નોંધણી કરીને ‘નિક્ષય મિત્ર’ બનીએ અને દેશમાંથી ક્ષયને નાબૂદ કરવામાં આપણો સક્રિય ફાળો આપીએ.

You may also like

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો