ઇન્ડિગોની આ ભૂલથી દેશભરમાં મચી ગયો હાહાકાર, સેવાઓ ક્યારે થશે સામાન્ય ? Dec 06, 2025 ઇન્ડિગોમાં ચાલી રહેલા સંકટે દેશના હજારો મુસાફરોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ અથવા ભારે વિલંબિત થઈ રહી છે, જેના કારણે મુખ્ય એરપોર્ટ્સ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. શરૂઆતમાં લાગ્યું હતું કે એરબસ A320 વિમાનોમાં સોફ્ટવેરની ખામીના કારણે વિલંબ થઈ રહ્યો છે, પરંતુ થોડા જ સમયમાં સ્પષ્ટ થયું કે સમસ્યાની મૂળ જડ ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન’ (FDTL) નિયમોમાં થયેલા અચાનક ફેરફારો છે.આ નિયમો જાન્યુઆરી 2024માં અમલમાં આવવાના હતા, પરંતુ વારંવાર મુલતવી રાખ્યા બાદ 1 નવેમ્બર, 2025થી અચાનક લાગુ કરવામાં આવ્યા. એરલાઇન્સને આશા હતી કે નવી તારીખ પણ લંબાવવામાં આવશે, પરંતુ તે ન થતાં આખું શેડ્યૂલ હચમચી ગયું. રાત્રિ ફરજની વ્યાખ્યા બદલાઈ, સાપ્તાહિક ફરજિયાત આરામ 36 કલાકથી વધારીને 48 કલાક થયો અને પાઇલટ્સને અઠવાડિયામાં ફક્ત બે જ રાત્રિ ઉતરાણ કરવાની મર્યાદા મુકાઈ. ખાસ કરીને 00:00 થી 06:00 વચ્ચેની ફ્લાઇટ્સ માટે મહત્તમ ઉડાન સમય 8 કલાક નક્કી કરાયો. આ ફેરફારોને કારણે પાઇલટ્સની ઉપલબ્ધતા ભારે ઘટી ગઈ. ઇન્ડિગોનું બિઝનેસ મોડેલ રેડ-આઇ ફ્લાઇટ્સ અને ઉચ્ચ આવર્તન પર આધારિત હોવાથી આ અચાનક પરિવર્તન તેના ક્રૂ પ્લાનિંગ માટે મોટો આંચકો સાબિત થયો.આ પરિસ્થિતિમાં DGCA એ પણ પોતાનો મહત્વનો નિર્ણય પાછો ખેંચ્યો છે. શુક્રવારે DGCA એ પાઇલટ્સ માટે સાપ્તાહિક આરામ વિષેનો નવો નિયમ તાત્કાલિક અસરથી રદ કર્યો. નોટિફિકેશનમાં જણાવાયું કે વર્તમાન પરિસ્થિતિ અને એરલાઇન્સની વિનંતીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCA એ સ્પષ્ટ કર્યું કે હાલની કામગીરીમાં જે વિક્ષેપ સર્જાયા છે, તેને સામાન્ય કરવા આ પગલું જરૂરી છે.ઇન્ડિગોની ફ્લાઇટ્સ એક પછી એક ગ્રાઉન્ડ થવા લાગી ત્યારથી જ મુસાફરો, સ્ટાફ અને વિશ્લેષકો સૌને અંદાજ આવી ગયો હતો કે કંઈક મોટું ખોટું ચાલી રહ્યું છે. અનેક એરપોર્ટ્સ પર મુસાફરો કલાકો સુધી રાહ જોતા રહ્યા, કેટલાકે તો રાત્રિભર એરપોર્ટ પર જ સમય પસાર કર્યો. જોકે કંપની તરફથી આશ્વાસન આપવામાં આવતું રહ્યું, વાસ્તવિક પરિસ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી.