લગ્નગાળાનો ધસારો રાજકોટ એસટી માટે બન્યો આવકનો મહોત્સવ, દૈનિક આવક રૂ.70 લાખને પાર

લગ્નગાળાનો ધસારો રાજકોટ એસટી માટે બન્યો આવકનો મહોત્સવ, દૈનિક આવક રૂ.70 લાખને પાર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા લગ્નગાળાનો સીધો અને મોટો લાભ રાજ્ય પરિવહન નિગમના રાજકોટ એસટી વિભાગને મળતો જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગો, સમારંભો અને સગાસંબંધીઓની અવરજવર વધતા એસટી બસોમાં મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. પરિણામે, છેલ્લા કેટલાક દિવસોમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની એસટી બસોની દૈનિક આવકમાં સારો ઉછાળો નોંધાયો છે. અગાઉ જ્યાં દૈનિક આવક રૂ.60 લાખની આસપાસ હતી, ત્યાં હવે તે વધીને રૂ.70 લાખને પાર પહોંચી છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ રાજકોટ એસટી વિભાગે રૂ.5.74 કરોડથી વધુની આવક હાંસલ કરી છે.

હાલ રાજકોટ એસટી વિભાગ હેઠળ કુલ 445 જેટલી બસો નિયમિત રીતે દોડાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ સરેરાશ 22,000થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. લગ્નગાળાની સીઝનને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને આસપાસના તાલુકાઓ તરફ જતી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સગાવહાલા, લગ્નમાં હાજરી આપવા જતા પરિવારજનો અને સમારંભમાં જોડાવા જતા મહેમાનો માટે એસટી બસ સસ્તી અને સલામત સવારી તરીકે પ્રથમ પસંદગી બની છે.

રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર એચ.આર. કટારાએ જણાવ્યું હતું કે, લગ્નની સિઝન વિભાગ માટે અત્યંત લાભદાયક સાબિત થઈ છે. દૈનિક આવક રૂ.71 લાખ સુધી પહોંચી ગઈ છે, જ્યારે એક અઠવાડિયાની કુલ આવક પોણા છ કરોડ રૂપિયા જેટલી થઈ છે. ડેપો વાઇઝ જોવામાં આવે તો રાજકોટ ડેપોની આવક સૌથી વધુ રૂ.97 લાખ નોંધાઈ છે, જ્યારે ગોંડલ ડેપોની આવક રૂ.87.65 લાખ થઈ છે. આ ઉપરાંત વોલ્વો બસ સેવાથી પણ રૂ.72.84 લાખની આવક થઈ હોવાનું તેમણે જણાવ્યું.
 

 

છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રભરમાં લગ્નગાળાની સીઝન પુરબહારમાં ખીલી છે. તેનો સ્પષ્ટ પ્રભાવ રાજકોટ બસ પોર્ટ તેમજ વિભાગના તમામ ડેપો પર જોવા મળી રહ્યો છે. બસ સ્ટેશન પર સવારથી રાત સુધી મુસાફરોની ભીડ જામેલી રહે છે. ટિકિટ કાઉન્ટરથી લઈને પ્લેટફોર્મ સુધી લોકોની ચહલપહલ વધી છે. ઘણી બસો તો સંપૂર્ણ ભરાવ સાથે પોતાના રૂટ પર રવાના થઈ રહી છે, જે એસટી વિભાગની વધતી આવકનું પ્રતિબિંબ છે.

લગ્નગાળાની સાથે સાથે આવનારા દિવસોમાં ધાર્મિક મેળાનો લાભ પણ એસટી વિભાગને મળવાનો છે. 11 ફેબ્રુઆરીથી જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો હોવાથી રાજકોટ એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને 30 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને સરળ અને સલામત મુસાફરી મળી રહે. અધિકારીઓનો અંદાજ છે કે આગામી અઠવાડિયામાં મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થશે અને આવક સવા ગણી થવાની શક્યતા છે.

હાલમાં લગ્ન પ્રસંગોને ધ્યાનમાં રાખીને 35 જેટલી લગ્ન સ્પેશિયલ બસો પણ દોડાવવામાં આવી રહી છે. આ બસો ખાસ કરીને લગ્ન માટે ગામડાં અને શહેરો વચ્ચે અવરજવર કરતા લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. રાજકોટથી અમદાવાદ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને અમરેલી જેવા મુખ્ય રૂટો પર બસો ચીકકાર દોડતી જોવા મળે છે. લાંબા અંતરના રૂટો પર પણ એડવાન્સ બુકિંગનો ધસારો નોંધાયો છે.

એસટી વિભાગના સુત્રો મુજબ, લોકો સસ્તી, સલામત અને વિશ્વસનીય સવારી માટે ફરી એકવાર સરકારી એસટી બસ તરફ વળ્યા છે. લગ્નગાળો અને મહાશિવરાત્રી જેવા મોટા પ્રસંગો સાથે મળીને રાજકોટ એસટી વિભાગ માટે આ સમયગાળો આવકનો સુવર્ણ અવસર બની રહ્યો છે. હવે તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને સુવિધાઓ સાથે આ વધતા મુસાફર ધસારાને સંભાળવામાં આવે તો આવનારા દિવસોમાં એસટીની આવક વધુ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