શિયાળાના સમયપત્રકની શરૂઆત 26 ઓક્ટોબરથી થઇ હતી અને તેમાં ફ્લાઇટ્સની સંખ્યા વધારાઈ હતી. પરંતુ FDTLના નવા નિયમો અને વધેલા ફ્લાઇટ ઓપરેશન વચ્ચેનું ગોઠવણીનું કાર્ય ઇન્ડિગો યોગ્ય રીતે કરી શકી નહોતી. પરિણામે, હજારો મુસાફરોની મુસાફરી યોજનાઓ ખોરવાઈ ગઈ. નિષ્ણાતો માને છે કે DGCAએ નવા નિયમોની અસરનું સમીક્ષણ કર્યા વગર શિયાળાના શેડ્યૂલને મંજૂરી આપી દીધી, જે સૌથી મોટો વહીવટી ખામીનો ભાગ છે.ઘણા લોકો આ સંકટને “સ્ટેજ-મેનેજ્ડ” પરિસ્થિતિ કહે છે, પરંતુ હકિકતમાં ઇન્ડિગો જેવી લિસ્ટેડ કંપની પોતાની પ્રતિષ્ઠા જોખમમાં મૂકી શક્ય નહીં. વાસ્તવિકતા એ છે કે અહીં પ્રણાલીગત નિષ્ફળતા જોવા મળી રહી છે—ક્રૂ મેનેજમેન્ટ, ઓપરેશનલ પ્લાનિંગ અને નિયમોમાં થયેલા અચાનક ફેરફારો—બધું એકસાથે ગોડમોડ બન્યું. જો યોગ્ય અને ઝડપી સુધારાત્મક પગલાં નહીં લેવાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.ઇન્ડિગોએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં કામગીરી સામાન્ય થઈ જશે. કંપની કહે છે કે તેની ઓપરેશનલ ટીમો મુસાફરોને ઓછું નુકસાન થાય તે માટે સતત કામ કરી રહી છે. તેમ છતાં, વાસ્તવિકતા એ છે કે સંપૂર્ણ સ્થિર કામગીરી પાછી મેળવવા થોડી વાર લાગી શકે છે. કારણ કે કંપનીએ DGCAને જાણ કરી છે કે 8 ડિસેમ્બરથી ફ્લાઇટ્સમાં ઘટાડો કરવામાં આવશે અને 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કામગીરી સંપૂર્ણપણે સ્થિર કરી દેવામાં આવશે.દેશના મોટા એરપોર્ટ્સ—મુંબઈ (85 ફ્લાઇટ્સ પ્રભાવિત), હૈદરાબાદ (68 ફ્લાઇટ્સ) અને ચેન્નાઈ (31 ફ્લાઇટ્સ)—આ સંકટના કેન્દ્રમાં રહ્યા છે. હજારો લોકો ઇમર્જન્સી મુસાફરી માટે પણ વિકલ્પો શોધવામાં નિષ્ફળ રહ્યા. સોશિયલ મિડિયામાં મુસાફરોના ગુસ્સા અને ફરિયાદોની લહેર જોવા મળી રહી છે.હાલની પરિસ્થિતિ એટલું તો સ્પષ્ટ કરે છે કે ભારતમાં એરલાઇન ઓપરેશન્સનું સંતુલન કેટલી નાજુક પરિસ્થિતિમાં છે. એક નવો નિયમ, એક નાની આંતરિક ખામી પણ રાષ્ટ્રવ્યાપી કટોકટી સર્જી શકે છે. ઇન્ડિગો, DGCA અને અન્ય એરલાઇન્સ માટે આ સંકટ એક મોટો પાઠ સમાન છે—ઓપરેશનલ તૈયારી, ક્રૂ મેનેજમેન્ટ અને નિયમનકારી સહયોગ, ત્રણેયનું સંતુલન જ સૌથી મહત્વપૂર્ણ છે.આગામી દિવસોમાં પરિસ્થિતિ કેટલી ઝડપે સામાન્ય થાય છે તે જોવા મળશે, પરંતુ મુસાફરો માટે સૌથી મોટો પ્રશ્ન એ જ છે—શું આવું ફરી બનશે? જો સિસ્ટમને મજબૂત નહીં કરવામાં આવે તો તેનો જવાબ કદાચ “હા” જ હશે. Previous Post Next Post